ઉર્વશી ધોળકિયા ફરી નેગેટિવ પાત્ર ભજવવા નથી ઇચ્છતી
ઉર્વશી ધોળકિયા
ઉર્વશી ધોળકિયા હવે ક્યારેય નેગેટિવ પાત્ર ભજવવા નથી માગતી. ‘કસૌટી ઝિંદગી કી’માં તેણે કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તે એટલી લોકપ્રિય થઈ હતી કે એ શોનાં પંદર વર્ષ બાદ પણ તેને કોમલિકા તરીકે ઓળખવામાં આવે છે. તે હાલમાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં જોવા મળી રહી છે. આ વિશે વાત કરતાં ઉર્વશી કહે છે, ‘લોકો હજી પણ મને કોમોલિકા કહીને બોલાવે છે. એક પાત્ર ખૂબ જ પાવરફુલ બની ગયું એનો મતલબ એ નથી કે હું બીજાં પાત્ર નથી ભજવી શકતી. મને એ પાત્રથી અલગ રીતે જો કોઈ વિચારી જ નથી શકતું તો પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સની ક્રીએટિવિટી ક્યાં ગઈ? મને એક જ સરખા પાત્રની ઑફર કરવામાં આવી છે. રેખાએ ‘ઉમરાવ જાન’ કરી એટલે તેમને એવી જ ફિલ્મો હવે આપો એવું ન હોવું જોઈએ. લોકો આજે પણ કોમોલિકાનાં મીમ્સ અને રીલ્સ શૅર કરે છે. હું એ માટે આભારી છું, પરંતુ મને મારા અન્ય રોલ માટે પણ ઓળખવામાં આવે એવી મારી ઇચ્છા છે. ઍક્ટર તરીકે નેગેટિવ રોલમાં મારા માટે કરવા જેવું કંઈ નથી રહ્યું. હું હવે કોઈ પાત્ર ભજવું તો પણ એને લોકો કોમોલિકા સાથે સરખાવશે, એથી હું એ ન કરું એ જ સારું છે.’

