ટીવી-સિરિયલમાં લક્ષ્મણનો રોલ કરનાર સુનીલ લાહિરીએ ફિલ્મ જોઈને કહ્યું કે તેને વાર્તા કહેવાની શૈલી પસંદ નથી પડી.
સુનીલ લાહિરી
રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી-સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા સુનીલ લાહિરીએ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે ફિલ્મનાં ભવ્ય દૃશ્યો, વર્લ્ડ ક્લાસ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને કલાકારોના અભિનયનાં વખાણ કર્યાં છે, પણ ફિલ્મની વાર્તા કહેવાની શૈલીથી તેને સંતોષ નથી.
સુનીલ લાહિરીએ સોશ્યલ મીડિયામાં ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘નવી ‘રામાયણ’ જોવાનો મને અવસર મળ્યો. ખૂબ મોટા બજેટની અને અત્યંત ભવ્ય ફિલ્મ છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ વર્લ્ડ ક્લાસ છે. ફિલ્મનું પિક્ચરાઇઝેશન ખૂબ સુંદર છે અને આંખોને ખૂબ ગમે એવું છે. આ ફિલ્મમાં તમામ કલાકારોએ તેમને સોંપવામાં આવેલી ભૂમિકાઓ ખૂબ સારી રીતે અને પૂરા દિલથી ભજવી છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યો ઉત્કૃષ્ટ છે, પણ મારા મતે ફિલ્મમાં ખાસ કરીને ભાવનાત્મક દૃશ્યો અને સંવાદો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. કેટલાંક દૃશ્યો તો છે જ નહીં. જેમ કે પરશુરામવાળું દૃશ્ય મને નબળું લાગ્યું. અહલ્યાવાળું દૃશ્ય તો ફિલ્મમાં છે જ નહીં. શૂર્પણખા અને રામજી વચ્ચે જે સંવાદ થાય છે એમાં શૂર્પણખા જે રીતે રામજીને સંબોધે છે એ પણ મને યોગ્ય લાગ્યું નથી. આવાં બીજાં પણ ઘણાં દૃશ્યો છે જે નબળાં છે અને જેમાં ભક્તિભાવ તથા દિવ્યતા ઓછી લાગે છે. મારા મતે આ ફિલ્મ શક્તિપ્રધાન વધારે છે અને ભક્તિપ્રધાન ઓછી છે. ઘણાં દૃશ્યોમાં સંવાદોની રજૂઆત પણ ગરિમાપૂર્ણ નહોતી. રાવણના પાત્રનું ખૂબ વધારે મહિમામંડન કરવામાં આવ્યું છે. તમે સૌ ફિલ્મ જુઓ અને તમારા વિચારો શૅર કરો.’
