મુલાકાત પછી અર્પિતાએ કહ્યું કે આ અનુભવ મારા માટે જીવનનો ખાસ મોકો હતો.
સલમાન ખાનની બહેન અર્પિતા ખાન
સલમાન ખાનની બહેન અર્પિતા ખાને હાલમાં બાળકો અને પરિવાર સાથે વારાણસીની મુલાકાત લીધી હતી. અહીં તેણે પરિવાર સાથે કાશીના પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી અને પછી મા ગંગાનું વૈદિક રીતે પૂજન પણ કર્યું હતું. અર્પિતાએ ગંગાપૂજન પછી એક કલાક સુધી ગંગા આરતીમાં હાજરી આપી હતી અને આરતીની પવિત્રતા અને દિવ્યતા જોઈને માતા ગંગાને નમન કર્યું હતું.
આ મુલાકાત વખતે અર્પિતાને ગંગા સેવા નિધિના અધ્યક્ષ તેમ જ બીજા લોકોએ અંગવસ્ત્ર તેમ જ મેમેન્ટો આપીને તેનું સન્માન કર્યું હતું. આ મુલાકાત પછી અર્પિતાએ જણાવ્યું હતું કે ‘મારા માટે આ જીવનનો ખાસ મોકો હતો. બનારસ આવીને ગંગા આરતીમાં હાજરી આપવી અને આ પવિત્ર આયોજનમાં સમગ્ર પરિવાર સાથે સામેલ થવાની તક મળવી એ સપના જેવું છે.’
ગંગા આરતી જોઈને અર્પિતાએ વિઝિટર-બુકમાં પોતાની લાગણી જણાવી હતી અને આરતી વખતે પણ તે પોતાના ફોનથી એનાં વિઝ્યુઅલ ક્લિક અને શૂટ કરતી જોવા મળી હતી જેને તેણે પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે.


