શાહરુખ ખાને આવી રીતે હિંમત દેખાડીને કર્યો હતો અન્ડરવર્લ્ડની ધમકીઓનો સામનો
શાહરુખ ખાન
હિન્દી સિનેમામાં એક સમય એવો આવ્યો હતો જ્યારે અન્ડરવર્લ્ડ તરફથી મળતી ધમકીઓ અને હુમલાઓને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. એ દરમ્યાન અનેક મોટા સુપરસ્ટાર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી જેમાં શાહરુખ ખાનનું નામ પણ સામેલ હતું.
જોકે ફિલ્મમેકર સંજય ગુપ્તાનો દાવો છે કે એ સમયગાળામાં એકમાત્ર શાહરુખ ક્યારેય અન્ડરવર્લ્ડના દબાણમાં આવ્યો નહોતો. આ સમયગાળા વિશે વાત કરતાં સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘મનીષા કોઇરાલાના સેક્રેટરી અજિત દેવાણી ખૂબ જ સીધાસાદા માણસ હતા પણ એક દિવસ કોઈ તેમના ઑફિસમાં આવ્યું અને તેમને ગોળી મારીને જતું રહ્યું. આ પછી રાકેશ રોશન પર પણ ગોળી ચલાવવામાં આવી હતી. અમે લોકો એ સમયે સરળ અને સૉફ્ટ ટાર્ગેટ હતા. આ માત્ર ખંડણી માટે આવતા કૉલ્સ નહોતા, મામલો આનાથી ઘણો અલગ હતો. એ સમયગાળામાં લગભગ દરેક મોટા અભિનેતા અને અભિનેત્રીને અન્ડરવર્લ્ડની ફિલ્મોમાં કામ કરવા માટે કાગળો પર સાઇન કરાવી લેવામાં આવતી હતી. એટલું જ નહીં, અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સેટ પર પણ આવીને બેસી જતા હતા. એ સમયે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં શાહરુખ જ બધાથી અલગ હતો. જ્યારે શાહરુખને ધમકી આપવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે ફિલ્મ તો ક્યારેય નહીં કરું, શો પણ નહીં કરું, પઠાન હૂં... ગોલી મારની હૈ તો માર દો, એનાથી હું ડરતો નથી. આમ શાહરુખે ભારે હિંમતથી અન્ડરવર્લ્ડની ધમકીઓનો સામનો કર્યો હતો.’
