ઍક્ટ્રેસ શ્રેણુ પરીખ અને અક્ષય મ્હાત્રે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. આ બન્ને થોડા વખતથી એકમેકને ડેટ કરતાં હતાં.
શ્રેણુ પરીખ અને અક્ષય મ્હાત્રે
શ્રેણુ અને અક્ષય ફર્યા સાત ફેરા
‘ઇશકબાઝ’ની ઍક્ટ્રેસ શ્રેણુ પરીખ અને અક્ષય મ્હાત્રે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. આ બન્ને થોડા વખતથી એકમેકને ડેટ કરતાં હતાં. છેવટે બન્નેએ આજીવન એકમેકને સાથ આપવાનો ફેંસલો કરી લીધો છે. લગ્નના ફોટો શ્રેણુએ શૅર કર્યા હતા. લગ્નમાં નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજર હતાં. શ્રેણુ અને અક્ષયે રેડ અને ઑરેન્જ કૉમ્બિનેશનનાં આઉટફિટ પહેર્યાં હતાં. શ્રેણુએ હેવી જ્વેલરી પહેરી હતી. બન્ને જ્યારે પહેલી વખત મળ્યાં ત્યારે જ તેમના મનમાં લગ્નનો વિચાર આવ્યો હતો. એ વિશે તેમણે પોતાની ફૅમિલી સાથે ચર્ચા કરી હતી.
શ્રેણુ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેણે ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘એક ભ્રમ સર્વગુણ સંપન્ન’ અને ‘ઘર એક મંદિર’માં કામ કર્યું છે. તો અક્ષયે ‘પિયા અલબેલા’માં નરેન વ્યાસનો રોલ કર્યો હતો.
ADVERTISEMENT
‘કસમ સે’નું રીયુનિયન
રામ કપૂર અને પ્રાચી દેસાઈ ઝીટીવી પર આવતી સિરિયલ ‘કસમ સે’માં જોવા મળ્યાં હતાં. આ શો ૨૦૦૬થી ૨૦૦૯ સુધી ચાલ્યો હતો. લોકોને બાની અને મિસ્ટર વાલિયાની જોડી ખૂબ ગમી હતી. આ બન્નેની મુલાકાત અચાનક મુંબઈના એક કૅફેમાં થઈ હતી. એનો ફોટો રામ કપૂરે શૅર કર્યો હતો. એ ફોટોમાં બન્ને ગળે મળી રહ્યાં છે. તેમનો આ ફોટો જોઈને લોકોને સિરિયલ ‘કસમ સે’ની યાદ આવી ગઈ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામ કપૂરે કૅપ્શન આપી હતી, ‘જુઓ મને સાંજે કૅફેમાં કોણ મળ્યું. પ્રાચી દેસાઈ આજે પણ તે ૧૮ વર્ષ પહેલાં જેવી દેખાતી હતી એવી જ નાનકડી છોકરી જેવી દેખાય છે. આશા છે કે મારી આ ડાર્લિંગ મોટી ન થાય.’
‘સૌભાગ્યવતી ભવ: નિયમ ઔર શરતેં લાગુ’ પર પડી જશે પડદો
કરણવીર બોહરાની સિરિયલ ‘સૌભાગ્યવતી ભવ: નિયમ ઔર શરતેં લાગુ’ ટૂંક સમયમાં બંધ થવાની છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં આ શો શરૂ થયો હતો. ૨૦૧૧માં આવેલી સિરિયલ ‘સૌભાગ્યવતી ભવઃ’ની આ સીક્વલ હતી. જોકે આ શો લોકોને આકર્ષિત કરી શક્યો નથી. આ જ કારણ છે કે આ સિરિયલ બંધ થવાની છે. આ શોમાં કરણ સાથે અમનદીપ સિધુ અને ધીરજ ધૂપર લીડ રોલમાં છે. એનો છેલ્લો એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. એ વિશે માહિતી આપતાં સેટ પરની એક ઝલક કરણવીરે શૅર કરી છે. એથી ફૅન્સ પણ નારાજ થયા છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણવીરે કૅપ્શન આપી હતી, ‘સૌભાગ્યવતી ભવઃ’ના સેટ પર મેં સુંદર પરિવાર બનાવ્યો છે. તમારી બધાની ખૂબ યાદ આવશે. સેટની ટીમ પણ શાનદાર છે. તેણે આ ટીમ પર કમેન્ટ કરતાં અમનદીપે લખ્યું કે ‘અમને પણ ખૂબ યાદ આવશે. આ શોએ મને ઘણી બધી સારી વસ્તુ આપી છે.’
‘ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સી. શંકરન નાયર’માં અનન્યાને ગાઇડ કરશે અક્ષયકુમાર
અક્ષયકુમાર અને અનન્યા પાન્ડે આગામી ફિલ્મ ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સી. શંકરન નાયર’માં જોવા મળશે. એનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનન્યા વકીલના રોલમાં છે. એમાં તેને અક્ષયકુમાર ગાઇડ કરશે. થોડા સમય પહેલાં એવી અફવા હતી કે આ બન્ને રોમૅન્સ કરવાનાં છે. જોકે હવે જાણવા મળ્યું છે કે આ બન્ને કપલના રોલમાં નહીં, પરંતુ ગુરુ-શિષ્યના રોલમાં ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે, તો કરણ સિંહ ત્યાગી ડિરેક્ટ કરે છે. જલિયાંવાલા બાગમાં જે કરપીણ ઘટના બની હતી એને માટે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ કેસ કરવામાં આવે છે એ બાબત આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં સિનિયર લૉયરના રોલમાં દેખાશે અને અનન્યા વકીલ તરીકે પોતાના કરીઅરની શરૂઆત કરે છે. એને માટે જરૂરી માર્ગદર્શન અક્ષયકુમાર તેને આપે છે.
સાહિલ ખાને ઑનલાઇન બેટિંગ ઍપ કેસમાં દાખલ એફઆઇઆર રદ કરવાની અરજી કરી
‘સ્ટાઇલ’માં જોવા મળેલા સાહિલ ખાનનું નામ હાલમાં મહાદેવ બેટિંગ ઍપ કેસમાં સંડોવાયેલું હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસમાં શ્રદ્ધા કપૂર, હિના ખાન, કપિલ શર્મા અને હુમા કુરેશીનું નામ પણ સામેલ છે. તેમને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે બોલાવ્યાં હતાં. આ કેસમાં સાહિલ ખાન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે એથી તેણે એ એફઆઇઆર રદ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. સેશન કોર્ટે તેની ધરપકડ પહેલાંની જામીન અરજી રદ કરી છે એથી સાહિલ હાઈ કોર્ટની શરણે ગયો છે. તેણે જણાવ્યું કે ‘એ બેટિંગ ઍપ સાથે મારો કોઈ સંબંધ નથી. એ એફઆઇઆર ખોટો, બોગસ, ગેરકાયદે અને મારી છબિને ખરડવા માટે કરવામાં આવ્યો છે. જોકે આ અરજીની સુનાવણી હાઈ કોર્ટ ૨૦૨૪ની ફેબ્રુઆરીમાં કરવાની છે. એ દરમ્યાન સાહિલની તપાસ પર સ્ટે લગાવવાના તેણે આદેશ આપ્યા છે.


