ત્રિશૂળ અને ડમરુ એ જ પૈકીનાં પ્રતીક છે તો કમંડળ પણ મહાદેવની જ દેન છે. કમંડળનો ઉપયોગ જળ માટે થાય છે, પણ પ્રતીકાત્મક રીતે કહેવાયું છે કે અમૃત હંમેશાં સાથે હોવું જોઈએ, જેથી અંતિમ ક્ષણોનો વિશ્રામ મળી રહે.
એકમુખી રુદ્રાક્ષ શિવજીના મસ્તક પર રહેલા ત્રિપુંડ તિલકનું પ્રતીક છે
ત્રિશૂળ અને ડમરુ પછી હવે વાત કરવાની આવે છે મહાદેવના પ્રતીક સમાન કમંડળની. શિવપુરાણ, ગરુડપુરાણ અને વિષ્ણુપુરાણનો જેમણે અભ્યાસ કર્યો હશે તેમને ખબર હશે કે મહાદેવના પ્રતીક સમાન જેકોઈ ચીજવસ્તુ કે સામગ્રી છે એ પૈકીની મહત્તમ ચીજવસ્તુઓ એવી છે જેનું પહેલાં કોઈ અસ્તિત્વ જ નહોતું. ત્રિશૂળ અને ડમરુ એ જ પૈકીનાં પ્રતીક છે તો કમંડળ પણ મહાદેવની જ દેન છે. કમંડળનો ઉપયોગ જળ માટે થાય છે, પણ પ્રતીકાત્મક રીતે કહેવાયું છે કે અમૃત હંમેશાં સાથે હોવું જોઈએ, જેથી અંતિમ ક્ષણોનો વિશ્રામ મળી રહે. દરેક જીવે આ જ સંદેશ લેવાનો છે.
જળ છે તો જીવન છે એ સાયન્સ આજે કહે છે, પણ મહાદેવે તો તેમના કાળમાં જ આ વાત સૂચકરૂપે કહી છે અને દર્શાવ્યું છે કે દરેક જીવને એક કમંડળની જરૂર છે. પ્રતીકાત્મક રીતે સંદેશ છે કે કમંડળથી વિશેષ મનુષ્યને કશાની આવશ્યકતા નથી. એ સિવાયનું જેકંઈ છે એ નિરર્થક દોટ છે માટે એ દોટ મૂકવાને બદલે બહેતર છે કે મહાદેવે ચીંધ્યા માર્ગને અપનાવવામાં આવે. કમંડળને સંન્યાસી જીવનના પ્રતીક સમાન પણ ગણવામાં આવ્યું છે. જેને સંસાર સાથે કશું લાગતુંવળગતું નથી એ સંસાર પાસેથી કમંડળ જેટલું પણ અપેક્ષિત ગણતા નથી. કમંડળ ભરવાની વ્યવસ્થા તો કુદરત પોતે જ કરી આપે છે.
ચોથા પ્રતીક તરીકે આવે છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ અને મહાદેવને સીધો સંબંધ છે. શાસ્ત્રોક્ત મુજબ રુદ્રાક્ષની ઉત્પત્તિઆ મહાદેવનાં આંસુઓમાંથી થઈ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર રુદ્રાક્ષ એકવીસમુખી સુધીનાં પ્રાપ્ત થાય છે અને એનાં પ્રમાણ પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યાં છે. જોકે વર્તમાન સમયમાં ચૌદમુખી પછીનાં એક પણ મુખી રુદ્રાક્ષ અપ્રાપ્ય છે. રુદ્રાક્ષ સૂચવે છે કે આંસુઓને જો સંઘરી રાખો તો એ જ આંસુ સકારાત્મક ઊર્જા સાથે તમને નવેસરથી ઊભા કરવાનું કામ કરે છે. રુદ્રાક્ષ સાથે જોડાયેલો આ સિદ્ધાંત આજે પણ એ જ સ્તરે માત્ર માન્યતા નહીં, હકીકત પણ છે. રુદ્રાક્ષ પહેરવાથી શરીરને પૉઝિટિવ એનર્જી મળે છે, જેની સીધી અસર બ્લડ-પ્રેશર પર થાય છે અને બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહે છે.
ત્રણમુખી, પાંચમુખી અને એકમુખી રુદ્રાક્ષનું મહત્ત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે એકમુખી રુદ્રાક્ષ શિવજીના ત્રીજા નેત્રનું પ્રતીક છે તો પંચમુખી રુદ્રાક્ષ મહાદેવ જે પાંચ દિશાનું સંચાલન કરે છે એ પાંચ દિશાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ત્રણમુખી રુદ્રાક્ષને મહાદેવનાં ત્રણ નેત્ર સાથે જોડવામાં આવ્યો છે. એકમુખી રુદ્રાક્ષ કીમતી છે. એક લાખ પંચમુખી રુદ્રાક્ષે એક એકમુખી રુદ્રાક્ષ મળતો હોવાનું અનુમાન બેસાડવામાં આવ્યું છે, જેમાં અતિશયોક્તિ નથી. એકમુખી રુદ્રાક્ષને ત્રિષપુંડ તિલક સાથે પણ સરખાવવામાં આવે છે.
આ ત્રિ પુંડ તિલક પણ મહાદેવનું એક પ્રતીક જ છે.
ત્રણ લાંબી ધારવાળા આ તિલકની વચ્ચે બિન્દુ સમાન એક તિલક કરવામાં આવે છે. આ ત્રણ તિલક મહાદેવના મસ્તક પર રહેલા ત્રણલોક અને એ લોક પર શાસન કરતા મહાદેવનું પ્રતીક ગણવામાં આવે છે. ત્રિ પુંડ તિલક ત્રિગુણનું પણ પ્રતીક માનવામાં આવે છે તો સતોગુણ, રજોગુણ અને તપોગુણનું પણ પ્રતીક ગણવામાં આવે છે. ત્રિપુંડના બે પ્રકાર છે.
આગળ કહ્યું એમ ત્રિપુંડ તિલકમાં ત્રણ ધાર અને વચ્ચે લાલ રંગનું બિન્દુ સમાન તિલક, તો બીજું તિલક ત્રણ ધારને એકબીજા સાથે જોડીને કરવામાં આવે છે. પહેલું જે તિલક છે એ ખુલ્લી ધારવાળું તિલક સંસારીએ ન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપવામાં આવી છે, પણ બીજા પ્રકારનું તિલક સંસારી પણ કરી શકે છે. બીજા પ્રકારના તિલકથી એકાગ્રતા વધે છે અને એમાં કરવામાં આવેલા બિન્દુને શક્તિનું પ્રતીક ગણવામાં આવ્યું છે. આ બીજા પ્રકારનું તિલક કરવા માટે તાંબાનું એવું સાધન બનાવવામાં આવે છે જેને ભભૂતમાં ઝબોળીને એ તિલક કરી શકાય છે.
શિવજીનું હવે પછીનું પ્રતીક છે ભભૂત એટલે કે ભસ્મ, જેની વાત કરીશું આપણે આવતી કાલે.
લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર
થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.

