હિના ખાનના આ સવાલના જવાબ શ્રી શ્રી રવિશંકરે બહુ હળવા અંદાજમાં આપ્યો, જે વાઇરલ થયો છે. હિના ખાને શ્રી શ્રી રવિશંકરની મુલાકાત દરમિયાન એક રસપ્રદ સવાલ કર્યો કે શું તમે ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યા છો?
હિના ખાન અને શ્રી શ્રી રવિશંકર
ટીવી-ઍક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં બૅન્ગલોરમાં આર્ટ ઑફ લિવિંગ આશ્રમ ખાતે શ્રી શ્રી રવિશંકરની મુલાકાત દરમિયાન એક રસપ્રદ સવાલ કર્યો કે શું તમે ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યા છો? આ સવાલે ત્યાં હાજર લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. જોકે શ્રી શ્રી રવિશંકરે હળવા અંદાજમાં જવાબ આપ્યો, ‘હું તો હંમેશાં પ્રેમમાં જ રહું છું. એવું નથી કે હું કોઈ એક પ્રેમમાં પડી ગયો છું. ઘણી વખત લોકો ત્યારે બાબા બની જાય છે જ્યારે તેમની લવ-લાઇફમાં કંઈક ગરબડ થઈ જાય છે. જ્યારે કોઈનું હૃદય તૂટી જાય છે ત્યારે તેઓ એ તૂટેલા હૃદય સાથે આધ્યાત્મિકતાના માર્ગે ચાલવા લાગે છે. મારી સાથે ક્યારેય આવું કંઈ થયું નથી. અમે અહીં બધાનાં તૂટેલાં હૃદયને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. તેથી હું કહું છું કે અમે અહીં હૃદયનું રિપેરિંગ કરીએ છીએ.’
આ જવાબનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
હિના હાલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં છે અને તે તેમની પાસેથી ધ્યાનની તાલીમ લઈ રહી છે. હાલમાં હિનાએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ત્યાંની અનેક તસવીરો શૅર કરી અને સાથે યોગનો સાચો અર્થ પણ સમજાવ્યો. હિના સ્ટેજ 3 બ્રેસ્ટ- કૅન્સરની સારવાર લઈ રહી છે અને હાલમાં શ્રી શ્રી રવિશંકરના બૅન્ગલોર ખાતેના આશ્રમમાં સમય પસાર કરી રહી છે.


