સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થશે
આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂરે તેની આગામી વેબ-સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’માં પોતાના રોલ માટે મૅનેજર સાથે મુલાકાત કરી હતી. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ સિરીઝને સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષે ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં તેની સાથે અનિલ કપૂર, સોભિતા ધુલિપલા અને તિલોત્તમા શોમ પણ જોવા મળશે. પોતાના રોલ વિશે આદિત્ય રૉય કપૂરે કહ્યું કે ‘દરેક રોલ માટે કેટલીક ઇન્ટરેસ્ટિંગ અને અલગ વસ્તુ કરવાની હોય છે. આ શોમાં હોટેલના એક નાઇટ મૅનેજરની વાત છે. એથી મને લાગે છે કે દરેક વખતે તમારે કોઈ ચોક્કસ પ્રોફેશનનું પાત્ર ભજવવાનું હોય છે. એક ઍક્ટર તરીકે મને એ વાતનો આનંદ છે કે આવા અલગ-અલગ પ્રોફેશન્સને લઈને રિસર્ચ કરવા મળે છે અને તેમના પ્રોફેશન્સને સમજવા માટે લોકોને મળવાનું પણ થાય છે. મારા રોલની તૈયારીના ભાગરૂપે મારે તેમને મળવાનું હતું. હું નાઇટ મૅનેજરને મળવા ગયો હતો. તેની સાથે મેં થોડા દિવસો પસાર કર્યા હતા, તેનો ઇન્ટરવ્યુ લીધો અને તેની લાઇફને લગતા સવાલો કર્યા હતા અને આ પ્રોફેશનને લઈને તેની લાઇફ પર શું અસર પડી છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તમે જાણો છો આ હાઈલી ક્વૉલિફાઇડ પ્રોફેશન છે.’
આ રોલ તેને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે એવું જણાવતાં આદિત્ય રૉય કપૂરે કહ્યું કે ‘એના માટે તમારે વર્ષો સુધી ટ્રેઇનિંગ લેવી પડે છે. એથી હું એને સંબંધિત શું કરવું અને શું ન કરવું જોઈએ, બૉડી--લૅન્ગ્વેજ અને ટોનાલિટી સમજવાનો પ્રયાસ કરતો હતો. ‘ધ નાઇટ મૅનેજર’માં કામ કરવાથી મારા માટે દરેક પાસાને યોગ્ય રીતે ભજવવાની જવાબદારી હતી. એથી મારી જાતને કૅમેરા સામે મૅનેજર તરીકે રજૂ કરવી એ ભરોસાને પાત્ર હોવું પણ જરૂરી છે. એ મારા માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતો.’

