ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાને જણાવ્યું કે હવે ફિલ્મ કુલુ કે હિમાચલ પ્રદેશમાં શૂટ કરવાનું પ્લાનિંગ
‘વેલકમ ટુ ધ જંગલ’નો સીન
અક્ષય કુમાર, દિશા પાટની અને જૅકલિન ફર્નાન્ડિસને ચમકાવતી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ હાલમાં ચર્ચામાં છે. રિપોર્ટ હતા કે ફિલ્મનું શૂટિંગ કેટલીક નાણાકીય સમસ્યાઓને કારણે અટકી ગયું હતું, પણ ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાને જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ અટકવાનું વાસ્તવિક કારણ પહલગામ અટૅક છે. કોરિયોગ્રાફરથી ડિરેક્ટર બનેલા અહમદ ખાને જણાવ્યું કે આ મહિને કાશ્મીરમાં શૂટિંગ કરવા જવાના હતા, પરંતુ પહલગામની દુર્ઘટનાને કારણે શેડ્યુલ રદ કરવું પડ્યું.
આ ઇન્ટરવ્યુમાં અહમદ ખાને કહ્યું કે ‘અમે પહેલાં બે શેડ્યુલ શૂટ કરી લીધાં છે અને પછી જૂનમાં કાશ્મીરમાં ત્રીજું લાંબું શેડ્યુલ શૂટ કરવાના હતા. એ પછી ફિલ્મ લગભગ પૂર્ણ થઈ ગઈ હોત. જોકે શેડ્યુલ પહેલાં પહલગામની દુર્ઘટના બની અને કાશ્મીરનું શેડ્યુલ રદ કરવું પડ્યું. હવે અમે કુલુ અથવા હિમાચલ પ્રદેશમાં શૂટિંગ કરી શકીએ છીએ, પરંતુ કાશ્મીર પાછા જવું શક્ય નથી. અમારે નવા સ્થળે શેડ્યુલ શરૂઆતથી પ્લાન કરવું પડશે. ૩૬ કલાકારોની તારીખો ફરીથી નક્કી કરવી એ કોઈ નાનું કામ નથી. અમે એના પર કામ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
‘વેલકમ ટુ ધ જંગલ’ને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાના રિપોર્ટ વિશે વાત કરતાં અહમદ ખાને સ્પષ્ટતા કરી છે કે મને આ વાતની કોઈ જાણકારી નથી અને નાણાકીય બાબતો નિર્માતા ફિરોઝ નડિયાદવાલા દ્વારા હૅન્ડલ કરવામાં આવે છે.
‘વેલકમ ટુ ધ જંગલ’ આ વર્ષે ડિસેમ્બરમાં ક્રિસમસ વીક-એન્ડ દરમ્યાન રિલીઝ કરવાની યોજના છે, પણ એની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

