વિજય દેવરાકોન્ડાએ કહ્યું કે પાકિસ્તાની પોતે જ પોતાની સરકારથી ત્રાસી ગયા છે અને જો આવું જ ચાલ્યું તો તેઓ જ પોતાની સરકાર પર હુમલો કરી દેશે.
વિજય દેવરાકોન્ડા
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી આખા દેશમાં આક્રોશનું વાતાવરણ સર્જાઈ ગયું છે અને ફિલ્મસ્ટાર્સ પણ સોશ્યલ મીડિયામાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઍક્ટર વિજય દેવરાકોન્ડાએ હૈદરાબાદમાં પોતાની ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં આ અટૅક વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીયોને એકતા જાળવી રાખવાની વિનંતી કરી છે.
વિજય દેવરાકોન્ડાએ કહ્યું કે ‘કાશ્મીરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એનું સમાધાન તેમને શિક્ષિત કરવાનું અને એ સુનિશ્ચિત કરવાનું છે કે તેમનું બ્રેઇનવૉશ ન કરવામાં આવે. કાશ્મીર ભારતનું છે અને કાશ્મીરી આપણા છે. મેં બે વર્ષ પહેલાં કાશ્મીરમાં મારી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને મારી પાસે સ્થાનિકોની બહુ સારી યાદગીરી છે.’
પાકિસ્તાનને પાઠ ભણાવવાના અભિગમ વિશે વાત કરતાં વિજય દેવરાકોન્ડાએ કહ્યું છે કે ‘પાકિસ્તાન પોતાના લોકોને પાયાની સુવિધાઓ આપવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને ભારતે કંઈ પણ કરવાની જરૂર નથી, કારણ કે પાકિસ્તાન પહેલાંથી જ ત્રસ્ત છે. પાકિસ્તાન પોતાના લોકોની કાળજી રાખી શકે એમ નથી. તેમની પાસે વીજળી અને પાણી નથી. ભારતે પાકિસ્તાન પર હુમલો કરવાની જરૂર નથી, કારણ કે પાકિસ્તાની પોતે જ પોતાની સરકારથી ત્રાસી ગયા છે અને જો આવું જ ચાલ્યું તો તેઓ જ પોતાની સરકાર પર હુમલો કરી દેશે. તેઓ જે રીતનો વ્યવહાર કરી રહ્યા છે એવો વ્યવહાર તો ૫૦૦ વર્ષ પહેલાં આદિવાસીઓ કરતા હતા. આપણે એકતા જાળવી રાખવી જોઈએ અને એકબીજા સાથે પ્રેમથી રહેવું જોઈએ. શિક્ષા જરૂરી છે. ચાલો, આપણે બધા ખુશ રહીએ અને માતા-પિતાને ખુશ રાખીએ. આ રીતે આપણે પ્રગતિ કરી શકીએ છીએ.’

