ફૅમિલી રેસ્ટોરાંમાં સુહાના અને અબરામ સાથે ડિનર કર્યું શાહરુખે, મંદોદરી બનશે સાક્ષી તનવર?
દિલજીત દોસંજ , પરિણીતી ચોપરા
દિલજિત દોસંજ હાલમાં સ્ટેજ પર રડતો જોવા મળ્યો હતો. તેની ‘અમર સિંહ ચમકીલા’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન ફિલ્મના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ દિલજિતના કામનાં વખાણ કર્યાં હતાં. ઇમ્તિયાઝે કહ્યું હતું કે દિલજિત પોતે ખૂબ મોટો સ્ટાર છે, પરંતુ અમર સિંહ ચમકીલાના પાત્ર માટે તે પોતાને ભૂલી ગયો હતો, પાત્રમાં ભળી ગયો હતો. ઇમ્તિયાઝે એ સિવાય પણ દિલજિતનાં ઘણાં વખાણ કર્યાં હતાં. તેનાં વખાણ સાંભળીને દિલજિતની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આ ફિલ્મમાં તેની સાથે કામ કરી રહેલી પરિણીતી ચોપડા તેને ચૂપ કરાવતી જોવા મળી હતી.
ફૅમિલી રેસ્ટોરાંમાં સુહાના અને અબરામ સાથે ડિનર કર્યું શાહરુખે
શાહરુખ ખાન તેનાં બાળકો અબરામ અને સુહાના ખાન સાથે બુધવારે રાતે ડિનર માટે ગયો હતો. તેઓ ખાર (વેસ્ટ)માં આવેલા તેમના ફૅમિલી રેસ્ટોરાંમાં ગયા હતા. સોશ્યલ મીડિયા પર તેના વિડિયો અને ફોટો વાઇરલ થયા છે. સુહાનાએ ફોટોગ્રાફર્સ સાથે ઇન્ટરૅક્શન કર્યું હતું. જોકે અબરામ કારમાં બેઠો હતો. શાહરુખ ભાગ્યે જ તેની ફૅમિલી સાથે ડિનર માટે જાય છે. તે જ્યાં જાય છે ત્યાં લોકો ભેગા થઈ જતા હોવાથી ભાગ્યે જ ફૅમિલીને લઈને બહાર નીકળે છે.
ADVERTISEMENT
મંદોદરી બનશે સાક્ષી તનવર?
રણબીર કપૂરની ‘રામાયણ’માં રાવણની પત્ની મંદોદરીના રૂપમાં સાક્ષી તનવર જોવા મળે એવી શક્યતા છે. નિતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રણબીર રામના પાત્રમાં અને રાવણના પાત્રમાં યશ છે. મંદોદરીના પાત્ર માટે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાનું નામ ચર્ચામાં હતું, પરંતુ એ માટે સાક્ષીને ઑફર કરવામાં આવી છે. આ ફિલ્મ માટે ઘણાં પાત્રની પસંદગી બાકી છે અને એ માટે ઘણો સમય લાગે એમ છે. સાક્ષીએ અગાઉ નિતેશ તિવારી સાથે ૨૦૧૬માં આવેલી આમિર ખાનની ‘દંગલ’માં કામ કર્યું હતું. તેઓ ફરી સાથે કામ કરશે એવી ચર્ચા છે.
રાતને રોશન કરી રૂપસુંદરીઓએ
સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ માટે બુધવારે રાતે મહાલક્ષ્મી રેસકોર્સમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, શર્મિન સેગલ અને સંજીદા શેખે હાજરી આપી હતી. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારા આ શોની રિલીઝ-ડેટ જાહેર કરવા માટે ૧૦૦૦ ડ્રોન્સની મદદથી આકાશમાં એની તારીખ જાહેર કરવામાં આવી હતી. ૧ મેએ આ શોને સ્ટ્રીમ કરવામાં આવશે.

