શાહરુખ ખાન તેની સ્કૂલ-લાઇફમાં બહુ સારો વિદ્યાર્થી હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો
શાહરુખ ખાન
શાહરુખ ખાન તેની સ્કૂલ-લાઇફમાં બહુ સારો વિદ્યાર્થી હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે એક તબક્કે તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી લીધી હતી. જોકે એ વાત અલગ છે કે તેણે IITમાંથી એન્જિનિયર બનવાને બદલે પોતાની પસંદગીનો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું.
પોતાના જીવનના આ નિર્ણય વિશે વાત કરતાં શાહરુખે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મેં સ્કૂલમાં સાયન્સનો અભ્યાસ કર્યો હતો, પરંતુ હું કૉલેજમાં અલગ વિષય લેવા માગતો હતો. જ્યારે મેં આ વાત મારી માતાને કહી તો તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે તું વિજ્ઞાનમાં જાય. તેમણે મને આગ્રહ કર્યો કે શું તું IITની પ્રવેશ-પરીક્ષા આપી શકે છે? તેમના આગ્રહને માન આપીને મેં પરીક્ષા આપી અને પાસ થઈ ગયો. પછી તેમણે કહ્યું કે તારે આ આપવાની જરૂર નથી, હવે તું જઈને અર્થશાસ્ત્રની પરીક્ષા આપી શકે છે. આ પછી મેં અર્થશાસ્ત્રમાં જ ગ્રૅજ્યુએશન કરવાનું પસંદ કર્યું હતું. અમારા ઘરમાં બધાં બાળકોને પોતાની મરજી પ્રમાણે નિર્ણયો લેવાની છૂટ હતી.’


