પિરામલ મહાલક્ષ્મી સાઉથ ટાવર જેવા પ્રોજેક્ટમાં ૬.૨૪ કરોડ રૂપિયાના ફ્લૅટનું રજિસ્ટ્રેશન ૧૩ જાન્યુઆરીએ કરાવ્યું હતું
શ્રદ્ધા કપૂર પિતા શક્તિ કપૂર સાથે
શ્રદ્ધા કપૂરે પિતા શક્તિ કપૂર સાથે મળીને મુંબઈમાં પિરામલ મહાલક્ષ્મી સાઉથ ટાવર જેવા ખ્યાતનામ પ્રોજેક્ટમાં ૬.૨૪ કરોડ રૂપિયા આપીને લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીએ કરાવ્યું હતું. આ અપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૧૦૪૨.૭૩ ચોરસ ફુટ છે જેમાં બે બાલ્કનીનો સમાવેશ છે. આમ આ ફ્લૅટના પ્રતિ ચોરસ ફુટનો ભાવ ૫૯,૮૭૫ રૂપિયા જેટલો ગણી શકાય. આ પ્રાપર્ટીનું વેચાણ ગ્લાઇડર બિલ્ડકોન રિયલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ મામલે શ્રદ્ધા કે રિયલ એસ્ટેટ ડેવલપરે કોઈ સ્પષ્ટતા નથી કરી.
પિરામલ મહાલક્ષ્મી સાઉથ ટાવર પ્રોજેક્ટ એના રેસકોર્સ-વ્યુ અને સી-વ્યુ માટે જાણીતો છે. મુંબઈની લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં આ પ્રોજેક્ટ આગળ પડતો ગણાય છે. એમાં બે અને ત્રણ બેડરૂમ એમ બન્ને પ્રકારના વિકલ્પ છે.
કરીઅરની રીતે જોઈએ તો હાલમાં શ્રદ્ધા કપૂરની કરીઅર બહુ સારી ચાલી રહી છે. ૨૦૨૪નું વર્ષ શ્રદ્ધા માટે બહુ સારું સાબિત થયું હતું. તેની ફિલ્મ ‘સ્ત્રી 2’ સફળતાની દૃષ્ટિએ શાહરુખ ખાનની ‘જવાન’ કરતાં આગળ નીકળી ગઈ હતી.
ADVERTISEMENT
તેના ભવિષ્યના પ્રોજેક્ટની વાત કરીએ તો ચર્ચા છે કે તે ‘ધૂમ 4’માં રણબીર કપૂર સાથે જોવા મળશે. રણબીર અને શ્રદ્ધાની જોડી ૨૦૨૩ની ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં જોવા મળી હતી અને લોકોને એ જોડી બહુ ગમી હતી.


