સલમાને ભાઈ અરબાઝના દીકરા અરહાન અને તેના મિત્રોની સારી રીતે હિન્દી ન બોલવા બદલ આકરી ટીકા કરી હતી
સલમાન ખાન ભત્રીજા અરહાન સાથે
સલમાન ખાન તાજેતરમાં ભત્રીજા અરહાન ખાનના પૉડકાસ્ટ શો ‘દમ બિરયાની’માં આવ્યો હતો. આ એપિસોડમાં સલમાને ભાઈ અરબાઝના દીકરા અરહાન અને તેના મિત્રોની સારી રીતે હિન્દી ન બોલવા બદલ આકરી ટીકા કરી હતી. સલમાને તેમને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ કે તમે સારી રીતે હિન્દી બોલી શકતા નથી. આ એપિસોડ ૨૦૨૪માં શૂટ થયો હતો, પરંતુ અત્યારે રિલીઝ થયો છે.
મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાને ૨૦૨૪માં પોતાનો પૉડકાસ્ટ શો શરૂ કર્યો હતો. ગયા અઠવાડિયે તેણે કાકા સલમાન ખાન અને ખાન પરિવારના યંગસ્ટર્સ સાથે એક ટીઝર લૉન્ચ કર્યું હતું. એ ટીઝરમાં બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા એથી સલમાને અરહાન અને તેના મિત્રોને ટોકીને કહ્યું કે પહેલાં તો તમે આ બધું હિન્દીમાં કરો. અરહાને હસતાં જવાબ આપ્યો કે આ બધાને હિન્દી નથી આવડતી.
ADVERTISEMENT
સલમાનની સલાહનો જવાબ આપતાં અરહાનનો એક મિત્ર કહે છે, ‘અમારું હિન્દી ખૂબ ખરાબ છે.’ સલમાન મજાકમાં તેમના શબ્દોને પુનરાવર્તિત કરે છે અને કહે છે કે હવે હિન્દીમાં વાત કરજો અને હું એને કરેક્ટ કરીશ. એ પછી સલમાન તેમને ઠપકો આપતાં કહે છે, ‘તમને પોતાની જાત પર શરમ આવવી જોઈએ કે તમને હિન્દી નથી આવડતી. તમારે દર્શકોને ધ્યાનમાં રાખવા જોઈએ જેઓ સંપૂર્ણપણે હિન્દી બોલે છે. શું તમે આ માત્ર તમારા માટે કરી રહ્યા છો? કોઈને બતાવવા માટે નહીં?’

