કોઈના કામમાં વિઘ્નો નાખીને તેનું કામ અટકાવવું અને એ પ્રક્રિયાથી સંતોષ મેળવવો. જો તમારી આસપાસ આ પ્રકારના લોકો વધી રહ્યા હોય તો માનવું કે તમારા જન્માક્ષરમાં શનિ અને ઘર કે ઑફિસની ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન દિશા દૂષિત થયાં છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
પોતે કામ કરે નહીં અને તમે કામ કરતા હો તો એમાં વિઘ્નનો ઢગલો કર્યા કરવો. બસ, આ જ વિઘ્નસંતોષીનું કામ અને આ કામમાં તે એવો માહેર હોય કે સામાન્ય લોકો તો વિચારી પણ ન શકે. વિઘ્નો ઉમેરવાં એ જ આ વિઘ્નસંતોષીનું કામ નથી. વ્યક્તિ જો વિઘ્નોને પાર કરી જાય તો તે તરત વ્યક્તિની કૂથલી માંડી દે. તમારી બદબોઈ કરે અને તમારી પીઠ પાછળ તમારી શાખને હાનિ પહોંચાડે. તમે તેનું કશું બગાડ્યું ન હોય અને એ પછી પણ તેને શાંતિ ન થાય. આ જ કારણે તેને દુશ્મન નહીં પણ વિઘ્નસંતોષી કહેવામાં આવે છે. તે તમારો વિકાસ, તમારી પ્રગતિ, તમારી શાંતિ અને તમારી સફળતા જોઈ નથી શકતો. ધારો કે તમે તેનાથી થાકી-હારીને હવે પ્રોગ્રેસ ભૂલવા તૈયાર થઈ જાઓ અને ખૂણામાં શાંતિથી તમારું કામ કરવા માંડો તો પણ તેને ચેન ન પડે અને આ વિઘ્નસંતોષી તમારી એ શાંતિને પણ ખલેલ પહોંચાડવા પહોંચી જાય.
જીવનમાં જ્યારે વિઘ્નસંતોષીઓનું ઝુંડ ઊભું થઈ જાય ત્યારે સહજ રીતે સમજી લેવું કે તમારે કાં તો ગ્રહ શનિને ખુશ કરવાની કે પછી ઘરમાં ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાના દોષ દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ADVERTISEMENT
પ્રોફેશનલ જીવનમાં વિઘ્નસંતોષીઓ હોવા એ જ આમ તો પ્રોગ્રેસની નિશાની છે, પણ જો એમાં વ્યક્તિ કે વિઘ્નો ઉમેરાતાં જાય તો એનો રસ્તો કાઢવો જોઈએ જેથી કામ સરળતાથી આગળ વધે અને પ્રોફેશનલ સૅટિસ્ફૅક્શન પણ અકબંધ રહે. વિઘ્નસંતોષીઓના માનસિક ત્રાસથી બચવા માટે શું કરવું જોઈએ?
શનિને દોસ્ત કેમ બનાવશો?
ગ્રહ શનિનો વિપરીત કાળ શરૂ થયો હોય કે પછી શનિ જન્મકુંડળીમાં દૂષિત હોય એવા સમયે વિઘ્નસંતોષીઓ વધતા રહે છે. જો વિઘ્નસંતોષીથી થાક લાગતો હોય તો જમવામાં અડદનો ઉપયોગ વધારી દેવો જોઈએ. અડદના પાપડથી માંડીને અડદની દાળ નિયમિત ખાવાથી વિઘ્નસંતોષીથી રાહત સાંપડે છે. શિયાળાના દિવસોમાં અડદિયા પાક ખાવો પણ શનિ માટે લાભદાયી છે. જો તમને મનમાં વિચાર આવે કે અડદથી કેવી રીતે શનિને રાહત આપી શકાય તો જવાબ છે કે અડદ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, જે વિઘ્નો સામે ટક્કર આપવા અને એની સામે મક્કમતાથી ઊભા રહેવાની ઊર્જા પેદા કરે છે.
ઈશાનની અવદશા કેમ સુધારવી?
ઘરના ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાંની બન્ને દીવાલોને એટલે કે ઉત્તર અને પૂર્વ દીવાલની સાથે પકડાવીને અભરાઈ કે સ્ટૅન્ડ ફિટ કર્યું હોય તો એ તાત્કાલિક દૂર કરવું. વાસ્તુશાસ્ત્ર મુજબ આ એ જગ્યાએ છે જ્યાં વાસ્તુપુરુષનું મસ્તક અને ગરદન છે. આ બન્ને દીવાલને જોડી રાખવાનો એક અર્થ એવો થાય છે કે તમારી ગરદન કોઈએ પકડી રાખી છે. વિઘ્નસંતોષીનું કામ એવું જ હોય છે. તે તમને મારતો પણ નથી અને તમને છોડતો પણ નથી. જો વિઘ્નસંતોષીઓથી છુટકારો જોઈતો હોય તો આ બન્ને દીવાલો જોડીને જે કંઈ ઊભું કરવામાં આવ્યું હોય એ તાત્કાલિક દૂર કરો.
ગણપતિ ક્યાં સહાયના રૂપમાં આવે?
ધારો કે ગ્રહમાં શ્રદ્ધા ન હોય, વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ન હોય તો ત્રીજો ઉપાય પણ છે. દરરોજ બપોરે ૧૨.૪૦ વાગ્યે એટલે કે વિજય મુહૂર્તના સમયે ગણપતિ ભગવાનનાં ૧૦૮ નામનું સ્મરણ કરો. એ સમયે જો ઑફિસમાં હો તો પણ કરી શકો છો અને ટ્રાવેલ કરતા હો તો પણ કરી શકો છો. ગણપતિનાં ૧૦૮ નામ કંઠસ્થ ન હોય તો તમે આંખ સામે તેમનો ફોટો રાખીને પણ બોલી શકો છો અને જો એ કરવું પણ તમને ફાવે નહીં તો યુટ્યુબ પરથી ૧૦૮ નામનો વિડિયો કે ઑડિયો ફાઇલ વગાડીને એ નામોની સાથે મનમાં ગણપતિનું રટણ કરી શકો છો. ગણપતિ વિઘ્નહર્તા છે, જે વિઘ્નોની સાથોસાથ જીવનમાંથી વિઘ્નસંતોષીઓ પણ દૂર કરે છે.
ગણપતિનાં આ નામોની સાથે હનુમાનજીની આરાધના પણ લાભદાયી પુરવાર થઈ શકે છે. દર શનિવારે હનુમાનજીને તેલ-અડદ ચડાવવાં અને હનુમાન ચાલીસાનું પઠન કરવું પણ જીવનમાંથી વિઘ્નસંતોષીઓને દૂર કરવાનું કામ કરે છે.