આ ગીત ફિલ્મના પ્રમોશન માટે બનાવવામાં આવ્યું હતું અને એનો ફિલ્મમાં સમાવેશ નહોતો કરાયો.
શાહ રૂખ ખાનની તસવીર
શાહરુખ ખાનની ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘ફૅન’નું ‘મૈં તેરા જબરા ફૅન હો ગયા’ ગીત ખૂબ ફેમસ થયું હતું. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી. આ ગીત ફિલ્મના પ્રમોશન માટે બનાવવામાં આવ્યું હતું અને એનો ફિલ્મમાં સમાવેશ નહોતો કરાયો. એને લઈને આફરીન ફાતિમા ઝૈદીએ નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગમાં ફિલ્મમેકર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સાથે જ વળતરપેટે દસ હજાર રૂપિયાની માગણી કરી હતી. તેનું કહેવું હતું કે ફિલ્મમાં ‘જબરા ફૅન’ ગીતની ગેરહાજરીથી તે અને તેનાં બાળકો નિરાશ થયાં હતાં એટલું જ નહીં, તેમનાં બાળકોની તબિયત પણ બગડી હતી. એથી આયોગે આફરીનનો પક્ષ લેતાં જણાવ્યું કે ગ્રાહક સંરક્ષણ કાયદા હેઠળ ફિલ્મનું આવી રીતે પ્રમોશન કરવું અયોગ્ય કહેવાય. આયોગના આ ફેંસલાને યશરાજ ફિલ્મ્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. એમાં તેમણે દલીલ કરી કે આ પૂરી રીતે પ્રમોશનલ સૉન્ગ હતું અને એનો ફિલ્મમાં ઉમેરો કરવામાં આવે એવું ફરજિયાત નથી. આવી રીતે રાષ્ટ્રીય ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગના ફેંસલાને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો છે. એથી યશરાજ ફિલ્મ્સને હવે રાહત મળી છે.