ગઈ કાલે સંજય દત્તનો ૬૫મો બર્થ-ડે હતો, એ નિમિત્તે તેને શુભેચ્છા આપતાં તેની સાથે જોડાયેલી મીઠી યાદોને સાયરા બાનુએ શૅર કરી છે
સાયરા બાનુ
સંજય દત્ત જ્યારે નાનો હતો ત્યારે તેને વીતેલા જમાનાનાં અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કરવાં હતાં. ગઈ કાલે સંજય દત્તનો ૬૫મો બર્થ-ડે હતો. એ નિમિત્તે તેને શુભેચ્છા આપતાં તેની સાથે જોડાયેલી મીઠી યાદોને સાયરા બાનુએ શૅર કરી છે. ઇન્સ્ટાસ્ટોરી પર સાયરા બાનુએ લખ્યું કે ‘સંજય દત્ત હંમેશાં મારા માટે ફૅમિલી જેવો રહ્યો છે. મારો આખો પરિવાર, અમ્માજી, અપ્પાજીથી માંડીને સાહિબ (દિલીપકુમાર) અને મેં તેને નાનપણથી માંડીને આજે તે જે સ્થાને છે ત્યાં પહોંચતાં જોયો છે. મને આજે પણ યાદ છે કે નર્ગિસ આપા અમારા ઘરે કોઈ ફંક્શનમાં આવતાં અને ક્યુટ અને વહાલો દેખાતો તે તેમની સાથે આવતો હતો.
નર્ગિસજી હાથ મિલાવતાં અને સંજુને કહેતાં કે ‘ચલો, સાયરાજી કો બોલો તુમ ક્યા બોલતે હો મુઝે?’ અને સંજુ મારી સામે જોઈને તેની કાલીઘેલી ભાષામાં કહેતો કે ‘મૈં શાયલા બાનુ સે શાદી કરુંગા.’ એ સાંભળીને ખૂબ મજા પડતી. મને અને શર્મિલા ટાગોરને એમ લાગતું કે અમે બન્ને સંજુનાં ફેવરિટ છીએ. મારા પ્રેમ અને આશીર્વાદ સાથે હું તેને હૅપી બર્થ-ડે વિશ કરવા માગું છું.’

