આમિરે ત્રણ અઠવાડિયાંમાં ૧૩ કિલો વજન કેવી રીતે ઉતાર્યું?

આમિર ખાને ‘દંગલ’ માટે વજન વધાર્યું હતું અને શૂટિંગ દરમ્યાન તેનું વજન ૯૫ કિલો હતું. તે હવે ફિલ્મના બીજા શેડ્યુલ માટે વજન ઉતારી રહ્યો છે અને ફક્ત ત્રણ જ અઠવાડિયાંમાં તેણે ૧૩ કિલો વજન ઉતારી કાઢ્યું છે.
ADVERTISEMENT

આ વિશે જ્યારે આમિરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેનું વજન ઉતારવાના રાઝ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘મારે ‘દંગલ’ માટે ૯૫ કિલો સુધીનું વજન વધારવાનું હતું. મારે જે દૃશ્યો માટે વજન વધારવાનું હતું એ શૂટ થઈ ગયાં છે અને હવે હું વજન ઉતારી રહ્યો છું. હાલમાં મારું વજન ૮૨ કિલો છે અને હવે મારે વધુ ૧૨ કિલો વજન ઉતારવાનું છે. એનો મતલબ એ થયો કે હું અડધે સુધી તો પહોંચી ગયો છું. હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી અમેરિકામાં હતો જ્યાં હું વજન ઉતારવાની ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો. હું એ દરમ્યાન જુદા-જુદા પ્રકારની કસરત કરી રહ્યો હતો. દિવસના છથી સાત કલાક હું કસરત પાછળ કાઢતો હતો. એ દરમ્યાન હું ટ્રેકિંગ, માઉન્ટન બાઇકિંગ, ટેનિસ રમવું અને સ્વિમિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરતો હતો.’


