અંધેરી-ઈસ્ટના ચકાલામાં ગુરુવારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળતાં એક મહિલા અને ૧૩ વર્ષની ટીનેજર ઘાયલ થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટના ચકાલામાં ગુરુવારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળતાં એક મહિલા અને ૧૩ વર્ષની ટીનેજર ઘાયલ થઈ હતી. આ ઘટના ૭.૩૫ વાગ્યે કાજુવાડીમાં આવેલી એક ચાલમાં બની હતી. ગ્રાઉન્ડ પ્લસ વનના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં સિલિન્ડરના મુખ્ય વાલ્વમાંથી અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગની અસર ટીનેજર અને મહિલા બન્નેએ પહેરેલાં કપડાં અને રસોડામાં રહેલી અન્ય વસ્તુઓ પર થઈ હતી. આગ લગભગ ૩ ચોરસ ફુટના વિસ્તારમાં ફેલાઈ હતી. સાંજે ૮.૦૪ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. રુતિકા ગૌડ પચીસ ટકા અને નેહા ગૌડ ૧૪ ટકા દાઝી ગઈ છે. બન્નેને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
