આ ફરિયાદ અનેકાનેક લોકોની છે. આ ફરિયાદ દૂર કરવા માટેના કેટલાક સરળ રસ્તા શાસ્ત્રોમાં દર્શાવ્યા છે જેનો અમલ સૌકોઈને લાભ આપે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘરમાં આર્થિક તંગી રહેવી અથવા કમાણી હોવા છતાં પૈસા ન ટકવા જેવા મુદ્દાઓ ઘણી વાર ઘરના આર્થિક ખૂણા અને તિજોરીના ખોટા સ્થાન સાથે જોડાયેલા હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ધન આકર્ષિત કરવા અને એને ટકાવી રાખવા માટે ખૂબ જ સચોટ અને સરળ રસ્તાઓ બતાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરવાથી રાહત મળવાની સંભાવના રહે છે. આ જે રસ્તાઓ છે એ વાપરવાયોગ્ય છે.
તિજોરીની સાચી દિશા
ADVERTISEMENT
ઘરમાં તિજોરી રાખવાનું શ્રેષ્ઠ સ્થાન જો કોઈ હોય તો એ દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય કોણ છે જેને અંગ્રેજીમાં સાઉથ-વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પૈસા રાખવામાં આવતા હોય, અગત્યના ડૉક્યુમેન્ટ્સ અને ઑર્નામેન્ટ્સ રાખવામાં આવતાં હોય એ તિજોરી કે કબાટનો પાછળનો ભાગ દક્ષિણ તરફ રહે અને એનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલે એ પ્રકારે રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર તરફ ખૂલતી તિજોરીમાં ધનની સતત આવક ચાલુ રહે છે અને ઇન્કમના સોર્સ પણ વધે છે.
જો શક્ય હોય તો તિજોરી ક્યારેય દક્ષિણ દિશા તરફ ખૂલે એમ ન રાખવી જોઈએ. દક્ષિણને શાસ્ત્રોમાં યમની દિશા ગણાવવામાં આવી છે. એ દિશા તરફ તિજોરી ખૂલતી હોય તો પૈસાનો વ્યય થાય છે.
ઉત્તર દિશાનું મહત્ત્વ
શાસ્ત્રોમાં ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના ભગવાન કુબેરની દિશા કહેવામાં આવી છે. ઉત્તર એટલે કે નૉર્થથી જીવનમાં નવી તક, વેપારમાં પ્રગતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જે ઘરમાં નૉર્થ દિશા હવા-ઉજાસ સાથેની હોય છે એ ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી અને આવક સતત ચાલુ રહે છે એવું વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે.
ઉત્તરની અગત્યતા જ્યારે આ સ્તર પર છે ત્યારે ઘરની નૉર્થ દિશાને હંમેશાં સાફ-ચોખ્ખી, ખુલ્લી અને હળવી રાખવી જોઈએ. નૉર્થમાં ક્યારેય ભારે સામાન કે ભંગાર ન રાખવો જોઈએ. ઘરમાં નૉર્થ દિશામાં વડીલોનો રૂમ હોય તો એનું પણ પરિણામ સારું મળે છે. એ વડીલોની આવરદામાં વધારો કરો છે અને સાથોસાથ તેમના જીવનને તકલીફરહિત પણ બનાવે છે.
જો શક્ય હોય તો ઉત્તર દિશાની દીવાલ પર હળવો વાદળી અથવા લીલો કલર કરાવવો જોઈએ. આ બન્ને કલર પણ ધનપ્રવાહને વધારવાનું કામ કરે છે.
પાણી ટપકતું રોકો
જો ઘરના કોઈ નળમાંથી પાણી ટપકતું હોય તો એને તાત્કાલિક રિપેર કરાવવો જોઈએ. પાણીનો વેડફાટ ન થાય એ માટે પણ આ ખૂબ જરૂરી છે તો સાથોસાથ ધનના પ્રવાહમાં આવી ગયેલા લીકેજને રોકવામાં પણ એ ખૂબ નકારાત્મક પરિણામ આપે છે. ઘરમાં વધારાનાં વાસણો પાણીથી ભરી રાખવાં એ પણ નુકસાનકર્તા છે એટલે જો જરૂર ન હોય તો એ પણ કરવું જોઈએ અને ધારો કે એવું કરવું પડે તો એ પાણીને ઢાંકીને રાખવું જોઈએ. જો શક્ય હોય તો બહારથી આવનારી વ્યક્તિને પાણી આપ્યા પછી એ ગ્લાસને તરત ધોવામાં મૂકવો જોઈએ.
વ્યક્તિ ગમે એટલી અંગત હોય, પણ જો તે તમારી સાથે ન રહેતી હોય તો તેણે પાણીનો જે ગ્લાસ વાપર્યો હોય એ ગ્લાસ ધોઈને જ ફરી એના નિયત સ્થાન પર મૂકવાની આદત કેળવવી ઘરની આર્થિક પરિસ્થિતિ માટે લાભદાયી છે. ખાસ વાત. ધનને આકર્ષવા માટે તૃપ્તિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એટલે ઘરમાં આવનારી દરેક વ્યક્તિ તમારા ઘરેથી પાણી પીને રવાના થાય એ મુજબનો સ્વભાવ રાખવો જોઈએ. મેઇડથી લઈને ઘરે ડિલિવરી કરવા આવનારાઓને પણ પાણી પિવડાવવાની આદત કેળવો, પણ યાદ રાખો કે ગ્લાસ સીધો ધોવા માટે મૂકવો.
તિજોરીને આપો ઑર્નામેન્ટ્સ
હા, શાસ્ત્રોમાં કહેવાયું છે કે તિજોરીનો ઉપયોગ માત્ર ધન અને દાગીના સાચવવા માટે જ ન કરવો જોઈએ, કારણ કે તિજોરી રક્ષકની ભૂમિકા ભજવે છે; પરંતુ હકીકતમાં એ પણ લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને લક્ષ્મીને હંમેશાં ઑર્નામેન્ટ્સ આપવાં જોઈએ.
તિજોરીની અંદરની સાઇડ પર એટલે કે દરવાજા પર એક નાનકડો મિરર મૂકવો જોઈએ, જેથી તિજોરી ખોલતાં જ અંદર રાખેલા પૈસા કે દાગીનાનું પ્રતિબિંબ એમાં દેખાય. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે આવું કરવાથી આવનારું ધન બમણું થાય છે.
આ ઉપરાંત તિજોરીમાં હંમેશાં લાલ કે પીળું રેશમી કપડું પાથરીને રાખવું જોઈએ અને એના પર જ પૈસા કે દાગીના મૂકવા જોઈએ. આ રેશમી કપડા પર કુબેર કે શ્રી યંત્ર રાખવામાં આવે તો એ પણ લાભદાયી બને છે.
આ ઉપરાંત તિજોરીમાં શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં પાંચ કે ૧૧ પીળી કોડીઓ, એકાક્ષી નારિયેળ અથવા ચાંદીના સિક્કાની પૂજા કરવી જોઈએ. આ તમામ ચીજવસ્તુઓમાં ધનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા છે તો સાથોસાથ આ ચીજવસ્તુઓ લક્ષ્મીજીનાં ઑર્નામેન્ટ્સની ગરજ પણ સારે છે.
