શ્રદ્ધા ફરીથી દિનેશ વિજન સાથે એક પ્રોજેક્ટ સાઇન કરવાની તૈયારીમાં છે અને આ ફિલ્મનું ડિરેક્શન ‘છાવા’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર કરવાના છે.
શ્રદ્ધા કપૂર
હાલમાં શ્રદ્ધા કપૂરને મુંબઈમાં મૅડૉક ફિલ્મ્સની ઑફિસની બહાર જોવામાં આવી હતી અને તેની આ મુલાકાત ચર્ચાસ્પદ બની ગઈ હતી. હવે માહિતી મળી છે કે ‘સ્ત્રી 2’ની જબરદસ્ત સફળતા પછી શ્રદ્ધા ફરીથી દિનેશ વિજન સાથે એક પ્રોજેક્ટ સાઇન કરવાની તૈયારીમાં છે અને આ ફિલ્મનું ડિરેક્શન ‘છાવા’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર કરવાના છે.
મૅડૉક ફિલ્મ્સ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે ‘લક્ષ્મણ ઉતેકર અને શ્રદ્ધાએ એક સ્ક્રિપ્ટની ચર્ચા કરી જે શ્રદ્ધાને ખૂબ પસંદ આવી છે. હજી કોઈ ઍગ્રીમેન્ટ નથી થયું પણ શ્રદ્ધા આ ફિલ્મમાં કામ કરવા તૈયાર છે. આ ફિલ્મ એક મરાઠી નવલકથા પર આધારિત છે અને એમાં શ્રદ્ધા એક મહારાષ્ટ્રિયનની ભૂમિકા ભજવશે. હાલમાં અન્ય તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. આ ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે ટોચનો સ્ટાર સાઇન કરવાનું પ્લાનિંગ છે. આ વાતચીત હાલમાં પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ આ પ્રોજેક્ટ સાકાર થવાની શક્યતાઓ વધુ છે કારણ કે શ્રદ્ધા કપૂર અને મૅડૉક ફિલ્મ્સના સંબંધો બહુ સારા છે.’


