પહેલી વાર પતિ મુકુલ ચઢ્ઢા સાથે સ્ક્રીન પર સાથે કામ કરી રહી છે રસિકા
મુકુલ ચઢ્ઢા
રસિકા દુગ્ગલ પહેલી વાર તેના પતિ મુકુલ ચઢ્ઢા સાથે સ્ક્રીન પર જોવા મળશે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી ઘણા ઍક્ટર્સ તેમની પસંદગીનું કામ કરી રહ્યા હતા. આ સમય દરમ્યાન રસિકા અને મુકુલ એક શૉર્ટ ફિલ્મ ‘બનાના બ્રેડ’ પર કામ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં કામ કરવાની સાથે એની સ્ટોરી પણ તેમણે પોતે લખી છે. આ ફિલ્મનું શૂટિંગ તેમના ઘરમાં જ કરવામાં આવ્યું હતું અને શ્રીનિવાસ સુંદેરાજન દ્વારા એને રિમોટલી ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે રસિકાએ કહ્યું હતું કે ‘આ સમય દરમ્યાન મને કંઈક અલગ અને ઇન્ટરેસ્ટિંગ કરવાની ઇચ્છા થઈ હતી. અમારે ઘરે જ શૂટિંગ કરવાનું હોવાથી હું આ ચૅલેન્જ લેવા માટે ઘણી ઉત્સાહિત હતી. ફ્રેમ સેટ કરવી, પ્રૉપ્સની વ્યવસ્થા કરવી, શૂટિંગ કરવું તેમ જ સાઉન્ડ રેકૉર્ડ કરવો, હેર અને મેકઅપ તેમ જ શૂટિંગ ફાઇલ ટ્રાન્સફર કરવી વગેરે અમારા માટે ચૅલેન્જ હતી. આ માટે અમારે ઘણું કામ કરવું પડ્યું હતું. મેં પહેલી વાર સ્ટોરી લખી છે. તેમ જ આ ફિલ્મમાં મેં ઘણુંબધું પહેલી વાર કર્યું છે.’
ADVERTISEMENT
રસિકા દુગ્ગલ
આ વિશે મુકુલ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘રસિકાએ જ્યારે મને ફિલ્મ બનાવવા વિશે કહ્યું ત્યારે મને એ ખૂબ જ પસંદ પડ્યું હતું અને હું પણ તૈયાર થઈ ગયો હતો. ઘરનું કામ પતાવીને અમે ફિલ્મ વિશે ચર્ચા કરતાં હતાં. કૉફી પીતાં-પીતાં અમારી ચર્ચાનો વિષય ફિલ્મની સ્ટોરી રહેતો. અમે ચાર કન્સેપ્ટ નક્કી કર્યા હતા અને ત્યાર બાદ એક ફાઇનલ કરી એનો ડ્રાફટ તૈયાર કર્યો હતો. ત્યાર બાદ ટેરિબલી ટાઇની ટૉકીઝ અને શ્રીનિવાસ આ ફિલ્મ સાથે જોડાયા. અમારે આ માટે ખૂબ જ કામ કરવું પડ્યું હતું, પરંતુ અમને ખૂબ જ મજા આવી હતી.’

