Raksha Bandhan 2024: આજે ભાઈ-બહેનનો તહેવાર છ શુભ સંયોગમાં, રાખડી બાંધવાની આ છે સાચી રીત
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાં આજે રક્ષાબંધન (Raksha Bandhan)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે. ત્યારે ભાઈ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે.. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનના પ્રેમનો ઉત્સવ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન (Raksha Bandhan 2024) પર છ શુભ સંયોગ બન્યા છે, જેના કારણે તેને અત્યંત શુભ માનવામાં આવે છે. જો કે, આ વખતે સૂર્યોદયની સાથે જ ભદ્રાનો પ્રારંભ થયો છે, જેના કારણે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત સવારે નહીં પરંતુ બપોરે છે. આજે બપોરથી રાત સુધી રાખડી બાંધી શકાશે. તો ચાલો જાણીએ રક્ષાબંધનના શુભ સમય, મંત્રો, શુભ યોગ અને રાખડી બાંધવાની રીત વિશે.
રક્ષાબંધનની તિથિ
ADVERTISEMENT
રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ મહિનાની પૂનમે કરવામાં આવે છે. પંચાંગના આધારે શ્રાવણ પૂર્ણિમા ૧૯મી ઓગસ્ટે સોમવારે છે.
શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ આજે, સોમવાર, સવારે ૦૩.૦૪થી થશે.
જ્યારે શ્રાવણ પૂર્ણિમા તિથિની સમાપ્તિ આજે, સોમવાર, રાત્રે ૧૧.૫૫ કલાકે થશે.
રક્ષાબંધન ૨૦૨૪ પર બની રહ્યાં છે આ છ શુભ સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. આવો સંયોગ લગભગ 90 વર્ષ બાદ રચાયો છે. આ વર્ષે રાખડી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ આ દિવસે બુધાદિત્ય, ષશ રાજયોગ, શુક્રાદિત્ય, લક્ષ્મી નારાયણ જેવા યોગ પણ બની રહ્યા છે.
૧. રવિ યોગ: સવારે ૦૫.૫૩ થી સવારે ૦૮.૧૦ કલાકે
૨. સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે ૦૫.૫૩ થી ૦૮.૧૦ સુધી.
૩. શોભન યોગ: સવારે ૦૫.૫૩ થી રાત સુધી
૪. રાજ પંચક: સાંજે ૦૭.૦૦ વાગ્યાથી આવતીકાલે સવારે ૦૫.૫૩ સુધી
૫. શ્રાવણના છેલ્લા સોમવારનો ઉપવાસ
૬. શ્રાવણ પૂર્ણિમાના વ્રત, સ્નાન અને દાન
રક્ષાબંધન પર ભદ્રા ક્યારે હશે?
રક્ષાબંધનના દિવસે સવારથી જ ભાદરની છાયા છે. ભદ્રા સવારે ૦૫.૫૩ વાગ્યે શરૂ થાય છે અને બપોરે ૦૧.૩૨ વાગ્યે સમાપ્ત થશે. આ રીતે ભદ્રાનો પડછાયો ૭ કલાક ૩૯ મિનિટ સુધી રહેશે. ભદ્રા પછી જ રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધન પર રાહુકાલ સવારે ૦૭.૩૧ થી ૦૯.૦૮ કલાક સુધી છે.
રક્ષાબંધનનું શુભ મુહૂર્ત
આજે રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે સાર કલાકથી વધુનો શુભ સમય છે. રાખડી બાંધવાનો શુભ સમય બપોરે ૧.૩૨ કલાકથી રાત્રે ૯.૦૮ કલાક સુધીનો છે.
રક્ષાબંધનની પૂજા-વિધિ
રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને બધા કામ પુરા કરીને સ્નાન કરો. આ પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી દેવી-દેવતાની પૂજા કરી તેમને પણ રક્ષા સૂત્ર અર્પણ કરો.
રક્ષાબંધનના શુભ મુહૂર્તમાં થાળીમાં ચોખા, સિંદૂર, મીઠાઈ, રાખડી, દીવો વગેરે મુકી દો.
હવે પહેલા દેવી-દેવતાનું ધ્યાન કરો. આ પછી ભાઈને પૂર્વ તરફ મોઢું રાખીને ઉંચી જગ્યાએ બેસાડો અને માથામાં રૂમાલ અથવા કોઈપણ કાપડ મૂકો.
બહેન પહેલાં ભાઈના કપાળમાં કંકુનું તિલક લગાવશે. આ પછી તેના પર ચોખા લગાવો અને વધેલા ચોખા તેના પર ઉડાડો. આ પછી આરતી કરો.
આ પછી મંત્રનો જાપ કરતા ભાઈના જમણા કાંડામાં રાખડી બાંધો.
રાખડી બાંધતા બહેનોએ બોલવો આ મંત્ર
‘येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:, तेन त्वाम् प्रतिबद्धनामि, रक्षे माचल माचल:’
આ મંત્ર બોલી રક્ષા બાંધે તો બહેનની રક્ષા થાય છે અને ભાઈનું આયુષ્ય દીર્ઘ બને છે. આ મંત્રમાં રાજા બલિને રાખડી બાંધવાનો ભાવ જાગૃત થાય છે.
આમ બાંધજો રાખડી
રાખડી બાંધવા માટે પહેલા થાળીમાં મિઠાઈ અને રાખડી રાખો. હવે સૌથી પહેલા ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધો, કારણ કે આ હાથ પર રાખડી બાંધવી શુભ છે. પછી તેને મીઠાઈ ખવડાવો. હવે તમારા ભાઈની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી વખતે તેની આરતી કરો. આ દરમિયાન ભાઈઓએ બહેનોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ હોય છે.