લોકોને હિંસક બનાવવા ઉશ્કેરતાં, ભારત વિરુદ્ધ કૃત્ય કરવા પ્રેરતાં, આતંકવાદી સંગઠનોમાં સામેલ થવા પ્રોત્સાહન આપતાં બધાં જ સાહિત્યો પર મુકાયો પ્રતિબંધ
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS), ઇસ્લામિક સ્ટેટ ઑફ કોરુસાન પ્રોવિન્સ (ISKP), હિઝબુલ મુજાહિદ્દીન (HeM), પીર પંજાલ રેજિમેન્ટ, અલ-કાયદા જેવાં આતંકવાદી સંગઠનો દ્વારા પ્રસાર કરવામાં આવતાં સાહિત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છઠ્ઠી ઑગસ્ટે મહારાષ્ટ્ર સરકારના ગૃહખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં લોકોને ઉગ્રવાદ અને કટ્ટરવાદ તરફ વળવા ઉકસાવતાં ૧૧૪ સાહિત્યો દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, જેમાં મૅગેઝિન અને પુસ્તકોનો સમાવેશ થાય છે. આ બધાં જ સાહિત્યોને કારણે હિંસક પ્રવૃત્તિઓ, જેહાદ, આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહન અને ભારતની સંપ્રભુતા વિરુદ્ધ ખતરો ઊભો થાય એવી પરિસ્થિતિ ઊભી થાય એવી પ્રબળ શક્યતાને પગલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ભારતની આંતરિક સુરક્ષા સામે મોટો ખતરો બની શકે એમ હોવાથી આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
ઇન્ટેલિજન્સ, સાઇબર સર્વેલન્સ તથા અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બધાં જ સાહિત્યોને કારણે લોકો આતંકવાદી તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ વળતા હોવાનું જણાતાં આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
નાબૂદ થશે જેહાદી સાહિત્ય બધેથી જ
આ આદેશ બાદ સોશ્યલ મીડિયા અને વેબસાઇટો ઉપરાંત વૉઇસ ઑફ કોરુસાન મૅગેઝિન, આર યુ સ્ટિલ સિટિંગ? નિદા-એ-કોરુસાન_ઉર્દૂ આ બધાના બધા પ્રકારનાં સાહિત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવાએ-ગઝવા-એ-હિન્દ, સ્કૂલ ઑફ યુસુફ, મૉડર્ન વૉરફેર, ધ રેવલ્યુશનરી રીસર્જન્સ આ બધાના ઇશ્યુ હટાવવામાં આવ્યા છે.
