રાજુ શ્રીવાસ્તવને તેની કરીઅરનો મોટો બ્રેક ૨૦૦૫માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ’ દ્વારા મળ્યો હતો

અમિતાભ બચ્ચન
રાજુ શ્રીવાસ્તવનો જન્મ ૧૯૬૩ની ૨૫ ડિસેમ્બરે થયો હતો. તેનું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું, પરંતુ તે રાજુ શ્રીવાસ્તવના નામે ઓળખાતો થયો હતો. તેનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. રાજુ શ્રીવાસ્તવ એક મિમિક્રી આર્ટિસ્ટ પણ હતો. તેણે ઘણી સ્ટ્રગલ કરી હતી. અમિતાભ બચ્ચનનો અવાજ કાઢવાથી તેને ઘણી ઓળખ મળી હતી. તેની આ અવાજ કાઢવાની કળાને કારણે તેને ઘણા સ્ટેજ શો મળ્યા હતા. આથી તે તેની કરીઅરનું શ્રેય અમિતાભ બચ્ચનને આપે છે.
તેણે બૉલીવુડમાં નાનાં-નાનાં પાત્રો કર્યાં હતાં. સલમાન ખાનની ૧૯૮૯માં આવેલી ‘મૈંને પ્યાર કિયા’માં તેણે શંભુનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ શાહરુખ ખાનની ‘બાઝીગર’માં પણ તે જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે ‘આમદની અઠ્ઠની ખર્ચા રુપૈયા’, ‘બિગ બ્રધર’, ‘બૉમ્બે ટુ ગોવા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ADVERTISEMENT
રાજુએ ૧૯૯૩માં શિખા સાથે લગ્ન કર્યાં હતાં અને તેને અન્ત્રા અને આયુષમાન એમ બે બાળકો છે. રાજુ શ્રીવાસ્તવને તેની કરીઅરનો મોટો બ્રેક ૨૦૦૫માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ’ દ્વારા મળ્યો હતો. આ શો દ્વારા તેની ઓળખ કૉમેડિયન તરીકે થઈ હતી. તે સ્ટૅન્ડ-અપ કૉમેડીમાં જાણીતું નામ બન્યો હતો. આ શોમાં તે રનરઅપ બન્યો હતો. જોકે આ શોના સ્પિન-ઑફ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ-ચૅમ્પિયન્સ’માં તેણે ભાગ લીધો હતો. આ શોમાં તેને ‘ધ કિંગ ઑફ કૉમેડી’નું ટાઇટલ મળ્યું હતું.
૨૦૦૯માં રાજુ શ્રીવાસ્તવે ‘બિગ બૉસ 3’માં ભાગ લીધો હતો. આ શોમાં પણ તેણે ખૂબ જ સારું કામ કર્યું હતું અને કમાલ આર. ખાનને તેણે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ તેણે ‘કૉમેડી કા મહા મુકાબલા’માં પણ ભાગ લીધો હતો.
રાજુ શ્રીવાસ્તવે કરીઅરની શરૂઆતથી જ દરેક કામ એવાં કર્યાં હતાં જેમાં તેણે પોતાની જાતને કમ્ફર્ટ ઝોનની બહાર લાવવી પડે. ૨૦૧૩માં રાજુએ તેની પત્ની શિખા સાથે ડાન્સ શો ‘નચ બલિયે’ની છઠ્ઠી સીઝનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં પણ જોવા મળ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવે ૨૦૧૪માં પૉલિટિક્સ પણ જૉઇન કર્યું હતું. તે સમાજવાદી પાર્ટી તરફથી કાનપુરમાંથી લોકસભાનું ઇલેક્શન પણ લડવા જઈ રહ્યો હતો, પરંતુ તેણે એ ટિકિટ પાછી આપીને ભારતીય જનતા પાર્ટી જૉઇન કરી હતી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવનું નામ સ્વચ્છ ભારત અભિયાન માટે પણ નૉમિનેટ કર્યું હતું. આ માટે તેણે ઘણા સોશ્યલ વિડિયો અને ટીવી ઍડ પણ જૉઇન કર્યાં હતાં.

