જાણીતા વાસ્તુ કન્સલ્ટન્ટ, કલર થેરપિસ્ટ અને ન્યુમરોલૉજિસ્ટ ધર્મેશ રાજદીપ પાસેથી જાણીએ નવું વિક્રમ સંવત વર્ષ દરેક અંકના જાતકો માટે કેવું રહેશે
પ્રતીકાત્મક તસવીર
મૂલાંક ઃ ૧
જન્મતારીખ ૧ / ૧૦ / ૧૯ / ૨૮
શારીરિક અને માનસિક સ્તર
આ વર્ષ ઘણું શીખવનારું સાબિત થશે. તમે આત્મવિશ્વાસ ધરાવો છો, સ્વતંત્ર વિચારસરણી છે, શ્રેષ્ઠ સર્જક પણ છો અને ઉત્તમ મૅનેજર પણ છો. જોકે આ વર્ષે તમારે સંઘર્ષમાં ઊતર્યા વિના સમજણથી કામ પાર પાડવાનું છે અને ઘટનાઓમાંથી શીખતા રહેવાનું છે. જો શીખતા ગયા તો તમારું નોખું જ વ્યક્તિત્વ ઊભરશે.
ટેન્શન રહેશે, પણ મૈં ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા... ગીતની ફિલોસૉફી તમારી હોવી જોઈશે. હેલ્થ પર ખાસ ધ્યાન આપજો. વજન અને બ્લડ-પ્રેશર નિયંત્રણમાં રહે એ માટે સતેજ રહેજો. એક્સરસાઇઝ શરૂ કરી દેશો તો એ તમારા હિતમાં રહેશે. અન્યથા આ વર્ષે વાયુ અને ચરબીનો પ્રકોપ જોવો પડી શકે છે. પહેલી જૂનથી ઑગસ્ટના અંત ભાગમાં હેલ્થ વિશે વધારે કાળજી રાખવી.
જ્ઞાન અને કમાણી
અહીં પણ ઉત્સાહ ટકાવી મહેનત કરશો તો ફળ મળશે. હા, મહેનત એળે નથી જવાની. બૉસ કે માલિક સાથે મતભેદ ઊભા થશે. ક્યાંક લાગશે કે અન્યાય થઈ રહ્યો છે અને એને લીધે અપસેટ પણ થશો, પણ એ ફીલિંગ્સને હાવી નહીં થવા દેતા. અન્યથા એની સીધી અસર કામ પર દેખાશે અને ધાર્યું રિઝલ્ટ નહીં મળે.
વિદ્યાર્થીઓએ આ વર્ષે આત્મવિશ્વાસ ટકાવી મહેનત ચાલુ રાખી તો ધારી સફળતા મળશે. ભણવાનું ભારે લાગે તો ગતિ ઘટાડવી, પણ મહેનત ચાલુ રાખવી. કમને કહેવું પડે છે કે આ વર્ષે વિદેશ જવાના યોગ ઓછા છે. માત્ર જન્મના ગ્રહોમાં તાકાત હશે તો જ તમારી વિદેશ ભણવા જવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.
જે બિઝનેસ કરે છે તેમને લીગલ હર્ડલ્સ નડી શકે છે. લોનને લગતાં કાર્યો માટે શનિવારે અને મંગળવારે પ્રોસેસ ચાલુ કરવાનું ટાળજો. પ્રોફેશનલ્સને પણ આ વર્ષે ખૂબ મહેનત કરવાની છે. શૉર્ટ ટેમ્પર થઈને કોઈ નિર્ણય ન લેવો, નહીં તો ક્લાયન્ટ સાથે સંબંધ ખરાબ કરી બેસશો.
રિલેશનશિપ અને અંગત જીવન
આ વર્ષે જો તમને લાગે કે જીવનસાથી કે પ્રિયપાત્ર સહેજ નિષ્ઠુર બની રહ્યું છે તો એને તમારો ભ્રમ માનવો. પ્રથમ દૃષ્ટિએ તેનું વર્તન સ્વાર્થી કે ક્રૂર લાગે, પણ વાસ્તવમાં એમાં તમારું જ હિત છે જે સમય જતાં સમજાશે પણ ખરું. એટલે શૉર્ટ ટેમ્પર બન્યા વિના રિલેશનશિપ વધુ મૅચ્યોર બને એ માટે પ્રયાસ કરજો.
જે લવશિપને મૅરેજલાઇફ તરફ લઈ જવા માગે છે તેમને આ વર્ષે અડચણો આવી શકે છે. અનમૅરિડ કે પ્રેમમાં હોય એ સૌને એક વાત કહેવાની કે ઉતાવળ કરીને રિલેશનશિપ ડિસ્ટર્બ કરતા નહીં. નહીં તો સમય જતાં તમને તમારા જ નિર્ણય માટે દુઃખ થશે, પણ ત્યારે સમય પસાર થઈ ગયો હશે. વૅલેન્ટાઇન્સ ડે પછી જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો અને તેમને પ્રેમથી એક્સરસાઇઝ કરવા મોટિવેટ કરજો.
ત્રીજી વ્યક્તિને કારણે પ્રેમીઓ કે પતિ-પત્ની વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે એવું ન બને એ માટે કમ્યુનિકેશન ક્લિયર રાખજો જેથી સ્પષ્ટતા થઈ શકે.
ઇન્કમ અને સેવિંગ્સ
આ વર્ષે તમને બચતનું મહત્ત્વ સમજાવશે તો બચત પણ તમે કરી શકશો. આ વર્ષે ખોટા ખર્ચા ઘટાડવાના છે. મે મહિનાથી ઇન્કમમાં વધારો થતો જણાશે. જોકે ખોટા ખર્ચા વધારશો તો એ ધોવાશે. ઇન્ક્રિમેન્ટની અપેક્ષા રાખતા સૅલરાઇડ્સ માટે મહત્ત્વની વાત. મે પછી એ આવી શકે છે, પણ અપેક્ષા મુજબનું નહીં આવે અને બીજી વાત, આ વર્ષે પ્રમોશનના ચાન્સ પણ ઓછા છે.
એપ્રિલના અંત સુધી શૅર-સટ્ટામાં ફાયદો લેવો, પણ એ પછી એનાથી દૂર રહેવું હિતાવહ છે. અગત્યના આર્થિક નિર્ણયો એપ્રિલના અંત સુધી જ લેવા અને એ પછી મોટા આર્થિક નિર્ણયો ટાળવા.
આ વર્ષે આવક અને જાવક લગભગ સમાન રહેવાની છે; પણ હા, આ વર્ષથી બચતની આદત શરૂ થઈ શકે છે. આવક વધારવા શૉર્ટકટ ન અપનાવાની ખાસ સૂચના એક નંબરવાળાને છે. જો એપ્રિલ પછી પૈસા કમાવા શૉર્ટકટ અપનાવ્યો તો મૂડી પણ ખોવી પડી શકે છે. એટલે એપ્રિલ પછી માત્ર મહેનતના પૈસા પર ધ્યાન કેન્દ્રિત રાખજો.
ઓવરઑલ રેટિંગ
5.3 / 10
મૂલાંક ઃ ૨
ADVERTISEMENT
જન્મતારીખ 2 / 11 / 20 / 29
શારીરિક અને માનસિક સ્તર
વિક્રમ સંવત 2080 બે નંબરના લોકોના મનને ચૅલેન્જ કરશે. વર્ષની શરૂઆતમાં નેગેટિવ વિચારો આવી શકે, જેને તમે અમલમાં મૂકો એવી પ્રબળ શક્યતા છે. ડિસેમ્બર 2023 સુધી સંતાનને લગતી કોઈ ચિંતા તમારા મનને વ્યાકુળ બનાવશે. પણ પૉઝિટિવિટી ટકાવીને આગળ વધ્યા તો આખું વર્ષ આનંદદાયક પસાર થશે.
આ વર્ષે તમારા નખમાં પણ રોગ નથી, પણ મન મજબૂત રાખવું પડશે. એવું કહીએ તો પણ ચાલે કે આ વર્ષે તમારે મનની એક પણ વાત સાંભળવાની નથી, કારણ કે આ વર્ષે તમારું મન જ તમારા સુખ-દુઃખનું કારણ બનવાનું છે. બાકી સરવાળે વર્ષ પ્રગતિ, ખુશી, પ્રેમ અને સફળતા અપાવનારું છે. જેમને હૃદયની બીમારી છે તેમણે ૧૪ ફેબ્રુઆરીથી ૧પ માર્ચ સુધી સાચવવું.
જ્યારે મન નબળું પડે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. જાન્યુઆરીનો મધ્ય પછી ખોરાક પર ખાસ ધ્યાન આપજો. ઍસિડિક, આથેલો ખોરાક કે જન્ક ફૂડ લેવાનું સદંતર બંધ કરી દેજો. નહીં તો પિત્ત વધવાની પૂરી શક્યતા છે અને પછી માઇગ્રેન સુધી તકલીફ વધી શકે છે.
જ્ઞાન અને કમાણી
એપ્રિલના મધ્યભાગ પછી તમારી સફળતાને ચાર ચાંદ લાગશે. ચારેય તરફ તમારા કામની વાહ-વાહ તમને સાંભળશે અને ઑફિસમાં તમારી બોલબાલા હશે. જોકે માર્ચના આરંભથી એપ્રિલના
આરંભ સુધીનો એક મહિનો તમારે સાચવવાનો છે. આ સમય દરમિયાન તમે ધ્યાન રાખીને કામ કર્યું હોય તો પણ તમને બદનામી મળી શકે કે તમારા કામમાંથી ભૂલો નીકળે જેને લીધે તમારો ઉત્સાહ તૂટશે, પણ જો એ એક મહિનો તમે પસાર કરી લીધો તો તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થવાની છે. આ સમય દરમિયાન જ આપને નાણાં મળવાના પણ અવસરો આવતા રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશન કે સ્થાન પરિવર્તનની શક્યતા નહીંવત્ છે.
વિદ્યાર્થીઓને મે સુધીમાં લેવાનારી તમામ પરીક્ષાઓમાં સારી સફળતા મળવાની શક્યતા છે. એન્જિનિયરિંગ અને મેડિકલના ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ મોટી સક્સેસ રાહ જુએ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષનો ગોલ્ડન રૂલ છે, જો ડર ગયા સમજો મર ગયા... એટલે આત્મવિશ્વાસ રાખીને મહેનત કરજો.
પાર્ટનરશિપમાં કામ કરતા લોકોએ ભાગીદાર સાથે ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં આવકનો ફ્લો વર્ષ દરમ્યાન સતત ચાલતો રહેવાનો છે. તમારા હરીફ પણ તમારી સાથે દોસ્તીનો હાથ ફેલાવશે, પણ એનાથી સાચવવું.
એપ્રિલ પછી ખાસ ધ્યાન રાખવાની બાબત છે ઉધારી. કોઈને પણ ઉછીના પૈસા આપો તો એ ફસાઈ ન જાય એ માટેની ગોઠવણ પહેલેથી રાખજો. નહીં તો તે પૈસા તમારી માનસિક શાંતિને હણી લેશે. પ્રોફેશનલ, ફ્રીલાન્સર લોકોને આખું વર્ષ પૈસાનો ફ્લો ચાલુ જ રહેવાનો છે.
રિલેશનશિપ અને અંગત જીવન
જીવનસાથી કે પ્રેમી સાથે સૌહાર્દ બની રહે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઑક્ટોબરના અંતથી નવેમ્બર દરમિયાન રિલેશનશિપમાં નાના-મોટા મતભેદની શક્યતા છે. જોકે નવેમ્બર પછી એ પ્રશ્ન રિઝૉલ્વ કરી શકશો. પ્રેમીઓને પણ મનદુઃખ થવાના ચાન્સ છે. જોકે એ ટેમ્પરરી સ્થિતિ હશે. સરવાળે તો આખું વર્ષ હર્ષોલ્લાસ સાથે પસાર થવાનું છે.
દૂરનાં સ્થળોએ ફરવા જવાનું પણ બનશે તથા સારી રેસ્ટોરાંમાં લહેજતના પણ અનેક પ્રસંગો બનશે. આ વર્ષે તમારા મિત્રવર્તુળમાં ફેરફાર આવી શકે છે. ઉત્તરાયણની ઉજવણી કરી લો પછી તમારો મિત્ર તમારો દુશ્મન ન બને એનું ખાસ ધ્યાન રાખજો. બીજી બાજુ એપ્રિલના અંત પછી દુશ્મનો તમારા પ્રત્યે કૂણું વલણ બતાવતા તમને દેખાય તો પણ સાવધ રહેજો. આ અરસામાં દુશ્મનો તમને ભોળવીને તમારા મિત્ર બનવા પ્રયત્ન કરશે અને પછી અંગત જીવનમાં પણ દખલગીરી કરશે. એટલે આવા લોકોને મિત્રો બનાવતા પહેલાં વિચારી લેજો.
માર્ચ-એપ્રિલ દરમિયાન તમે જોશો કે તમારી પીઠ પાછળ બહુ વાતો થાય છે. જોકે એનાથી ડિસ્ટર્બ થવાની જરૂર નથી. એ અમુક સમય પૂરતું જ છે. એકાદ મહિનામાં બધું નૉર્મલ થઈ જશે.
પ્રેમીઓ વચ્ચે આ વર્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જરા વધુ જ થતા જોવાશે તો ભાઈ-બહેનના સંબંધોમાં પણ ડિસ્ટર્બન્સની શક્યતા છે. કોઈ વ્યક્તિ ખરાબ નથી. સમય એવી સ્થિતિ ઊભી કરે છે જે બધું ખરાબ કરી દે છે. એટલે હિંમત અને ધીરજ રાખીને સમય પસાર કરી દેવો.
ઇન્કમ અને સેવિંગ્સ
આ વર્ષ આર્થિક બાબતોમાં ખૂબ સારું પરિણામ આપશે. નવું વાહન, નવી સંપત્તિ, ઘરનું રિનોવેશન, ધંધામાં નવી મશીનરી, નવું એક્સ્પાન્શન બધું આ વર્ષે શક્ય બની શકે છે. આખા વર્ષ દરમિયાન આર્થિક પાસું મજબૂત બનતું જણાશે. માત્ર ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન કોઈ ખોટું સાહસ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. જે લોકોનો આર્થિક વ્યવહાર વિદેશથી ચાલે છે એવા લોકોને સપ્ટેમ્બરના અંત પછી નાણાંનો ફ્લો શરૂ થઈ જશે. ઝવેરાત-દાગીના ખરીદવા જાઓ ત્યારે કોઈ જાણકાર વ્યક્તિને સાથે રાખજો. નહીં તો છેતરાવાની પૂરી શક્યતા છે. શૅરસટ્ટા પ્રત્યે આ વર્ષે તમને આકર્ષણ થવાની શક્યતા છે. જોકે કંઈ કરવાની ઇચ્છા હોય તો ૨૦૨૪ પહેલાં ન જ કરવું. જો તમારો જીવનસાથી આર્થિક ઉપાર્જન કરતો હશે તો તમને આ વર્ષે સારી આવક ચાલુ રહેશે. એનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બનતી જશે.
જેમના સંતાન વિદેશમાં અભ્યાસ અર્થે ગયા છે. એવા લોકોનાં બાળકોને ત્યાં સારી જૉબ કે પ્રમોશનના પૂરેપૂરા ચાન્સ છે અને જે સંતાનો સ્થાયી થવા માગે છે તેમને ત્યાં સ્થાયી થવાની શક્યતા પૂરેપૂરી છે.
ઓવરઑલ રેટિંગ
6.8 / 10
મૂલાંક ઃ ૩
જન્મતારીખ 3/ 12/ 21/ 30
શારીરિક અને માનસિક સ્તર
વિક્રમ સવંત 2080 આ લોકો માટે આધ્યાત્મિક અનુભવોનું વર્ષ બની રહેવાનું છે. સમજદારી, પ્રામાણિકતા, સરળતા, કૅરિંગનેસ, જ્ઞાન તેમના સહજ ગુણો છે. તેમનો સ્વભાવ અને વર્ષની અસર બન્ને ભેગાં થઈને તેમની આધ્યાત્મિક યાત્રાને વધુ પુખ્ત બનાવશે, જે છેલ્લા એક વર્ષથી ચાલી જ રહી છે. આ વર્ષ તંદુરસ્તી અને આનંદ સાથે પસાર થવાનું છે. જોકે ખાવા-પીવાની બાબતમાં નિષ્કાળજી રાખવી નહીં. નહીં તો ભૂખ વધી જશે અને ઓવરઈટિંગને કારણે શરીર વધવાની પૂરેપૂરી શક્યતા છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઇન્ફેક્શનને લગતી કોઈક નાનીઅમથી તકલીફ ઊભી થઈ શકે છે. 2023 પૂરું થાય ત્યાં સુધી શરીરમાં પિત્ત અને વાયુ ન વધી જાય એનું ધ્યાન રાખવું. નહીં તો શરીરમાં ગરમી રહ્યા કરશે અને સહેજ તાવ જેવું સતત લાગ્યા કરશે. મનની વાત કરીએ તો જ્ઞાન પ્રગટવાને કારણે સહેજ આડંબર આવવાની શક્યતા છે, જેથી અહંકારને જન્મ મળશે. એટલે મનમાં વહેમને સહેજ પણ સ્થાન ન આપવું. સ્વભાવમાં ચીડિયાપણું આવેલું લાગે ત્યારે જરા મન પર કાબૂ લાવી દેજો. આ વર્ષે લોકોની વાહ-વાહથી સહેજ સાચવવું. આમ તો 3ના અંકવાળા લોકોનો સ્વભાવ શૉર્ટકટથી પૈસા કમાવાનો નથી, પરંતુ આ વર્ષે મનમાં સહેજ ઉતાવળે પૈસા કમાવાની લાલસા જાગી શકે છે. એ પ્રત્યે થોડી જાગૃતિ રાખવી. એકંદરે તન અને મનથી આ વર્ષ ખૂબ જ સારું છે. સહેજ પણ ચિંતા રાખવાની જરૂર નથી.
જ્ઞાન અને કમાણી
નોકરીની વાત કરીએ તો ત્રણનો અંક ધરાવતા પગારદારી લોકોને પ્રમોશનના યોગ નથી. જોકે નિયમિત આવક જળવાઈ રહેશે. પ્રોફેશનલ કામ કરતા લોકોએ પૈસા મેળવવા વધુ મુસાફરી કરવાના બનાવો બની શકે છે. નોકરિયાત લોકો માટે એક સારા સમાચાર એ છે કે આ વર્ષે સ્થાનફેર થવાની કોઈ શક્યતા નથી. જોકે કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર રહેવું. નહીં તો તમારી કક્ષાથી નીચી પાયરીનું કામ પણ તમને સોંપવામાં આવે એવું બની શકે. બિઝનેસ કરતા લોકોને પોતાના કર્મચારીઓ તથા કામદારો તરફથી ઠીકઠાક સપોર્ટ મળી રહેશે. જોકે મન ભરમાઈ જવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આથી બિઝનેસના નિર્ણયો લેતી વખતે પોતાના નિશ્ચિત પૅરામીટર્સને ધ્યાનમાં લઈને જ નિર્ણયો લેવા. નહીં તો કાચું કપાઈ શકે છે. તમારા પાર્ટનર સાથે સંબંધો વણસે નહીં એ માટે વિશેષ ધ્યાન આપજો. નહીં તો અહંકાર બાજી બગાડી શકે છે. નોકરિયાતોએ ઑફિસમાં ચાલતા પૉલિટિક્સથી દૂર રહેવું. તમારી મહેનત અને કુદરત પર ભરોસો રાખશો તો કોઈ વાંધો નહીં આવે. નહીં તો ષડયંત્રનો હિસ્સો ક્યારે બની જશો એનો ખ્યાલ નહીં આવે અને બદનામી થઈ શકે છે. વિદ્યાર્થીઓ આ વર્ષે સારી મહેનત કરી શકશે અને તેમની મહેનત પ્રમાણે સારાં પરિણામો પણ મળશે. જોકે લેખિત કરતાં મૌખિક પરીક્ષાઓ વખતે ખાસ કાળજી લેવી. નહીં તો દશેરાના દિવસે જ ઘોડું નહીં દોડે. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓની ઇચ્છા પૂર્ણ થશે અને ત્યાં સારું કામ પણ મળી રહેશે. વિદ્યાર્થીઓએ માર્ચ, એપ્રિલ અને મે મહિનો સાચવી લેવાનો છે. આ સમય દરમિયાન ઓવર-કાન્ફિડન્સમાં આવીને તૈયારીને બાજુમાં મૂકી દીધી તો પાસ તો થઈ જવાશે, પણ સારું સ્કોરિંગ પ્રાપ્ત થશે નહીં. ગમે એટલી સારી તૈયારી થઈ હોય, પરંતુ આ વર્ષે સહેજ પણ ઘમંડ ન કરવો. નહીં તો સારીએવી પછડાટનો સામનો કરવો પડશે.
રિલેશનશિપ અને અંગત જીવન
જીવનસાથીની લાગણીને સમજવાનો પ્રયત્ન કરજો. તમારું પ્રિયપાત્ર શું કહે છે એને સમજવાનો પ્રયત્ન કરજો. તેની વાત સાંભળ્યા પહેલાં જ તમે જે સમજી જાઓ છો એ આદત આ વખતે ટાળજો. તેની પૂરી વાત સાંભળજો અને તે શું કહે છે, શું માગે છે એ તેમને વ્યક્ત કરવા દેજો. આ વર્ષે તમને સામાજિક તથા રાજકીય લેવલે સારા સંબંધો તથા માનમરતબો મળશે. જેમનાં લગ્ન નથી થયાં એવા ત્રણના અંકવાળા જાતકોનાં લગ્ન આ વર્ષે ગોઠવાઈ જવાની પૂરી શક્યતા છે. પ્રેમીઓ વચ્ચે સારું સૌહાર્દ બની રહેશે, પરંતુ એની પૂર્વશરત એ છે કે તમે તમારો અહંકાર ત્યજો. શક્ય છે કે પ્રેમીઓ આ વખતે ગોવાને બદલે ગંગાપુર જાય. એટલે કે ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવાનું થાય તો નવાઈ નહીં. લાંબા પ્રવાસોનું આયોજન થવાની પણ શક્યતા છે. સંતાનોનાં લગ્ન આ વર્ષે શક્ય બને તો બીજી તરફ ત્રણના અંકના જાતકોની દાદા-દાદી બનવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે. મે મહિનાથી શિવ-આરાધના શરૂ કરો તો લાભદાયી નીવડશે. મિત્રો તથા જીવનસાથી સાથે ગૂંચવાડા ઊભા થતા દેખાય તો ચોક્કસ શિવજીની શરણમાં ચાલ્યા જજો. મનમાં જો ઉદાસી પ્રવેશી જાય તો કૃષ્ણભક્તિ પણ શરૂ કરી શકો. એ આનંદ આપશે. પ્રેમસંબંધમાં મે મહિના દરમિયાન ઓટ ન આવે એનું ધ્યાન રાખશો. કમસે કમ તમારો ઘમંડ સંબંધ ન બગાડે એનું ધ્યાન રાખજો. સહેજ ઝૂકી જજો. ટકી જશો.
ઇન્કમ અને સેવિંગ્સ
આવક સારીએવી થતી જ રહેશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સહેજ ખેંચ જેવું લાગશે. ઉઘરાણીના પૈસા મેળવવામાં થોડો વિલંબ થઈ શકે છે. તમારા જીવનસાથીની આવકમાં પણ થોડી વધઘટ રહી શકે છે. જોકે મોટી કોઈ ખેંચ સર્જાવાની નથી. હા, લાલચ તમને તકલીફમાં મૂકી શકે છે. મે મહિનાથી નવું મકાન કે વાહન ખરીદવા માટેનો બેસ્ટ ટાઇમ શરૂ થાય છે. શક્ય હોય તો માર્ચ મહિનામાં તમામ પ્રકારની ખરીદી ટાળજો. નહીં તો એના મેઇન્ટેનન્સમાં ખૂબબધો ખર્ચ થશે અને સમયનો વ્યય થશે એ એક વધુ નુકસાન. શૅરસટ્ટામાં ફાયદો દેખાઈ રહ્યો છે, પરંતુ તમારા જન્મના અંકોની સ્થિતિ જોવી પડે પછી જ યોગ્ય નિર્ણય લઈ શકાય. વર્ષ દરમિયાન તમારા જીવનસાથીને બે નંબરની સારી આવકની શક્યતા છે. સાઇડ ઇન્કમ માટે નવાં કામ શરૂ કરવા માગતા હો તો મહેનતના પ્રમાણમાં વળતર અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. જોકે અનુભવથી ઘણું શીખવા મળશે. ભાગીદારીમાં આ વર્ષે લાભ ઓછો દેખાય છે એટલે આ વર્ષે ભાગીદારીથી ધંધો ટાળો તો સારું. જેમનું ભણતર આ વર્ષે પૂર્ણ થઈ રહ્યું છે તેમને નોકરી મેળવવામાં વિલંબ થઈ શકે છે. એટલે શિવજીના મંદિરે આંટાફેરા વધારી દેજો. બાકી આખું વર્ષ સુંદર રીતે પસાર થવાનું છે એટલે કોઈ ચિંતા કરશો નહીં.
ઓવરઑલ રેટિંગ
8.1 / 10
મૂલાંક ઃ ૪
જન્મતારીખ 4/ 13/ 22/ 31
શારીરિક અને માનસિક સ્તર
ડિસેમ્બર મહિના સુધી કોઈ ને કોઈ તકલીફની ફરિયાદ રહ્યા કરશે. વાયુને કારણે પેટમાં દુખાવો રહ્યા કરશે. પરંતુ તમારું મનોબળ નબળું પડવાને કારણે તમારા મનમાં પેટના દુખાવાને લઈને નેગેટિવ વિચારો વધી જશે અને ડૉક્ટરો ઑપરેશન સુધીના નિર્ણય સુધી પહોંચી જશે. જોકે કોઈ ચિંતાનો વિષય નથી. ડિસેમ્બર સુધીમાં બધું નૉર્મલ થઈ જશે. તમારાં સંતાનોની તબિયત પણ સહેજ નરમગરમ રહે એવું લાગી રહ્યું છે, પરંતુ એમાં પણ ખાસ કંઈ ચિંતા જેવું નથી. મનની વાત કરીએ તો કાર્યક્ષેત્રોની જગ્યાએ રમાતા પૉલિટિક્સને કારણે મન ડિસ્ટર્બ થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને ફેબ્રુઆરી સુધી કોઈ સાહસ ન કરો એ હિતાવહ છે. વાસી ખોરાક તથા જન્ક-ફૂડ ચોક્કસ ટાળજો. નહીં તો પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને પછી તકલીફ શું છે એ સુધ્ધાં નહીં પકડાય અને એને કારણે ચિંતા વધશે.
જ્ઞાન અને કમાણી
નવું કામ શરૂ કરવા માગતા હો તો થોડો વિલંબ થશે. આમ પણ એ રુકાવટ આ વર્ષ પૂરતી સારી છે. નવી શરૂઆત હજી એકાદ વર્ષ પછી કરવામાં આવશે તો વધુ ફાયદાકારક નીવડી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી જલદી મળવાની નથી. આથી જે નોકરી પહેલાં મળે એને કામચલાઉ સમજીને સ્વીકારી લેજો. ઍટ ધી ઍન્ડ ઑફ ધ સ્ટોરી તમને તમારો નિર્ણય સાચો લાગશે. આ વર્ષે નોકરિયાત લોકોને સ્થાનફેર થવાની કોઈ શક્યતા નથી. પરદેશ જવા માગતા હશો તો આ વર્ષે શક્યતા સારી છે. વિદ્યાર્થીઓએ યોગ્ય મહેનત કરી તો બેધ્યાન થઈ જવાની પૂરી શક્યતા છે અને એને કારણે પસ્તાવાનો વારો આવશે. આ વર્ષે ભણવામાં મહેનત કર્યા વિના આરો નથી. આઇએમપી મળી જશે અને બધું પાર પડી જશે એવી આશા જો રાખી તો આ વખતે એવું થશે નહીં અને જેના પર સૌથી વધુ વિશ્વાસ રાખ્યો હતો તે મિત્ર જ ગુમ થઈ જશે. એટલે સમય રહેતાં મહેનત કરી લેજો. બિઝનેસ કરતા લોકોને આ વર્ષે મહેનતનું ફળ મળતું દેખાશે. નવો ધંધો શરૂ કરવો હોય તો થોડો વધુ અનુભવ કે માહિતી મેળવી લેવી હિતાવહ રહેશે. પ્રોફેશનલ્સને નિયમિત કામ મળી રહેશે, પરંતુ કામ સ્વીકારવાની બાબતમાં તમે સમય પર નિર્ણય નહીં કરો તો કામ હાથમાંથી ચાલ્યું જશે. નોકરિયાત લોકો માટે પ્રમોશનની આશા અનિશ્ચિત છે. થઈ પણ શકે અને અચાનક રોકાઈ પણ શકે કે વાત વિલંબમાં પડી શકે છે. વિદ્યાર્થીઓ ઓવર-કૉન્ફિડન્સમાં રહ્યા તો ચોક્કસ નિષ્ફળ જશે. એટલે જાતનો ટેસ્ટ લઈને પોતાની તૈયારીને અવારનવાર તપાસતા રહેવું હિતાવહ છે.
રિલેશનશિપ અને અંગત જીવન
સંબંધો ટકાવી રાખવા માટે આ વર્ષે તમારા માટે એક સુવર્ણ ચાવી. ગુસ્સા પર કાબૂ રાખવો. જો તમે ગુસ્સા પર કાબૂ રાખી શક્યા તો સહેજ ઊંચનીચમાં મામલો આટોપાઈ જશે. એટલે ગુસ્સા પર કાબૂ રાખજો. તમારા જીવનસાથીનું વર્તન તમને વિચિત્ર લાગે તો સમજાવટથી કામ લેશો એવી સલાહ છે. એની ઊંડી છાપ તમારા પ્રેમીપાત્ર પર પડશે. જીવનસાથી સાથે મનાવવાનું અને રિસાવાનું આ વર્ષે ચાલ્યા કરશે જેની એક આગવી જ મઝા હશે. પત્ની સાથે પ્રવાસે જાઓ ત્યારે સામાન અને પૈસાનું ખાસ ધ્યાન તમારે જ રાખવાનું છે. નહીં તો ચોરાઈ કે ભુલાઈ જવાની પૂરી શક્યતા છે. દૂર રહેતાં સંતાનો આ વર્ષે વાર-તહેવારે તમારી સાથે સમય વિતાવશે. મિત્રવર્તુળમાં આ વર્ષે અચાનક ફેરફાર જોવા મળી શકે છે. નવા મિત્રોનું લિસ્ટ વધી શકે છે. પ્રેમી યુગલો વચ્ચે પ્રેમ વધશે. તમારું પાત્ર વધુ રોમૅન્ટિક મહેસૂસ થશે. પ્રેમની ગહેરાઈ વધતી લાગશે અને આત્મીયતા એની ચરમસીમાએ હશે. જીવનભર સાથ ન છોડવાના સોગંદ આ વર્ષે લેવાશે. લગ્ન ઇચ્છુક યુગલોનાં લગ્ન આ વર્ષે ગોઠવાશે તથા સંતાનપ્રાપ્તિમાં પણ આગળ વધવામાં વાંધો આવશે નહીં. પ્રેમી સાથે ધાર્મિક સ્થળે જવાનું બની શકે છે.
ઇન્કમ અને સેવિંગ્સ
સમજી-વિચારીને રોકાણ કરશો તો ફાયદામાં રહેશો. બને તો લૉટરીમાં નાણાં ન બગાડો એ હિતાવહ છે. તમારી સૂઝબૂઝથી કરેલું રોકાણ તમને આગામી સમયમાં ચોક્કસ સારું પરિણામ આપતું દેખાય છે. ઉતાવળ તથા આંધળા વિશ્વાસથી કરેલાં તમામ રોકાણો આ વર્ષે ફસાવાની શક્યતા છે. એટલે મિત્ર હોય તો પણ જરા સૂઝબૂઝથી આગળ વધજો. અચાનક ફાયદો થવાની પણ એટલી જ શક્યતા છે. જોકે એ ફાયદાને એન્કૅશ કરી લેવો અને એને યોગ્ય સ્થાને શિફ્ટ કરી લેવો. જેમ કે શૅરબજારમાં ફાયદો થાય તો એને ફિક્સ્ડ ડિપોઝિટ કે સારા શૅરમાં ઇન્વેસ્ટ કરી દેવો. જો એનો શૅરસટ્ટો કરવા ગયા તો નફો ધાવાઈ શકે છે. કમાયેલા પૈસામાંથી નવું સાહસ તો આ વર્ષે ટાળજો જ. બાકી તમારી ગણતરી કદાચ ખોટી પણ પડી શકે છે. ધંધામાં કોઈ નવી મશીનરી લેતા હો તો ઑગસ્ટ પહેલાં નિર્ણય કરી લેવો યોગ્ય છે. મિત્રોને આ વર્ષે ઉછીના પૈસા આપવાનું ટાળવું સલાહભર્યું છે. એટલે આટલા વર્ષ પૂરતી તમારી મિત્રને મદદ કરવાની ભાવનાને નિયંત્રણમાં રાખશો તો ખુશ રહી શકશો.
ઓવરઑલ રેટિંગ
7.6 / 10
મૂલાંક ઃ ૫
જન્મતારીખ 5/ 14/ 23
શારીરિક અને માનસિક સ્તર
સામાન્ય રીતે હસમુખા, મળતાવડા, બુદ્ધિશાળી, એકની એક ઘરેડના વિરોધી હોવું આ અંકનો સ્વભાવ છે. હરવું-ફરવું તથા નવા-નવા અનુભવો કર્યા કરવા તેમને ખૂબ ગમે છે. એકદમ રાજકુમાર જેવી પર્સનાલિટી અને ઇચ્છાઓ ધરાવનાર અંક પાંચના જાતકો માટે આ વર્ષ મહેનત કરાવી જનાર છે. મનની વાત કરીએ તો આ વર્ષે કોઈ પણ કારણ ન હોવા છતાં મનમાં એક અજંપો રહ્યા કરશે. જે મિથ્યા છે એનો શરૂઆતથી જ સ્વીકાર કરી લેજો. નહીં તો મન વિચલિત રહ્યા કરશે. તમને અચાનક જ પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે, જેને તમે મસમોટું સ્વરૂપ આપી દો એવું બને. એટલે એનાથી બચજો. નહીં તો ડૉક્ટર પણ કન્ફ્યુઝ થશે અને નાની-મોટી શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત લાગવા લાગશે. જો મનની મક્કમતા રાખશો તો હકીકતમાં કંઈ થવાનું નથી. એટલે મનના અજંપાને શાંત કરવાનો પ્રયત્ન કરજો. માથાના ભાગમાં ઈજા ન થાય એ માટે આંધળૂકિયાં ટાળજો. વર્ષ દરમિયાન તમે બિલકુલ સ્વસ્થ જ રહેવાના છો, પરંતુ બહારનું કંઈક ખાઈ લેવાને કારણે પેટમાં દુખાવો શરૂ થશે અને પછી તમે એને મોટું સ્વરૂપ આપી બેસશો. એનાથી આખું વિષચક્ર ઊભું થશે. એટલે મન મક્કમ રાખજો. બધું નૉર્મલ થઈ જશે. આ વર્ષે તમારી મોજશોખની આદત પર સહેજ બ્રેક મારવાનું અંકો કહી રહ્યા છે અથવા એમ કહેવું યોગ્ય રહેશે કે અંકો એના પર બ્રેક લગાવશે.
જ્ઞાન અને કમાણી
નોકરિયાત લોકોને પ્રમોશનના ચાન્સ આ વર્ષે ઓછા છે. જો તમે નવી નોકરી શોધવા માગતા હો તો આ વર્ષે જ્યાં છો ત્યાં જ બરોબર છો એમ માની લેજો. જો તમે અભ્યાસ પૂર્ણ કર્યો છે તો જે પહેલી નોકરી સામે આવે એને સ્વીકારી લેજો, કારણ કે સારી નોકરીની શોધ એક નોકરી મળ્યા પછી પણ કરી શકાય છે. નોકરીની શોધમાં સમય બરબાદ થવાની પૂરી શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવવા મહેનત વધારવી પડશે. નહીં તો તમારું મિથ્યાભિમાન તમને નુકસાન પહોંચાડી શકે છે. જે લોકો વિદેશ જવા માગે છે તેમને વિદેશ જવું સહેજ અઘરું થવાનું અંકો બતાવી રહ્યા છે. તેમને કદાચ એકાદ વર્ષ રાહ જોવી પડે. એટલે ખોટી ઉતાવળ કરશો નહીં, કારણ કે એમ કરવામાં નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. સારા સ્થાને ઍડ્મિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓએ પોતાની બધી તાકાત મે મહિના સુધીમાં લગાવી દેવી. એ પછી ભણવાનું અઘરું થતું લાગશે. પ્રોફેશનલ લોકો માટે આ વર્ષ મધ્યમ પ્રકારનું છે. મહેનત કરતા રહેશો તો તમારા કૉન્ટૅક્ટ તમને કામ અપાવી જશે. આર્થિક ખેંચ થાય એવા કોઈ પ્રસંગ નથી, પરંતુ પ્રયત્નો વધારવા પડશે. બિઝનેસ કરવા માગતા લોકો માટે આ વર્ષે નવી શરૂઆત થોડી અઘરી લાગી રહી છેે. જે લોકો પોતાનો નવો ધંધો શરૂ કરવા માગે છે તેમણે ખાસ આ વર્ષે પહેલાં થોડો અનુભવ લઈને પછી શરૂઆત કરવી સલાહભર્યું છે. નોકરિયાત વર્ગને બદલી કે બઢતીના ખાસ કોઈ સંજોગો દેખાતા નથી. ઑફિસના પૉલિટિક્સમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નહીં તો માલિક કે બૉસનો ઠપકો સાંભળવો પડશે એ નક્કી છે. એટલે ધીરજ રાખીને મહેનત ચાલુ રાખવી, જેનું આવનારા સમયમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે.
રિલેશનશિપ અને અંગત જીવન
તમારો રોમૅન્ટિક સ્વભાવ તમને આ વર્ષે સંબંધોને ઉષ્માભર્યા બનાવી રાખવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથીને કારણે તમારે થોડી દોડાદોડ રહે એવું બને. જો તમારા જ અંક ધરાવતો પ્રેમી કે પ્રેમિકા હશે તો કોઈ વાંધો આવશે નહીં. બાકીના કિસ્સામાં મૂડસ્વિંગના મુદ્દાનો સામનો કરવો પડી શકે. તમારા ચાહકો આ વર્ષે તમારો કસ કાઢવાના છે. નવા પ્રેમસંબંધ થવાની શકયતા નહીંવત્ છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં લગ્નજીવનમાં અજંપો રહે અને એને કારણે તનાવભરેલી સ્થિતિ બન્ને વચ્ચે રહે. ભાગીદારો સાથેના સંબંધમાં તનાવ જેવી સ્થિતિ સર્જાઈ શકે. ભાગીદારી કે તમારો પાર્ટનર કે પછી કુટુંબ ક્યાંય પણ સંબંધોમાં તમારી જીભ કડવી ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. આ વર્ષે તમારી જીભ કોઈને પણ ઊંડા ઘા આપી જશે. તમારા પ્રેમીપાત્ર કે જીવનસાથીની વર્તણૂક વિચિત્ર લાગી શકે છે. જોકે તમારો સંયમ સંબંધોને ડિસ્ટર્બ થતા અટકાવશે. સંતાનો સાથેના સંબંધોમાં અલર્ટનેસ જરૂરી છે. કુટુંબ સાથે ધાર્મિક સ્થળોએ જવાનું થાય એવું બને. ખાસ કરીને મે મહિનાથી એવા પ્રસંગો વધુ બનતા દેખાય.
ઇન્કમ અને સેવિંગ્સ
તમારા જીવનસાથીને સારી આવક વર્ષભર રહેશે, પરંતુ હરવા-ફરવામાં આ પૈસાનો વ્યય વધી જશે. પૈસાનો પ્રવાહ ચાલુ હોવા છતાં તનાવની સ્થિતિ હશે, જેની પાછળનું કારણ તમારા મનનો અજંપો હશે. કોઈ કારણ વિના મન થોડું કરકસરિયા સ્વભાવનું બનતું જશે. એનાથી ખેંચ અનુભવાશે જે વાસ્તવમાં હશે નહીં. છતે પૈસે ધંધામાં અછત જેવો તનાવ ઊભો થતો દેખાય, જેને કારણે નવા નિર્ણયો લેવાના મુદ્દે ભાગીદાર સાથે ઊંચનીચ થઈ શકે. એમાં સંયમ રાખીને સમય પસાર કરવાની સલાહ છે. સટ્ટાકીય બાબતોમાં સમજી-વિચારીને કરેલું રોકાણ ફાયદાકારણ નીવડશે. યોગ્ય સમય અને પ્લાનિંગ સાથેનું રોકાણ ચોક્કસ સારું વળતર આપી જશે. મે મહિનાથી આર્થિક બાબતોમાં સારું માર્ગદર્શન આપનાર લોકોનો જીવનમાં પ્રવેશ થશે. ફેબ્રુઆરીના મધ્યથી મે મહિનાના અંત સુધી ઑફિસમાં ખાસ સાચવવું. કોઈનો હાથો ન બની જવાય એનું ધ્યાન રાખવું. નહીં તો આર્થિક બાબતો પર એની લાંબા ગાળે અસરો પડી શકે છે. કામ કરો અને ગંદા લોકોથી દૂર રહો. બસ, આ નિયમ આ ત્રણ મહિના ચોક્કસ પાળજો. સંતાનોની તબિયતના મુદ્દે ખર્ચો વધી શકે છે. જોકે ચિંતા જેવું કંઈ નથી. તમારા જીવનસાથીએ આર્થિક ઉપાર્જન માટે આ વર્ષ દરમિયાન ઘરથી દૂર આવવા-જવાનું થાય એવું પણ બને. સંતાનનું અચાનક વિદેશ જવાનું મુલતવી રહી શકે. એને લીધે આર્થિક ગોઠવણમાં ઉતાર-ચડાવ તમારે જોવો પડી શકે.
ઓવરઑલ રેટિંગ
7.4 / 10
મૂલાંક ઃ ૬
જન્મતારીખ 6/15/24
શારીરિક અને માનસિક સ્તર
તંદુરસ્તીની બાબતમાં આ વર્ષે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડિસેમ્બર મહિના દરમિયાન શરીરમાં સહેજ તાવ જેવું લાગે. કુટુંબ અને મિત્રો સાથે વર્ષ આખું મોજમસ્તી ચાલ્યા કરવાની છે. જોકે ડાયાબિટીઝના દરદીઓએ શુગરના લેવલ વિશે કૉન્શ્યસ રહેવું. જૂન મહિનાની આસપાસ શુગર ચેક કરાવતા રહેવું અને જરૂરી દવા લેવામાં નિષ્કાળજી જરા પણ ન રાખવી. મનની વાત કરીએ તો આખું વર્ષ આનંદ સાથે પસાર થવાનું છે. પોતાની ઇચ્છા અનુસાર વસ્તુઓ થયા કરશે. ઇચ્છા અનુસારનાં આયોજનો પાર પડતાં રહેશે. લક્ષ્યો સધાતાં જશે એટલે મન આનંદમાં રહેશે. વર્ષ આખું આવક સારી રહેવાની, જેથી પણ મન પ્રફુલ્લિત રહેશે અને પાર્ટીઓ વધી જશે. શરીરમાં કૉલેસ્ટરોલ વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો આ વર્ષે ઉતરાણ પર લોકો તમને કહેશે કે તમારું વજન વધી ગયું લાગે છે. ઉતરાણ પછી મિત્રોની અવરજવર ઘરે વધવાની છે એટલે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખજો. નહીં તો તબિયત બગાડી બેસશો. એકંદરે તન અને મન માટે વર્ષ આનંદથી ભરપૂર છે. અતિશયોક્તિ કોઈ પણ વસ્તુમાં સારી નથી. એટલે હરવા-ફરવામાં શરીર બગાડી ન બેસો એનું ધ્યાન રાખજો.
જ્ઞાન અને કમાણી
નોકરી, વ્યવસાય કે બિઝનેસ કરતા તમામ છના અંકવાળાઓ માટે આ વર્ષ ફળદાયી છે. સફળતાનાં નવાં સોપાન આપ પ્રાપ્ત કરી શકશો, પરંતુ એ માટે યોગ્ય આયોજન અને મહેનતની જરૂર રહેશે. અન્ય તમામ અંકો કરતાં આ વર્ષે તમને લક્ષ્યાંકોની પ્રાપ્તિ કરવામાં ઘણી સરળતા રહેવાની છે એટલે સહેજ ફોકસ રહીને કામ કરશો તો સમયનો વ્યય બચાવી શકશો અને વધુ અચીવમેન્ટ મેળવી શકશો. જે લોકોનો આ વર્ષે અભ્યાસ પૂરો થઈ રહ્યો છે અને નોકરી કે કામની શરૂઆત કરવા માગે છે તેમને તરત જ નોકરી મળી જશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે તેમણે મે મહિના પહેલાં વિઝા માટેની પ્રક્રિયા પતાવી દેવી, જેથી તેમનું વિદેશ જવાનું નિશ્ચિત થઈ જશે. વિદ્યાર્થીઓએ આ વર્ષે મહેનત કરવા પર ધ્યાન આપવાનું છે. તેમનાં પરિણામો સારાં જ આવશે. નવા ધંધાની શરૂઆત કરવા ઇચ્છતા લોકોને પણ આ વર્ષ ખૂબ ફળશે. તેમના બોલવાના પ્રભાવની ખરી અસર આ વર્ષે દેખાવાની છે અને લોન આપનાર અધિકારીથી લઈને સમાજ આખો તમારાથી પ્રભાવિત થવાનો છે. ખાસ કરીને ફિલ્મો, નાટકો, ટીવીના પડદા પર કામ કરનારા લોકોને તેમની મહેનતનું ફળ આ વર્ષે ચોક્કસ મળશે. નવાં કામોની શરૂઆત થશે. સાથે તેમને અનેક ઘણી ખ્યાતિ પણ મળતી દેખાશે. માની લો કે જાન્યુઆરીથી તમારી જીભે સરસ્વતી વસશે. તમે ધારશો એ કામ તમારી વાણીથી કરાવી શકશો. તમારી શક્તિને યોગ્ય દિશા-દૃષ્ટિ આપજો અને લક્ષ્યોને પામી જજો. વિશ્વાસ સાથે આગળ વધજો.
રિલેશનશિપ અને અંગત જીવન
પતિ-પત્ની વચ્ચેના સંબંધો આ વર્ષે મીઠા-મધુરા બની રહેશે. હરવા-ફરવા સાથે હોટેલોમાં જમવાનું વર્ષભર ચાલ્યા કરવાનું છે. આથી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક પિકનિક માણવાના છો. તો છેક એપ્રિલ મહિના સુધી તમારા જીવનસાથી સાથે તમે ઓતપ્રોત થઈ જવાના છો. ઉત્તરાયણથી શરૂ કરીને મે મહિના સુધી તમામ રિલેશનશિપમાં સૌહાર્દ અને મધુરતા છવાયેલી રહેવાની છે. ત્યાર બાદ પણ વર્ષ સારું જ પસાર થશે, પણ આ ગાળા દરમિયાન વિશેષ આનંદ આવવાનો છે. જોકે પ્રેમી યુગલોએ એક સાવધાની રાખવાની છે. જીદ તમારા સંબંધને ડિસ્ટર્બ કરી શકે છે. આથી પોતાના પર સહેજ વૉચ રાખજો કે તમે ખોટી જીદ તો નથી કરી રહ્યાને. નહીં તો તમારા પ્રેમસંબંધમાં કડવાશ પણ આવી શકે છે. જીદ અને અહંકારને આમેય પ્રેમની દુનિયામાં નો એન્ટ્રી હોવી જોઈએ. માર્ચ-એપ્રિલમાં મિત્રો જ જાણે દુશ્મનો બની જતા દેખાશે અને તેમની સાથે મનદુખના પ્રસંગો બનશે. મિત્રો તમારી સાથે ગદ્દારી કરી હોય એવું તમારા ધ્યાનમાં આવશે અને એનાથી મન ડિસ્ટર્બ બનશે.
ઇન્કમ અને સેવિંગ્સ
નાણાકીય બાબતોમાં આ વર્ષ સફળતા અપાવી જશે. ધારેલી સફળતા મળશે. અરે, ત્યાં સુધી કે ઘણા સમયથી અટકેલા પૈસા પણ મળવાની પૂરેપૂરી શક્યતા છે. ઉછીના આપેલા પૈસાની માગણી શરૂ કરી દેજો. ધાલખાધમાં નાખેલા પૈસા પણ પાછા આવી જવાનું અંકો જણાવી રહ્યા છે. સહેજ કુનેહથી કામ લેજો. શૅરસટ્ટામાં પણ ફાયદો થઈ શકે છે. તમારી સૂઝ અનુસાર વ્યવહાર કરશો તો કમાઈ શકશો એમ અંકોનું ગણિત કહે છે. જોકે કમાયેલા પૈસા વપરાઈ ન જાય એ માટે યોગ્ય આયોજન કરજો. નહીં તો વર્ષના અંતે તમને ખ્યાલ આવશે કે પૈસા તો ખૂબ કમાયા, પણ ક્યાં વપરાઈ ગયા એ ખ્યાલ જ ન રહ્યો. એના માટે તમારે તમારા પૈસાનું ફૉર્મ બદલી દેવું જોઈએ. જેમ કે પૈસા કમાઈને ફિક્સ કરી દીધા કે ક્યાંક ઇન્વેસ્ટ કરી દીધા. ગોળ જોઈને માખી જેમ ઘૂમરાય એમ કેટલાક લોકો તમારી આજુબાજુ આ વર્ષે હશે. તેમને તમારે ઓળખી કાઢવા પડશે. નહીં તો મીઠું-મીઠું બોલીને તમારી મહેનત અને બુદ્ધિથી કમાયેલા પૈસા લઈ જતાં વાર નહીં લાગે. નવી પ્રૉપર્ટી કે નવી કાર લેવા માગતા હશો તો આ વર્ષે શક્ય બની શકે છે. જૂની કાર કે મકાન વેચવાનો પ્રયત્ન આ વર્ષે સફળ થશે. આ વર્ષે બે નંબરની આવક પણ સારી રહેવાની છે. એટલે આયોજનની ચોક્કસ જરૂર પડશે. આવી ફેવરેબલ સ્થિતિ વારે-વારે નથી સર્જાતી એ ખાસ યાદ રાખજો.
ઓવરઑલ રેટિંગ
8.8 / 10
મૂલાંક ઃ ૭
જન્મતારીખ 7/ 16/ 25
શારીરિક અને માનસિક સ્તર
સાતના અંકવાળા માટે આ વર્ષ માનસિક ચિંતનનું બની રહેશે. જો ખાવા-પીવાની બાબતોનું ધ્યાન રાખ્યું તો કોઈ મોટો હેલ્થ-ઇશ્યુ થવાની કોઈ શક્યતા નથી. હા, મનના લેવલે એક ઉદાસીનતા જોવા મળશે જે તમને થોડા વધુ મૂડી સાબિત કરશે. તીખું અને તળેલું ખાવાનું આ વર્ષે વધારે પસંદ આવી શકે છે, જેને લીધે તમારું વજન વધી જાય એમ પણ બને. એપ્રિલ મહિના દરમિયાન આપ ઘણા કાર્યરત રહેવાના છો. આ વખતે તમારી નિર્ણયશક્તિ થોડી મંદ પડી હોય એવું તમને લાગશે, જેથી મનની નબળાઈ તમને મહેસૂસ થશે. જોકે તમે યોગ્ય રીતે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તમારા વિચારોમાં એક અલગ પ્રકારની ગહેરાઈ આવી છે. જોકે આ વર્ષ દરમિયાન તમારે નેગેટિવ વિચારોને સંપૂર્ણપણે ત્યજી દેવાના છે અને પૉઝિટિવ માઇન્ડસેટ સાથે પ્રયત્નો ચાલુ રાખવાના છે.
જ્ઞાન અને કમાણી
ચિંતનાત્મક સ્વભાવ ભલે તમને નિર્ણયોમાં થોડા ધીમા પાડે, પરંતુ આ વર્ષે તમારા નિર્ણયો ખૂબ જ ગહેરાઈવાળા હશે જેનાં પરિણામો દૂરગામી રહેશે. નોકરિયાત લોકોને આ વર્ષે મહેનતનું ફળ મળશે. તેમના કામની પ્રશંસા થશે તથા અચાનક જ સારા પગારવધારાની ઑફર મળે એવું શક્ય છે. પરદેશ જવા ઇચ્છતા અંક 7ના લોકોની ઇચ્છા પૂરી થવાની પૂરી શક્યતા છે. તમારા પ્રયત્નો વર્ષ દરમિયાન ચાલુ જ રાખજો. તમે એક દેશ વિચાર્યો હશે તો બે દેશમાં જઈ આવો એવું બને. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેમની દૂરંદેશી આ વર્ષે તેમને ખૂબ મદદરૂપ થશે. તેમના ઇન્ટ્યુશનથી લેવાયેલો દરેક નિર્ણય આ વર્ષે શુભ ફળદાયી સાબિત થવાનો છે. નવાં કામો મળશે. નવાં-નવાં સાહસો કરવાનો મોકો મળશે. જોકે આંધળૂકિયાં કરવાનાં નથી એ ખાસ યાદ રાખજો. પ્રોફેશનલ લોકોને પોતાના કાર્યસ્થળથી દૂર જઈને પૈસા કમાવાનો મોકો વધશે. વિદ્યાર્થીઓએ ઉદાસ થયા વિના પોતાની મહેનત ચાલુ રાખવી. ચોક્કસ સારાં પરિણામો મળશે. તમારું મન તમને નબળું પાડવાના પ્રયત્નો કરે તો સેલ્ફ-મોટિવેટ થતા રહેશો તો વર્ષના અંતે સફળતા તમારી સાથે હશે. ઑફિસમાં ચાલતી ગપસપ આ વર્ષે વધારે જ જોવા મળશે, પરંતુ એનાથી તમારી માનસિક શાંતિનો ભંગ ન થવા દેતા.
રિલેશનશિપ અને અંગત જીવન
જીવનસાથી સાથે વર્ષ પર્યંત લાગણીસભર વાતાવરણ બની રહેશે. ફૅમિલીના સપોર્ટથી તમારી પૈસા કમાવાની ઇચ્છા વધુ પ્રબળ બનતી રહેશે. જો તમે તમારા જીવનસાથીની મદદ માગશો તો તમારે ઉદાસ થવાનો વારો નહીં આવે, પરંતુ જો તમે ગુસ્સામાં નિર્ણયો થોપવાના પ્રયત્નો કર્યા તો વિખવાદ વધશે અને પ્રેમમાં ઓટ આવી શકે છે. એને કારણે ઘરમાં નાનું-મોટું ઘર્ષણ ચાલ્યા જ કરશે, જેને કારણે તમને ઘરમાં રોકાવું ઓછું ગમશે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં ગહેરાઈ સાથેના પ્રેમસંબંધોનું આ વર્ષ છે. જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે એમાં સહેજ વિલંબ થશે. જોકે અનિશ્ચિતતા પણ એટલી જ છે. અચાનક લગ્ન ગોઠવાઈ પણ શકે છે. તમારે બન્ને પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. પ્રેમી યુગલો વચ્ચે હરવા-ફરવાનું વધશે. પ્રેમી યુગલો વચ્ચે મોડી રાત સુધી રોમૅન્ટિક વાતો ચાલ્યા કરે અને એમાં ઊંઘ ઊડી જાય એવું પણ બને.
ઇન્કમ અને સેવિંગ્સ
લાંબા સમયથી બાકી રહેલી ઉઘરાણી આ વર્ષે પાછી મેળવવાના પ્રયત્નો કરજો. ચોક્કસ સફળતા મળશે. જોકે આખી પ્રક્રિયા કુનેહથી પાર પાડજો. ગુસ્સામાં કામ હાથમાં લીધું તો વાત બગડી પણ શકે છે. શરૂઆતના સમયમાં થોડી આર્થિક સ્થિતિ તંગ દેખાશે, પરંતુ સમય જતાં બધું વ્યવસ્થિત ગોઠવાઈ જશે એટલે ખાસ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જોકે મનમાં આર્થિક બાબતોને લઈને ચિંતા રહ્યા કરશે. માત્ર સાતના અંકવાળાને જ નહીં, પરંતુ તમામ અંકવાળાઓએ આ વર્ષે પોતાના મન સાથે ખરી ટક્કર આપવાની છે. નાણાકીય બાબતોને લઈને મનમાં ઊઠતી ચિંતાઓ વર્ષભર ચાલ્યા કરશે, પરંતુ પૈસાની વ્યવસ્થા ગોઠવાયા કરશે. ફાયદો થતો દેખાય છતાં સટ્ટાકીય કાર્યને મહત્ત્વનું બનાવશો નહીં. વળી એમાંથી કમાયેલા પૈસા યોગ્ય સ્થાને શિફ્ટ કરી દો, નહીં તો એ પૈસા એકસાથે ચાલ્યા જવાની શક્યતા છે. પક્ષીઓને દાણા નાખવાથી આ પૈસાનો બચાવ થઈ શકે છે. તો તમે વર્ષભર પક્ષીઓને ચણ નાખો જેથી તમને તન, મન અને ધન તમામ ક્ષેત્રે સરળતા રહે.
ઓવરઑલ રેટિંગ
6.9 / 10
મૂલાંક ઃ ૮
જન્મતારીખ 8/ 17/ 26
શારીરિક અને માનસિક સ્તર
જેમનો જન્મ 8, 17 કે 26 તારીખે થયો છે તેમના માટે આ વર્ષ ખૂબ જ યાદગાર બની રહેવાનું છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં તેમને પ્રગતિ અને ચડાવ જોવા મળશે. આ વર્ષના અંકો સફળતા મળવાના તમામ માર્ગ દર્શાવી રહ્યા છે. આ વર્ષે તમારી તંદુરસ્તી ખૂબ જ સારી રહેવાની છે. . મન થોડું બેચેન રહી શકે છે. નિર્ણયોમાં થોડી શિથિલતા આવી શકે છે જેથી મનમાં ઉદ્વેગ થાય. મે મહિના દરમિયાન પગનાં તળિયાંમાં બળતરાની ફરિયાદ કદાચ થાય અથવા ગળામાં ઇન્ફેક્શન થઈ શકે. એટલે આ સમય દરમિયાન ઠંડાં પીણાં આરોગતાં સાચવજો. બીપી અને હૃદયરોગના દરદીઓએ દવા લેવામાં નિયમિતતા રાખવી. ડિસેમ્બર મહિના સુધી તમારા સ્વભાવમાં ગુસ્સો વધુ દેખાશે. તમને તીખું અને તળેલું ખાવાનું મન વધુ રહેશે. નેગેટિવ વિચારો કરીને તમે બધું ડિસ્ટર્બ કરો એ તમારી ચૉઇસ છે. બાકી આ વર્ષ તમારા માટે શુભત્વ લાવનાર છે.
જ્ઞાન અને કમાણી
કરીઅર-વાઇઝ વિચારીએ તો આ વર્ષ સફળતાનાં નવાં સીમાંકનો સ્થાપિત કરશે. તમને સારી પોસ્ટ પર પ્રમોશન મળવાની પૂરી શક્યતા રહેલી છે એટલે બદલી પણ થઈ શકે છે. તમારા કામનું સ્થાન-પરિવર્તન તમારી સત્તામાં વધારો કરનારું સાબિત થશે. તમે કોઈક નવીન કામકાજની શરૂઆત કરશો એવું અંકો દર્શાવી રહ્યા છે. શક્ય છે કે બિઝનેસમૅન ડાઇવર્સિફિકેશન કરે અને નવી પ્રોડક્ટલાઇનમાં એન્ટર થાય. પ્રોફેશનલ્સ પોતાના રૂટીન કામ સિવાય સાઇડ ઇન્કમ અર્થે કોઈક નવીન કામની શરૂઆત કરી શકે છે, જે આગળ જતાં ફળદાયી નીવડી શકે. વિદ્યાર્થીઓએ આ વર્ષ સારી સફળતા મેળવવા બે કામ કરવાનાં છે. રમતિયાળપણું છોડવું તથા મનમાંથી ડર કાઢી નાખવો અને હકારાત્મક વલણ રાખીને મહેનત કરવી. મોબાઇલના ડિસ્ટ્રેક્શનથી પણ બચવું જરૂરી છે. ઠીકઠાક પગારવધારો મળી રહેશે. એનાથી સંતોષ માનો. આવતું વર્ષ તમારું જ છે.
રિલેશનશિપ અને અંગત જીવન
ઘરમાં ફેબ્રુઆરી તથા માર્ચ દરમિયાન સામાન્ય ચકમક જેવું લાગશે, જે માર્ચ પછી સાવ શાંત પડી જશે અને તમામ ક્ષેત્રે સમાધાન થઈ ગયેલું જોવા મળશે. જો તમે અપરિણીત હો તો મે મહિનાથી તમારાં લગ્નનાં માગાં વધી જશે અને તમે યોગ્ય નિર્ણય લેશો તો લગ્ન પણ ગોઠવાઈ જશે. બેબી પ્લાન કરતા હશો તો તમારી ઇચ્છા પૂરી થવાની પૂરી શક્યતા છે. એ દિશામાં આ વર્ષે તમારા અંકો ફેવરેબલ છે. તમારા જીવનસાથી સાથે તમે કોઈક ધાર્મિક કાર્ય ચોક્કસ પાર પાડી શકશો. પ્રેમી યુગલોનો તેમના પાત્ર પરનો ભરોસો આ વખતે વધુ મજબૂત થવાનો છે અને તેમની મિત્રતા વધુ ગાઢ બનશે. તમે પણ તેમની કંઈક વધારે જ કૅર લેતા થશો. પત્ની સાથે યાત્રાપ્રવાસની ફ્રીક્વન્સી વધવાની છે. જોકે તમારે પૈસા બચાવવાના તમારા સ્વભાવ પર સહેજ કાબૂ લાવવો પડશે અને જીવનસાથીને પૈસા વાપરવામાં થોડી મોકળાશ કરી આપશો તો જીવન અને જીવનયાત્રા વધુ આનંદમય બની રહેશે. લાંબા સમયથી મિત્ર રહેલા કોઈ સંબંધ આ વર્ષ પ્રેમમાં પરિણમે તો નવાઈ નહીં. ભાઈબહેન સાથેના સંબંધમાં ધીરજ રાખવી જરૂરી છે.
ઇન્કમ અને સેવિંગ્સ
વર્ષ દરમિયાન સારીએવી આવક ચાલુ રહેશે અને તમારા સ્વભાવ અનુસાર તમે સારી બચત પણ કરી શકશો. જોકે વધુ પૈસા કમાવાનો લોભ આ વર્ષે કંઈક વધારે જ રહેવાનો છે. વધુ પૈસા કમાવા માટે તમે કોઈ નવા ક્ષેત્રમાં પ્રવેશ કરો એવી શક્યતા પણ દેખાઈ રહી છે. નાણાકીય બાબતમાં તમને થોડી ચિંતા રહ્યા કરશે, પરંતુ તમે એને સારી રીતે હૅન્ડલ કરી લેશો. તમારી આવકમાં ઉત્તરોત્તર વધારો થવાનો છે તથા તમને પૈસાની સાથે સારી નામના પણ નફામાં મળવાની છે. આર્થિક ચિંતા થવા છતાં તમારા દેવાંમાં કોઈ જાતનો વધારો થવાનો નથી, જે સારી વાત કહી શકાય. માલમકાનને લગતા પ્રશ્નો જો તમે ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યા છો તો આ વર્ષે એમાં સફળતા મળી જશે. એટલે જો એમાં કોઈ સારા સમયની રાહ જોતા હો તો એ આવી ગયો છે. વર્ષની શરૂઆતમાં જ એના પર ફોકસ કરજો. જાન્યુઆરી માસ દરમિયાન તમારે થોડું સાચવવું. આ સમય દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જવાની શક્યતા છે. આર્થિક બાબતે તમને ચિંતા રહે. પરંતુ મે મહિના પછી તમને ખ્યાલ આવશે કે એ ચિંતા કરવા જેવી નહોતી. શૅરબજારમાં કરેલાં જૂનાં રોકાણોમાં થોડી મુક્તિ મળતી દેખાશે. જોકે સટ્ટાકીય કાર્યોને મેઇન રોલ આપશો નહીં. મહેનત ચાલુ રાખો. ભાગીદારો આ વર્ષે ખૂબ વાતોનાં વડાં કર્યાં કરશે. એમાં ખાસ ભરમાઈ ન જવાય એનું ધ્યાન રાખજો.
ઓવરઑલ રેટિંગ
9.2 / 10
મૂલાંક ઃ ૯
જન્મતારીખ 9/ 18/ 27
શારીરિક અને માનસિક સ્તર
ઉત્સાહ, શક્તિ, અથાગ ઊર્જા, સાહસના ગુણો નવના અંકવાળી વ્યક્તિમાં સહજ જ જોવા મળે છે. તેમનો અવાજ અને ચહેરાનો પ્રભાવ જ તેમની ઓળખ બની જાય છે. આ વર્ષ નવના અંકવાળા માટે તેમનામાં રહેલા ગુણોનો પૂરો ઉપયોગ કરવાનું છે. 2023ના અંત સુધી તબિયતનું ધ્યાન રાખજો. ખાવા-પીવામાં એવી વસ્તુ ટાળજો જેનાથી તમને ઍસિડિટી કે ગૅસ થઈ જતો હોય. ખાસ કરીને રાત્રે સિંગ ખાતા હો તો એ બંધ કરી દેજો. નહીં તો તબિયત ગોટે ચડી શકે છે. મે મહિના દરમિયાન વાઇરલ ઇન્ફેક્શનથી બચવાનો પ્રયત્ન કરશો. આ વર્ષે તમારા મન પર તમારે કાબૂ રાખવાની ખાસ જરૂર છે, કારણ કે તમારું મન જ તમને આ વર્ષે નબળા પાડશે. પહેલાં નકારાત્મક વિચારો આવશે અને પછી એને તમે હાવી થવા દેશો તો તમને ઉદાસીનતામાં લઈ જશે. જોકે વાસ્તવમાં એ તમારા મનના ખયાલી પુલાવ જ હશે. મે મહિના સુધી બધું સ્લો મોશનમાં ચાલતું હશે એવું તમને લાગશે. તમે ઝડપના બનેલા છો, ઊર્જાથી ભરેલા છો; પરંતુ આ વર્ષે મે મહિના સુધી તમને એવું લાગશે કે તમારી માનસિક સ્થિતિ કુંઠિત થઈ ગઈ છે. જોકે મે મહિના પછી આ પરિસ્થિતિમાંથી તમે બહાર આવી જશો અને બધું પહેલાં જેવું થતું દેખાશે. ઓવરઑલ તન અને મનની દૃષ્ટિએ જોઈએ તો પિત્ત અને વાયુથી તમારે બચવાનું છે. અને મન ઉત્સાહમાં રહે એવા પ્રયત્નો કરવાના છે.
જ્ઞાન અને કમાણી
કરીઅરમાં આ વર્ષે ગ્રોથ આવે, પરંતુ એ માટે સ્થાન-પરિવર્તન થાય એવી પ્રબળ શક્યતા છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે, પરંતુ એના માટે વર્તમાન સ્થાન છોડવું પડશે. નવી નોકરીની શોધ કરનારાઓએ હાલ પૂરતી જે નોકરી મળે એનો સ્વીકાર કરી લેવો. આવતા વર્ષે તમને સારી ઑફર મળી રહેશે. બાકી ચાલુ નોકરીવાળાઓએ હમણાં ત્યાં જ કામ કરવું પડશે. વિદેશ જવા ઇચ્છતા લોકોને આ વર્ષે વિદેશ જવાના સારા ચાન્સ છે. જોકે મે મહિનો પતે એ પૂર્વે આ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવે તો જ એ શક્ય બનશે. ત્યાર બાદ શક્યતાઓ ઘટતી દેખાઈ રહી છે. આ વર્ષે તમારી તાકાત મહેનત કરવામાં લગાવી દો. તમારી મહેનત ચોક્કસ તમને ફળદાયી નીવડશે. જો ઉદાસીનતા સેવી તો તમે આળસુ બની જશો અને નિષ્ફળતાનું મોં જોવું પડશે. વિદ્યાર્થીઓએ મિત્રોથી સાચવવાનું છે. મિત્રોના દોરવાયા દોરવાઈ ન જતા. તમારી નિર્ણયશક્તિ ઘટવાની છે. તેથી તમારા કોઈ વડીલ કે શિક્ષકની મદદ લેજો. ધંધામાં તમે કોઈ રિસર્ચ કે સર્વે કરી રહ્યા હો તો એપ્રિલ મહિના સુધી એમાં બધી શક્તિ લગાવી દેશો તો સારું પરિણામ મેળશે. રિસર્ચની બાબતમાં તમે સમયનો વ્યય કર્યો તો એમાં નુકસાન પ્રાપ્ત થશે.
રિલેશનશિપ અને અંગત જીવન
માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન તમારા જીવનસાથીની તબિયતના પ્રશ્નો આવી શકે છે. તો એ તરફ થોડું ધ્યાન આપશો. એ પછી બધું નૉર્મલ લાગશે. નવના આંકવાળાઓ માટે એક વિચિત્રતા પૂર્ણ સંભાવના આ વર્ષે અંકો દર્શિત કરી રહ્યા છે. એ એવી છે કે તમારા મિત્રની જીવનસાથી તમારા જીવનમાં ઊથલપાથલ મચાવી શકે છે. એપ્રિલ માસ પછી તમારા પ્રેમી પાત્ર તરફથી હેરાનગતિ થાય એવું બને. આ સમય દરમિયાન તમારા મિત્રો થોડા જિદ્દી બનતાં દેખાશે અને તેઓ તેમની વાત જ યોગ્ય છે એવું ઠસાવવા પ્રયત્ન કરશે. એથી તમને મનદુખ ચોક્કસ લાગશે અને તમારો મૂડ ઑફ થતો અનુભવશો. પ્રેમી પાત્ર સાથે હરવા-ફરવાનું ચાલુ રહેશે. ખાસ કરીને આ વખતે ધાર્મિક સ્થળોએ જવાનો મૂડ બન્યા કરશે. અત્યાર સુધી બની રહેલા શારીરિક સંબંધોમાં સહેજ બ્રેક જેવું લાગતું દેખાશે. મુલાકાતો રોમૅન્ટિકને બદલે સહેજ ચિંતનાત્મક વિષયોની ચર્ચામાં પરિણમશે.
ઇન્કમ અને સેવિંગ્સ
વર્ષ આખું પૈસા આવ્યા કરવાના છે, પરંતુ જૂન મહિના સુધી બચત પર ધ્યાન આપજો. અહીં સુધી જેટલી બચત કરી લીધી એ આખું વર્ષ કામમાં આવશે. બાકી આવેલા પૈસા મોજશોખમાં વપરાઈ જવાની પૂરી શક્યતા છે. વર્ષના શરૂઆતના છ મહિનામાં આવક સારી રહેવાની છે અને એવું લાગશે કે બધું આમ જ ચાલવાનું છે. એટલે બધાના મોજશોખ પૂરા કરવામાં એ નાણાં વપરાવા લાગશે, પરંતુ જો બચત ન કરી તો દિવાળી આવતાં સુધીમાં ખેંચનો અનુભવ થવા લાગશે. જે લોકો નોકરિયાત છે અને સાઇડમાં શૅરબજાર કરે છે એવા લોકોએ આ વર્ષે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બજાર અને સટ્ટાથી દૂર રહે. શરૂઆતમાં તેમને સારો નફો થતો દેખાશે, પરંતુ બીજા અધ્યાયમાં ઘરની મૂડી પણ ચાલી જશે. આથી નોકરિયાત લોકોએ શૅરસટ્ટાથી આ વર્ષે દૂર રહેવું. નહીં તો પસ્તાવાનો પાર નહીં રહે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ વર્ષ દરમિયાન કામ વિનાની વસ્તુઓની ખરીદી ન થઈ જાય. નહીં તો એમાં નાણાંનો ખાસ્સોએવો વ્યય થઈ જશે અને રાંડ્યા પછીના ડહાપણ જેવી સ્થિતિ સર્જાશે. એટલે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં દસ વખત વિચાર કરી લેજો કે એ વસ્તુની તમને ખરેખર કેટલી જરૂરિયાત છે. નહીં તો ખોટી જગ્યાએ વપરાઈ ગયેલા પૈસા આવતા વર્ષની દિવાળીમાં પૈસાની અછતનો અહેસાસ આપશે. આ વર્ષે નવી પ્રૉપર્ટી ખરીદવાના કે જૂની વેચવાના સારા ચાન્સ નથી, પરંતુ જો આગળ વધવું પડે એમ જ હોય તો થોડા નુકસાનની તૈયારી સાથે આગળ વધજો. જૂની સંપત્તિના વેચાણમાંથી ફાયદાની આશા નઠારી છે. ધીરજ રાખશો તો આવતું વર્ષ તમારું છે.
ઓવરઑલ રેટિંગ
8.9 / 10


