પુત્રવધૂ પર આવો આરોપ મૂકીને સંજય કપૂરની માતા રાની કપૂરે કોર્ટમાં કરી પોતાના હિસ્સાની માગણી
રાની કપૂર
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની પ્રૉપર્ટી વિશેનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધી સંજયની ત્રીજી પત્ની પ્રિયા કપૂર પાસે મિલકતની સંપૂર્ણ દાવેદારી હતી. જોકે હવે કરિશ્મા કપૂરનાં બાળકો અને સંજય કપૂરની માતા રાની કપૂર પણ આ પ્રૉપર્ટીમાં હિસ્સો માગી રહ્યાં છે. સંજયની માતાએ તો કોર્ટમાં પ્રિયા પર પોતાના દીકરાની મિલકત હડપવાનો પણ આરોપ મૂક્યો છે.
કોર્ટમાં રાની કપૂરે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે ‘મારા દીકરાએ શું મને નોધારી છોડી દીધી? હું ૮૦ વર્ષની છું. આજે મારી પાસે કંઈ જ નથી. મેં વસિયત વિશે સવાલ કરતી ઓછામાં ઓછી ૧૫ ઈ-મેઇલ લખી છે, પણ એમાં શું છે એ વિશે મને એક શબ્દ પણ જણાવવામાં આવ્યો નથી. આ સદંતર ખોટું છે. મારા દીકરાની સંપત્તિમાંથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી તો મારી હોવી જોઈતી હતી. મારા દીકરાની કંપની સોના કૉમસ્ટારની સંપત્તિઓ વેચાઈ ગઈ છે. અમને એ પણ ખબર નથી કે એને કોણે વેચી છે. ૫૦૦ કરોડ રૂપિયાના શૅર સિંગાપોરની એક સંસ્થાને વેચાઈ ગયા છે. મારી સાથે કોઈ પણ દસ્તાવેજ શૅર કરવામાં આવ્યા નથી.’
ADVERTISEMENT
સંજય કપૂરની રજૂ કરાયેલી વસિયત નકલી સાબિત થશે તો કોને શું મળશે?
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું આ વર્ષે જૂનમાં બ્રિટનમાં પોલો રમતી વખતે કાર્ડિઍક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. સંજય કપૂરના અવસાનને હજી છ મહિના પણ થયા નથી અને તેની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. હાલમાં કરિશ્માનાં બાળકોએ કોર્ટમાં અરજી કરીને તેની ૨૧ માર્ચની વસિયતને પડકારી છે, જેમાં કથિત રીતે સંજયની તમામ અંગત સંપત્તિ તેમની સાવકી માતા પ્રિયા કપૂરના નામે કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સંજય કપૂર, પ્રિયા કપૂર કે પછી અન્ય કોઈ વ્યક્તિએ ક્યારેય વસિયત વિશે ઉલ્લેખ નથી કર્યો. અરજીમાં લખવામાં આવ્યું છે કે કથિત વસિયત પ્રિયાએ તૈયાર કરાવી છે અને એ નકલી છે. આ મામલામાં જો કોર્ટમાં સંજય કપૂરની વસિયત નકલી સાબિત થાય તો હિન્દુ ઉત્તરાધિકાર કાયદા અનુસાર સંજય કપૂરની સંપત્તિ ક્લાસ-1 વારસદારો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. આ ક્લાસ-1 વારસદારોમાં પ્રિયા કપૂર (વિધવા), રાની કપૂર (માતા), સમાઇરા કપૂર (પુત્રી), કિઆન રાજ કપૂર (પુત્ર) અને અઝેરિયસ કપૂર (પુત્ર)નો સમાવેશ થાય છે. જો વસિયત નકલી હોવાનું સાબિત થાય તો સંપત્તિ પાંચ ભાગમાં વહેંચાશે એટલે કે દરેક વારસદારને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો પાંચમો ભાગ (આશરે 6,000 કરોડ રૂપિયા) મળશે.


