તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાનો રોલ ભજવતી દિશા ઘણા સમયથી આ સિરિયલમાંથી ગાયબ છે
દિશા વાકાણી અને મયૂર વાકાણી
મયૂર વાકાણીએ તેની બહેન દિશા વાકાણીને ગળાનું કૅન્સર હોવાની વાતને ફગાવી કાઢી છે. તેનું કહેવું છે કે દિશા સ્વસ્થ છે અને આવી અફવાઓ છાશવારે આવ્યા જ કરતી હોય છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાનો રોલ ભજવતી દિશા ઘણા સમયથી આ સિરિયલમાંથી ગાયબ છે. એવામાં કૅન્સરના સમાચાર ફેલાતાં તેના ફૅન્સ ચિંતિત થઈ ગયા છે. આથી આ બધી અફવાઓને વિરામ આપતાં દિશાના ભાઈ મયૂરે કહ્યું હતું કે ‘આવી અનેક અફવાઓ આવ્યા કરે છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. તે પૂરી રીતે સ્વસ્થ છે અને આ બધી અફવાઓ ખોટી છે. દરરોજ અમને આવી પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે. એથી ફૅન્સે પણ આવી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ.’
બીજી તરફ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ કરનાર દિલીપ જોશીએ કહ્યું કે ‘મને સવારથી દિશા વાકાણીને લઈને ફોન આવી રહ્યા છે. આવા ખોટા સમાચાર ફેલાવવાની જરૂર નથી. હું માત્ર એટલું જ કહીશ કે આ એક અફવા છે. આવી વાતો પર ધ્યાન ન આપો. દિશા પૂરી રીતે સ્વસ્થ છે.’


