TIME100 રીડર પોલ દ્વારા દુનિયાભરની ઘટનાને લઈને સર્વે કરવામાં આવ્યો છે
શાહરુખ ખાન
શાહરુખ ખાન TIME100ના રીડર પોલમાં નંબર વન સ્થાને પહોંચી ગયો છે. મૅગેઝિનના આ લિસ્ટ માટે ૧.૨ મિલ્યન વોટ કરવામાં આવ્યા હતા અને એમાંથી ૪ ટકા માત્ર શાહરુખને મળ્યા હતા. શાહરુખ હાલમાં ‘પઠાન’ની સફળતાને માણી રહ્યો છે અને હવે TIME100ના લિસ્ટમાં ટૉપ પર આવવું તેના માટે ડબલ સેલિબ્રેશન છે. શાહરુખ બાદ બીજા સ્થાને ઈરાનમાં પ્રદર્શન કરનારી મહિલાઓ આવે છે જેણે બાવીસ વર્ષની મહિલા મહસા અમીનીના નિધન બાદ પોતાના અધિકાર માટે દેખાવ કર્યો હતો. મહસાનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે પોતાના હીજાબ દ્વારા માથાને બરાબર રીતે ઢાંક્યું નહોતું. આ કારણસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને તે પોલીસ-સ્ટેશનમાં ઢળી પડી હતી. બાદમાં ત્રણ દિવસ બાદ તેનું અવસાન થયું હતું. ઈરાનની આ મહિલાઓને કુલ વોટના ત્રણ ટકા વોટ મળ્યા હતા. ગયા વર્ષે આ મહિલાઓને રીડર પોલનો ‘પર્સન ઑફ ધ યર’નો ખિતાબ મળ્યો હતો. ત્યાર બાદ ત્રીજા સ્થાને બ્રિટનના પ્રિન્સ હૅરી અને તેમની વાઇફ મેગન મર્કલ ચોથા સ્થાને છે. તેમના રૉયલ ફૅમિલીને લઈને આ વર્ષે તેમની મેમ્વાર ‘સ્પેર’ રિલીઝ થઈ હતી. ૧.૮ ટકાના વોટ સાથે પાંચમા સ્થાને આવે છે આર્જેન્ટિનાના ફુટબૉલ લેજન્ડ લિયોનેલ મેસી. ગયા વર્ષે ફ્રાન્સ સાથે ફુટબૉલ વર્લ્ડ કપમાં મેસીએ મેળવેલી જીત બેજોડ રહી હતી. બાદમાં ઑસ્કર વિજેતા મિશેલ યોહ છઠ્ઠા નંબરે, સાતમા નંબરે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સેરેના વિલ્યમ્સ, મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ આઠમા નંબરે અને નવમા સ્થાને બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇ ઇન્સિયો લૂલા દા સિલવા આવે છે. આ લિસ્ટની સત્તાવાર જાહેરાત ૧૩ એપ્રિલે કરવામાં આવશે.


