મુંબઈમાં હાલમાં જ પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. તેનો પરિવાર હવે ગુજરાત ગયો છે

વૈભવી ઉપાધ્યાય
વૈભવી ઉપાધ્યાયનાં અસ્થિનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવશે. ટેલિવિઝન ઍક્ટર વૈભવી ઉપાધ્યાયના કાર-અકસ્માતમાં થયેલા અવસાને સૌને ચોંકાવી દીધા છે. તે હિમાચલ પ્રદેશમાં હતી અને ટર્ન લેવામાં તેની કાર ખાઈમાં પડી હતી. વૈભવીએ ‘CID’, ‘અદાલત’, ‘ક્યા કસૂર હૈ અમલા કા’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં કામ કર્યું હતું. મુંબઈમાં હાલમાં જ પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. તેનો પરિવાર હવે ગુજરાત ગયો છે. વૈભવીના પરિવારને સાંત્વના આપવા તેના અનેક ફ્રેન્ડ્સ હાજર હતા. વૈભવીની ક્લોઝ ફ્રેન્ડ આકાંક્ષા રાવતે કહ્યું કે ‘અમે બધા વૈભવીના પરિવાર સાથે છીએ. તેમને હાલ અમારી ખૂબ જરૂર છે. કેટલાક ફ્રેન્ડ્સ ગોવાથી પણ આવ્યા છે. વૈભવી એક પારિવારિક વ્યક્તિ હતી અને તેના ઘણાબધા ફ્રેન્ડ્સ હતા. તેની પ્રાથમિકતા તેની મમ્મી હતી. તેઓ હવે કપરી સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશે એની ચિંતા છે. વૈભવીએ ગોવામાં રેસ્ટો-બાર શરૂ કર્યું છે અને તે તેના મંગેતર જય ગાંધી સાથે ખૂબ ખુશ હતી. અમે બધા તો તેનાં લગ્નની તારીખ નક્કી થાય એની રાહ જોઈ રહ્યા હતા. વૈભવીના નિધન બાદ મને એક વાતનો એહસાસ થયો છે કે આપણે સૌને પ્રેમ આપવો જોઈએ. લોકોને માફ કરીને મનમાંથી દુશ્મનાવટ દૂર કરવી જોઈએ.’