કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝનાં બે મોઢે વખાણ કર્યાં
શશી થરૂર
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ને કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે OTTનું ગોલ્ડ ગણાવીને એની ભારે પ્રશંસા કરી છે. હકીકતમાં શશી થરૂરને ભારે શરદી અને ઉધરસ થઈ જતાં તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી બે દિવસનો બ્રેક લીધો હતો. આ દરમ્યાન તેમણે ‘The Ba***ds of Bollywood’ જોઈ અને તેમને આ સિરીઝ બહુ પસંદ પડી છે. આ સિરીઝ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં શશી થરૂરે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મને બે દિવસથી શરદી અને ઉધરસની સમસ્યા હતી એટલે મેં બાકીનાં તમામ કામ રદ કરી દીધાં હતાં. સ્ટાફ અને મારી બહેનના સૂચન પછી મેં નેટફ્લિક્સની આ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ જોઈ અને કહેવું પડશે કે OTTનું ગોલ્ડ છે.’
શશી થરૂરે આ પોસ્ટમાં આર્યન ખાનના ડિરેક્શનનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘આ સિરીઝની લેખનશૈલી અત્યંત સ્ટ્રૉન્ગ છે અને ડિરેક્શન દમદાર છે. આવી વાર્તા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ચમક-દમક પાછળ છુપાયેલી સાચી વાતોને સામે લાવે છે. આ શો ધીમે-ધીમે એની પકડ મજબૂત કરે છે અને પછી તમે એમાંથી નીકળી શકતા નથી. દરેક સીનમાં એવી એક ઈમાનદારી અને સ્પષ્ટતા છે જે બૉલીવુડમાં ઘણા સમયથી નથી જોવા મળી.’


