‘બટવારા 1947’માં સની દેઓલને સૌથી વધુ ૬૦ કરોડ રૂપિયા ફી મળ્યાનો રિપોર્ટ છે. પ્રીતિ ઝિન્ટાએ ૧૦ કરોડ અને અલી ફઝલે ૭ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે.
સની દેઓલ
રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે અને તેની સાથે લીડ ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા જોવા મળશે. આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે ત્યારે હવે ફિલ્મના કલાકારોની ફી ચર્ચામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ માટે સૌથી વધુ ફી સની દેઓલને મળી છે. ‘ગદર 2’ અને ‘બૉર્ડર 2’ જેવી સફળ ફિલ્મો બાદ સનીએ પોતાના પાત્ર માટે ૬૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એવી પણ ચર્ચા છે કે તેની ફીમાં નક્કી રકમ ઉપરાંત ફિલ્મના નફામાં ભાગીદારી પણ સામેલ હોઈ શકે છે.
લીડ ઍક્ટ્રેસ તરીકે લાંબા સમય બાદ કમબૅક કરી રહેલી પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, જ્યારે અલી ફઝલને ૭ કરોડ રૂપિયા મળ્યા હોવાની માહિતી મળી છે. ફિલ્મના અન્ય મહત્ત્વના કલાકારોમાંના એક અભિમન્યુ સિંહની ફી લગભગ બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ફિલ્મના બજેટને લઈને પણ અલગ-અલગ દાવા સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં એનું બજેટ લગભગ ૧૫૦ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે, જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે ફિલ્મ લગભગ ૬૦થી ૬૫ કરોડ રૂપિયામાં તૈયાર થઈ છે. જોકે આમિર ખાન પ્રોડક્શન્સ અથવા ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી બજેટને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
