સલમાને તેના ભાઈ અને સીમા સજદેહના ડિવૉર્સની મજાક ઉડાડી
સોહેલ અને સીમા સજદેહ
હાલમાં જ લૉન્ચ થયેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાને ફૅન્સને મજા કરાવી દીધી હતી. શોમાં સલમાને ઘણા આશ્ચર્યજનક કિસ્સા શૅર કર્યા. આ દરમ્યાન તેણે ભાઈ સોહેલ અને સીમા સજદેહના છૂટાછેડાની પણ મજાક ઉડાડી હતી. તેની આ મજાક સાંભળીને અર્ચના પૂરણસિંહ અને નવજોત સિંહ સિધુ પણ હસતાં-હસતાં લોટપોટ થઈ ગયાં.
સલમાન ખાને જણાવ્યું કે તેના ઘરના દરવાજા દરેક માટે ખુલ્લા છે. તેના ઘરે કોઈ પણ આવીને રહી શકે છે કે પાર્ટી કરી શકે છે. સલમાને પછી મિત્ર અને ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકરનું ઉદાહરણ આપ્યું કે તે ભાડે રહેવા માટે ફ્લૅટ ગોતી રહ્યો હતો એટલે સલમાનના ઘરે બે-અઢી મહિના રહેવા આવ્યો, પરંતુ બે વર્ષ વીતી ગયાં હોવા છતાં તેણે જવાનું નામ ન લીધું.
સલમાને જ્યારે અવિનાશને પૂછ્યું કે તે ફ્લૅટ ભાડે લેવાનો હતો એનું શું થયું અને તે ક્યારે જશે તો અવિનાશે જવાબ આપ્યો કે તેણે ફ્લૅટ તો સલમાનના ઘરે શિફ્ટ થયાના પંદર દિવસ પછી જ લઈ લીધો હતો, પરંતુ પછી ભાડે આપી દીધો હતો. આ સાંભળીને સલમાન આશ્ચર્યચકિત થઈ ગયો.
ADVERTISEMENT
સલમાને પછી ભાઈ સોહેલ ખાનનાં લગ્ન વિશે વાત કરી. તેણે કહ્યું કે સોહેલે ભાગીને રાતોરાત લગ્ન કર્યાં એટલે તેણે અવિનાશ ગોવારીકરને રૂમ ખાલી કરવા કહ્યું હતું. આ કિસ્સો સંભળાવતી વખતે સલમાને પછી સોહેલના છૂટાછેડાની મજાક કરી અને કહ્યું કે ‘એ દરમ્યાન સોહેલે ભાગીને લગ્ન કરી લીધાં, પણ હવે તે પણ ભાગી ગઈ છે.’ સલમાનની આ કમેન્ટ સાંભળીને બધા હસવા લાગ્યા હતા.
તેરે નામના લુકની પ્રેરણા હતા અબ્દુલ કલામ
સલમાન ખાનની ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘તેરે નામ’ તેની કરીઅરની મોટી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે ઘણા ટ્રેન્ડ્સ સેટ કર્યા હતા. આ ફિલ્મનો સલમાનનો લુક ખૂબ હિટ રહ્યો હતો. તેમના લાંબા વાળવાળા લુકને લોકોએ ખૂબ ફૉલો કર્યો હતો. હવે સલમાને આ લુકને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. કૉમેડી કિંગ કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ની નવી સીઝનના પહેલા એપિસોડમાં સુપરસ્ટાર સલમાન મહેમાન તરીકે જોવો મળ્યો હતો. સલમાને આ શોમાં ખૂબ મસ્તી કરી અને સાથે જ પોતાની ફિલ્મો વિશે પણ વાત કરી. આ દરમ્યાન સલમાને પોતાની સુપરહિટ ફિલ્મ ‘તેરે નામ’માં તેના લાંબા વાળવાળા લુકને લઈને એક ખુલાસો કર્યો. સલમાને જણાવ્યું કે ‘તેરે નામ’નો તેનો લુક વાસ્તવમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામસાહેબથી પ્રેરિત હતો. તેણે એ પણ જણાવ્યું કે એક ફિલ્મમાં અભિનેતા રાહુલ રૉયની હૅરસ્ટાઇલ પણ આવી જ હતી.

