થામાના ડિરેક્ટર આદિત્ય સરપોતદારે વાત-વાતમાં દીપિકા પાદુકોણને ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડ બદલ ટોણો મારી દીધો હોવાની ચર્ચા
રશ્મિકા મંદાના
‘થામા’ના ડિરેક્ટર આદિત્ય સરપોતદારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં વર્ક અને લાઇફમાં બૅલૅન્સ જાળવવા માટે ૮ કલાકની શિફ્ટની કરાઈ રહેલી ડિમાન્ડ વિશે વાત કરી છે. આ ચર્ચા દરમ્યાન આદિત્યએ રશ્મિકા મંદાના તો ફરિયાદ કર્યા વગર ૧૨ કલાક કામ કરે છે એવી કમેન્ટ કરીને દીપિકા પાદુકોણને ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડ બદલ ટોણો મારી દીધો હોવાની ચર્ચા છે.

ADVERTISEMENT
આદિત્ય સરપોતદાર
આદિત્યએ આ ચર્ચા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે જ્યારે શૂટિંગ થાય ત્યારે ૧૨ કલાકની શિફ્ટ સૌથી યોગ્ય અને વ્યવહારુ છે, એનાથી વધારે સમય શૂટિંગ કરવું યોગ્ય નથી. જોકે ૮ કલાકની શિફ્ટની આ માગણી શા માટે થઈ રહી છે એ સમજવાની જરૂર છે. દીપિકાએ આ ચર્ચાની શરૂઆત કરી છે એટલે એ જાણવું જોઈએ કે તે ૮ કલાકની શિફ્ટ શું કામ ઇચ્છે છે. આ જાણ્યા વગર કમેન્ટ કરવાનો અર્થ નથી. રશ્મિકા સતત ૧૨ કલાક સુધી કામ કરે છે અને તેણે ક્યારેય નથી કહ્યું કે તે થાકી ગઈ છે, કારણ કે તે કદાચ જીવનના એવા તબક્કે છે જ્યારે તે આટલા કલાકો સુધી કામ કરી શકે છે. જોકે આ દરેક માટે ફરજિયાત ન હોવું જોઈએ. મને લાગે છે કે ડિરેક્ટર અને ઍક્ટર જો એકસરખું વિચારતા હોય તો જ સારી રીતે કામ થઈ શકે છે.’


