પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ હવે સૉફી ટર્નર સાથે ડિવૉર્સ લઈ રહ્યો હોવાની ચર્ચા છે.
જો જોનસ - સૉફી ટર્નર
પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ હવે સૉફી ટર્નર સાથે ડિવૉર્સ લઈ રહ્યો હોવાની ચર્ચા છે. જો તેના બૅન્ડ જોનસ બ્રધર્સ માટે જાણીતો છે. સૉફી ટર્નર ‘ગેમ ઑફ થ્રોન્સ’માં તેના સાન્સા સ્ટાર્કના રોલ માટે ખૂબ જ જાણીતી બની હતી. તેઓ ૨૦૧૬માં એકમેકને મળ્યાં હતાં અને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૭માં તેમણે એન્ગેજમેન્ટ કરી હતી અને ૨૦૧૯માં બિલબોર્ડ મ્યુઝિક અવૉર્ડ બાદ અચાનક લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને લાસ વેગાસમાં તેમણે લગ્ન કર્યાં હતાં. તેમને ૨૦૨૦માં પહેલું બાળક અને ૨૦૨૨માં બીજું બાળક આવ્યું હતું. જોકે છેલ્લા છ મહિનાથી તેમના લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે અને એ ખૂબ જ વધતાં હવે તેમણે ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું હોવાની વાતો ચાલી રહી છે. એક રિપોર્ટ મુજબ જો હાલમાં લૉસ ઍન્જલસના ડિવૉર્સ વકીલ સાથે મીટિંગ કરી રહ્યો છે. આમ છતાં તેઓ એકમેકને જાહેરમાં સપોર્ટ કરી રહ્યાં છે. સૉફી હાલમાં જ જો જોનસની ટૂરમાં તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. જો જોનસ હાલમાં એન્ગેજમેન્ટ રિંગ વગર જોવા મળ્યો હતો. તેમ જ તેમણે તેમનું માયામીનું મેન્શન વેચી દીધું હતું. આ ઘર વેચવાનું કારણ પ્રૉફિટ અથવા તો હંમેશાં માટે માયામીથી દૂર થવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. બન્ને તેમની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ વ્યસ્ત છે. આમ છતાં છેલ્લા ત્રણ મહિનાથી તેમની બે દીકરીઓની કાળજી જો જોનસ રાખી રહ્યો હોવાની ચર્ચા છે. સૉફી હાલમાં ક્યાં છે અને એક મમ્મી તરીકે તે શું જવાબદારીઓ નિભાવી રહી છે એને લઈને સવાલો ઊઠી રહ્યા છે. જોકે બન્નેએ આ વિશે ચુપકી સાધી છે અને તેમના લગ્નજીવનનું શું થાય છે એ જોવું રહ્યું.

