° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


મિડ-ડે એક્ઝક્લુઝિવ - ‘બૉલીવુડના ચમચા બનવાનું પસંદ નહોતું’: પેન નલિન

04 May, 2021 11:36 AM IST | Mumbai | Harsh Desai

મુંબઈ આવ્યા બાદ પેન નલિનના સપના પર પાણી ફરી વળ્યું હતું અને તેમણે બૉલીવુડમાં કામ કરવાને બદલે ઍડ-ફિલ્મ અને કૉર્પોરેટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું: ડૉક્યુમેન્ટરીમાં ફરવા પણ મળતું અને ફિલ્મ પણ બનાવવા મળતી હતી એથી તેમણે એના પર કામ શરૂ કર્યું હતું

પેન નલિન

પેન નલિન

ગુજરાતના અમરેલી જિલ્લામાં જન્મેલા નલિનકુમાર પંડ્યા જેમને સ્ટેજ-નેમ પેન નલિન તરીકે ઓળખવામાં આવે છે તેમની ફિલ્મ ‘છેલ્લો શો’ ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ રહી છે. દુનિયાભરમાં ઘણી જગ્યાએ થિયેટર્સ જ્યારે બંધ છે ત્યારે આ ફેસ્ટિવલમાં સ્પૉટલાઇટ સેક્શનમાં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવશે. રૉબર્ટ દ નીરોના આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર કોઈ ઇન્ડિયન અને એ પણ ગુજરાતી ફિલ્મ આ સેક્શનની પહેલી ફિલ્મરૂપે શરૂઆત કરશે. પેન નલિન હાલમાં પૅરિસ છે અને તેમણે ત્યાંથી ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ...

પેન નલિન કેવી રીતે બન્યા?

હું ઍક્સિડન્ટ્લી પેન નલિન બન્યો હતો. વડોદરામાં હું જ્યારે ફાઇન આર્ટ્સમાં ભણી રહ્યો હતો ત્યારે ફર્સ્ટ યરમાં બધું જ ભણવાનું હોય છે. ચિત્રો દોરતી વખતે હું પંડ્યાનો ‘પં’ અને નલિનનો ‘ન’ લખતો હતો. જોકે ‘પં’માં હું અનુસ્વારની જગ્યાએ પેનનું ચિત્ર દોરતો હતો જેથી થોડું આર્ટિસ્ટિક લાગે. આથી લોકો એને પેન વાંચતા હતા. ત્યાર બાદ મેં જ્યારે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મારા પ્રોડ્યુસરે મને પેન નલિન નામ રાખવાનું કહ્યું હતું, કારણ કે એ તેમને ખૂબ ગમ્યું હતું. આ રીતે મારું નામ પેન નલિન પડી ગયું હતું.

ફિલ્મમાં ઇન્ટરેસ્ટ કઈ રીતે આવ્યો અને ફિલ્મ ક્લબ વિશે જણાવશો?

હું વડોદરા ગયો એ પહેલાં મેં ફક્ત હિન્દી ફિલ્મો જ જોઈ હતી. કાઠિયાવાડમાં કોઈ દિવસ ફૉરેન ફિલ્મો નહોતી આવતી. મને એ પણ નહોતી ખબર કે અંગ્રેજીમાં કોઈ ફિલ્મ હોય. વડોદરામાં મને હૉલીવુડની ફિલ્મ વિશે જાણવા મળ્યું. અમે અમદાવાદમાં એક દિવસ સ્ટડી ટૂર માટે ગયા હતા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં અમારો

લંચ-બ્રેક હતો ત્યારે હું એ ઇન્સ્ટિટ્યૂટ વિશે પૂછપરછ કરી રહ્યો હતો. અહીં ફિલ્મમેકિંગ ચાલુ કરવાના છીએ એવું મને કહેવામાં આવ્યું હતું. તેમણે મને કહ્યું કે બે-ત્રણ લાખ લોકો અપ્લાય કરે એમાંથી ફક્ત ૨૬ વ્યક્તિને લેવામાં આવે છે. મને ખબર પણ નહોતી કે મને ઍડ્મિશન મળશે અને મને મળી ગયું. અમદાવાદ આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીં એક ફિલ્મ ક્લબ પણ છે જે બંધ થઈ ગઈ છે. આને માટે ઇલેક્શન કરવામાં આવે છે. મને ફિલ્મો પહેલેથી પસંદ હતી એથી હું ઊભો રહ્યો અને ત્યાર બાદ મેં એ ફિલ્મ ક્લબ ફરી શરૂ કરી. એ સાથે જ મેં અમદાવાદની બીજી એક ફિલ્મ ક્લબનો સંપર્ક કર્યો હતો. અમે ત્યાર બાદ આ ક્લબને ચલાવતા. અમે દર રવિવારે સવારે ૮ વાગ્યે શો રાખતા, કારણ કે બાકીના સમયમાં તો બૉલીવુડની જ ફિલ્મો ચાલતી. આ ફિલ્મ ક્લબના પૈસાને મૅનેજ કરવા અમારી ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચરે અને અલિયોશ ફ્રોસે સાથે મળીને ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરવાનું વિચાર્યું હતું. અમે ફ્રેન્ચ ન્યુ વેવની ફિલ્મો મગાવતા. કસ્ટમમાંથી ક્લિયર થઈને એ અમદાવાદના કાળુપુર સ્ટેશન પર લેવા જતા. વધુ ફિલ્મો આવતી તો અમે ઊંટગાડી લઈને જતા અને એક પ્રિન્ટ હોય તો સાઇકલ પર લાવતા. અમે આ દરેક પ્રિન્ટને અમારી દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ચલાવતા અને ત્યાર બાદ પ્રિન્ટ મોકલી આપતા. ત્યાર બાદ અમે ઘણી ફિલ્મો દેખાડી હતી. આ પ્રિન્ટનો નિયમ એ હતો કે આપણે જ એને રિવાઇન્ડ કરીને એ પ્રિન્ટ મોકલવી પડતી. આથી દરેક શો બાદ હું પોતે પ્રિન્ટને રિવાઇન્ડ કરીને પૅક કરતો.

ડૉક્યુમેન્ટરીમાં કઈ રીતે ઇન્ટરેસ્ટ જાગ્યો?

અભ્યાસ પૂરો કર્યા બાદ મેં મુંબઈ આવવાનું વિચાર્યું હતું. અહીં મને મારી જિંદગીનો સૌથી મોટો શૉક લાગ્યો હતો. મેં ફિલ્મ ક્લબમાં જે સપનાં જોયાં હતાં એના કરતાં એકદમ અલગ દુનિયા હતી. સારી સિનેમૅટોગ્રાફી, સારું એડિટિંગ, સારું ડિરેક્શન એવું કંઈ જ નહીં. અહીં આવીને સૌથી પહેલાં એ જાણવા મળ્યું કે કોઈનો ચમચો બનવું પડશે. ચાર-પાંચ વર્ષ અસિસ્ટન્ટ બન્યા બાદ બ્રેક મળશે. બૉલીવુડમાં કોઈ કનેક્શન ન હોવાથી મને ચાર-પાંચ દિવસમાં જ ખબર પડી ગઈ હતી કે અહીં કોઈ ચાન્સ નથી. હું શાષ્ટાંગ દંડવત્ કરીને કોઈનો ચમચો બનું તો જ કામ આગળ વધે એવું હતું. એ સમયે બૉલીવુડમાં આ જ રસ્તો હતો કે ચમચો બનવું અને લોકો ‘યસ સર, યસ સર’ કરીને જ આગળ વધતા હતા. મારા અમદાવાદના ફ્રેન્ડે મને ફિલ્મમેકિંગ માટે એક નવો એરિયા દેખાડ્યો હતો અને એ હતો ઍડ ફિલ્મમેકિંગ. ઍડ માટે પૈસા લગાડ્યા હોવાથી તેઓ ટૅલન્ટને વધુ મહત્ત્વ આપતા હતા એથી મેં ઍડ ફિલ્મ અને કૉર્પોરેટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મેં ભારત પેટ્રોલિયમ માટે ફિલ્મ બનાવી હતી જે એક ઍડ-કમ-ડૉક્યુમેન્ટરી હતી. એ સાથે હું મારી ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે સ્ક્રિપ્ટ પણ લખતો હતો. ડૉક્યુમેન્ટરી બનાવવાના બે ફાયદા હતા. ફરવાનો મોકો મળે અને ફિલ્મ પણ બનાવવા મળે અને ઉપરથી એના પૈસા મળે. મારી પહેલી ડૉક્યુમેન્ટરીનો આઇડિયા લેહ અને લદાખમાં હતો. એ માટે મારી ટીમ બહારથી આવી હતી. આ ડૉક્યુમેન્ટરી ‘ધ તુળકુસ’ રિલીઝ થયા બાદ મને ઘણી ઇન્ક્વાયરી આવી હતી. ડિસ્કવરી અને નૅશનલ જ્યૉગ્રાફીએ પણ મારો સંપર્ક કર્યો હતો. મને નાગાલૅન્ડમાં નાગા ટ્રાઇબલ કમ્યુનિટી પર એક કલાકની ડૉક્યુમેન્ટરી બનાવવાનું કહ્યું હતું. મેં એ બનાવી. એને માટે મને અઢળક પૈસા મળ્યા હતા. મારા મુંબઈના લોકોને કહેતો કે આટલા પૈસા મળ્યા તો લોકો મને એમ કહેતા કે હું ડંફાસ મારું છું. મુંબઈના લોકો ડૉક્યુમન્ટરી-મેકરને ફિલ્મમેકર પણ નહોતા સમજતા. ડિસ્કવરી માટેની ‘ધ નાગાસ’ દ્વારા મારા માટે ઘણા દરવાજા ખૂલી ગયા હતા. મેં શાહરુખ ખાન પર પણ ૨૦ મિનિટની ડૉક્યુમેન્ટરી બનાવી હતી. એક ઇન્ટરનૅશનલ પ્રોડક્શન-હાઉસ બૉલીવુડનાં ૧૦૦ વર્ષ પર ફિલ્મ બનાવી રહ્યું હતું અને એ માટે મેં શાહરુખ અને શ્રીદેવી પર પણ નાની ડૉક્યુમેન્ટરી બનાવી હતી.

ફીચર ફિલ્મમાં કેવી રીતે આવ્યા?

મેં ઘણી સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું, પરંતુ એક માટે જ પ્રોડ્યુસરે મને હા પાડી હતી જે ફિલ્મ છે ‘સમસારા’. આ પહેલાં લગભગ ૨૦૦ પ્રોડ્યુસરે મને રિજેક્ટ કર્યો હશે. ત્યાં સુધી મને લોકો ફક્ત ડૉક્યુમેન્ટરી બનાવવા માટે કહેતા અને મને કહેવામાં આવતું કે ફિલ્મથી દૂર રહેજે. મારી આ ફિલ્મની સ્ટોરી લદાખમાં હતી. મેં તેમને બધી માહિતી આપી. ત્યાર બાદ તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. તેમને પણ આ જગ્યાએ શૂટિંગ કરવામાં ખૂબ તકલીફ દેખાઈ હતી એથી પહેલાં તેમણે એક શરત મૂકી કે તેઓ તેમની એક વ્યક્તિને લોકેશન જોવા માટે મોકલશે અને જો તે હા પાડે તો ફિલ્મ શૂટ કરી શકાશે અને તો જ પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. આથી એ વ્યક્તિ આવી અને બધી કાર્યવાહી પૂરી થઈ ત્યાં સુધી શિયાળો આવી ગયો હતો. આથી પ્રોડ્યુસરે પૈસા આપ્યા છતાં અમારે બરફ પીગળે ત્યાં સુધી ૬ મહિના રાહ જોવી પડી હતી. ત્યાર બાદ આ ફિલ્મને ટૉરોન્ટોમાં દેખાડવામાં આવી હતી.

ત્યાંથી જ હાર્વી વાઇનસ્ટેઇને ફિલ્મ ખરીદી હતીને?

ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલનું એક ન્યુઝ-લેટર હોય છે જેમાં આવતી કાલે ગઈ ફિલ્મ પર વધુ ધ્યાન આપવું એ લખવામાં આવે છે. અમારી ફિલ્મ વિશે અડધું પાનું લખવામાં આવ્યું હતું. એ દિવસ સુધી અમારી ફિલ્મોની ટિકિટ પણ નહોતી વેચાઈ અને એ પેજ આવ્યા બાદ અમારી બધી ટિકિટ વેચાઈ ગઈ હતી. ૧૬૦૦ સીટનું થિયેટર ફુલ હતું જેમાં નસીરુદ્દીન શાહ, મીરા નાયર અને હૉલીવુડના ઘણા નામચીન લોકો હતા. એ દિવસે હાર્વી વાઇનસ્ટેઇન પ્રિન્ટ લઈ ગયા હતા. હાર્વી વાઇન્સ્ટેઇને અમારી ફિલ્મ ખરીદી લીધી હતી અને ત્યાર બાદ એને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી.

‘છેલ્લો શો’ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?

ખરેખર કહું તો આ એક સેમી-ઑટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે. આ ડિજિટલ ટ્રેન્ડ આવ્યો ત્યારે મને લાગ્યું કે મેં મારા બાળપણમાં જે કલ્ચર જોયું હતું એ હવે ગાયબ થઈ રહ્યું છે. અમે કેવી રીતે ફિલ્મો જોતા. કેવી રીતે ફિલ્મની પટ્ટીઓ ચોરી કરતા અને જોતા. હું સ્કૂલમાં જતો ત્યારે ક્લાસને બદલે થિયેટર્સમાં જતો. મારો ડબ્બો હું પ્રોજેક્ટરના ઑપરેટરને આપી દેતો જેથી તે મને ફિલ્મ જોવા દેતો. આ બધી યાદોને સમેટીને મેં સેલ્યુલૉઇડ અને સિંગલ સ્ક્રીનને ધ્યાનમાં રાખીને ‘છેલ્લો શો’ બનાવવાનું નક્કી કર્યું હતું. આ એક સિમ્પલ સ્ટોરી છે જેમાં છોકરાનો જુગાડુ સ્પિરિટ દેખાડવાની કોશિશ કરી છે.

આ ફિલ્મ બનાવતી વખતે કોઈ તકલીફ પડી હતી?

તકલીફ તો ઘણી પડી હતી. સૌથી પહેલાં પૈસાની હતી. આ નહોતી કૉમેડી કે નહોતી હિન્દી ફિલ્મ. ત્યાર બાદ અમને ખબર હતી એથી અમે તૈયાર હતા એ મુશ્કેલી માટે. એ હતી જંગલી પ્રાણીઓ. કાઠિયાવાડમાં અમે શૂટિંગ કરી રહ્યા હોવાથી સિંહ અને દીપડા ગમે ત્યારે આવી જાય. એક વાર ૬-૭ સિંહ સેટ પર આવી ગયા હતા. અમને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે સિંહ આવે ત્યારે કશું કરવું નહીં અને સ્થિર ઊભા રહી જવું. તેઓ કોઈને કંઈ કરશે નહીં. જો તમે ડરશો અને એ જોઈને સિંહ ડરશે તો એ હુમલો કરશે. આથી એ વખતે તો અમે બચી ગયા હતા. જોકે બીજી વાર અમે જે ગામમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે દીપડાનો ત્રાસ હતો. અમે જ્યાં શૂટિંગ કરવાના હતા એ જ ગામમાં દીપડાએ બે જણને મારી નાખ્યા હતા અને એ ટીવી પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આથી અમારે શૂટિંગ રોકવું પડ્યું હતું. ત્યાર બાદ અમારે નેરોગેજ ટ્રેનનું શૂટિંગ કરવાનું હતું. એ માટે પરવાનગીની અમને ખૂબ મુશ્કેલી પડી હતી. ચર્ચગેટની ઑફિસમાં કોઈને ખબર પણ નહોતી કે જૂનાગઢ-વેરાવળ લાઇનમાં હજી પણ આવી ટ્રેન ચાલે છે. ત્યાર બાદ ફિલ્મ-પ્રિન્ટ અને પ્રિન્ટ-પ્રોજેક્ટર શોધવામાં પણ અમને ખૂબ મુશ્કેલી પડી હતી.

નવા પ્રોજેક્ટ વિશે જણાવશો? માર્શલ આર્ટ્સ પર કેમ રિસર્ચ કરી રહ્યા છો?

હા, માર્શલ આર્ટ્સ પર હું ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છું. હું ઘણા માસ્ટર્સને પોતે પણ મળી આવ્યો છે. ઇન્ડિયાના મણિપુરમાં, ફિલિપિન્સમાં, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડના માસ્ટર્સને હું મળ્યો છું. જપાનની સમુરાય, કેરાલાની કલારી પયાટ્ટુ વગેરે જેવા માર્શલ આર્ટ્સ માટેનો મારો પ્રોજેક્ટ તૈયાર છે. ફાઇનૅન્સ મળે એની રાહ જોઈ રહ્યો છું. મારે એના પર એક લાંબી સિરીઝ બનાવવી છે. આજે દુનિયાભરમાં જે પણ ગ્રૅન્ડ માસ્ટર કહેવાય એવા ખૂબ ઓછા છે. યોગ આજે જે રીતે કમર્શિયલ થયું છે એ જ રીતે માર્શલ આર્ટ્સ પણ કમર્શિયલ થઈ ગયું છે. બૉલીવુડ અને હૉલીવુડમાં જે માર્શલ આર્ટ્સ દેખાડવામાં આવે છે એનાથી આ માસ્ટર્સ ખૂબ જ નારાજ છે, કારણ કે તેમને માટે માર્શલ આર્ટ્સ ખૂબ જ આધ્યાત્મિક અને સેલ્ફ-ડિસિપ્લિનની વાત છે. ધડાધડ ૧૫ માણસોને મારવું એ માર્શલ આર્ટ્સ નથી. આથી રિયલ માર્શલ આર્ટ્સ શું છે એ દેખાડવું લોકોને જરૂરી છે.

 

‘સમસારા’ની ડીવીડી રિલીઝ કરી હતી સુસ્મિતા સેને

આ ફિલ્મની પાર્ટીમાં સુસ્મિતા સેન આવી હતી અને તે સૌથી વધુ સપોર્ટિંગ હતી. એક ઇન્ડિયન દ્વારા આ ફિલ્મ બનાવી હોવાનું જાણીને તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેને એમ હતું કે પેન નલિન કોઈ ફૉરેનર હશે. જોકે તેણે મને ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને ખૂબ સારી રીતે વાત કરી હતી. બૉલીવુડમાં ત્યારે કોઈ પણ સેલિબ્રિટીઝ કોઈ ઍન્ડોર્સ કરવા માટે પૈસા લેતા હતા. આ ફિલ્મની ડીવીડી માટે અમે સુસ્મિતા સેનને બોલાવી હતી અને તે ખૂબ દિલથી આ ડીવીડી રિલીઝ કરવા આવી હતી.

 

૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની ચર્ચા

મારી ફિલ્મને ૨૦૦૩ અને ૨૦૦૪ સુધી રિલીઝ કરવામાં આવી હતી. ઇન્ડિયામાં આ ફિલ્મને ૨૦૦૬માં સોની દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ફક્ત ૨૦ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ માહોલ એવો બન્યો હતો કે આ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી છે. આથી આ ફિલ્મને ખૂબ પ્રતિસાદ મળ્યો હતો. અને એની પાર્ટીમાં અનિલ કપૂર, સુસ્મિતા સેન સહિત ઘણા ઍક્ટર્સ આવ્યા હતા.

04 May, 2021 11:36 AM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

મલ્હાર ઠાકરની ફિલ્મ `સ્વાગતમ` જોઇ શકશો શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર

થિએટર પહેલા હવે તમે માણી શકો છો ફિલ્મની મજા શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર મલ્હાર ઠાકરની ફિલ્મ “સ્વાગતમ”

13 May, 2021 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મોસ્કોના ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી એક માત્ર ભારતીય ફિલ્મ

અમદાવાદ સ્થિત ફિલ્મ મેકર અને માઇકાના ફેકલ્ટી દર્શન અશ્વિન ત્રિવેદીની ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા મોસ્કો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડાનારી એક માત્ર ભારતીય ફિલ્મ છે

11 May, 2021 06:02 IST | Mumbai | Chirantana Bhatt
ઢોલીવૂડ સમાચાર

Exclusive: જાણો છો ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ મલ્હાર ઠાકરને શેનો ડર લાગે છે?

અભિનેતાની ઈચ્છા છે કે, બધા જ તેને ગમાડે અને કોઈ તેને નફરત ન કરે

05 May, 2021 06:20 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK