રાણા દગુબટ્ટીએ કહ્યું કે બૉલીવુડ અને પ્રાદેશિક ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ કન્ડિશન્સ ઘણી અલગ છે
રાણા દગુબટ્ટી
દીપિકા પાદુકોણ અને ‘સ્પિરિટ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે વર્કિંગ મધર્સ માટે ૮ કલાકની શિફ્ટને લઈને થયેલા વિવાદે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે, જે હવે વધતી જઈ રહી છે. મણિરત્નમ, અજય દેવગન, પંકજ ત્રિપાઠી અને કાજોલ જેવી સેલિબ્રિટીઝે દીપિકાની ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડને યોગ્ય ગણાવી છે, જ્યારે કેટલાકે ફિલ્મનિર્માણની ટેક્નિકલ જરૂરિયાતોને કારણે એને અવ્યવહારુ ગણાવી છે.
હવે આ મામલે રાણા દગુબટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે કોઈ કામના કલાકોના મામલે કોઈને દબાણ નથી કરતું અને આ એક કામ છે. રાણા દગુબટ્ટીએ આ સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે ‘હું એવી ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું જ્યાં આ કામ નથી, આ એક લાઇફસ્ટાઇલ છે. બૉલીવુડ અને પ્રાદેશિક ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ કન્ડિશન્સ ઘણી અલગ છે. મહારાષ્ટ્રમાં ૧૨ કલાકની શિફ્ટ હોય છે, તેલુગુમાં ૮ કલાકની શિફ્ટ હોય છે. મહારાષ્ટ્રમાં શિફ્ટ સવારે ૯ વાગ્યે શરૂ થાય છે, જ્યારે તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સવારે ૭ વાગ્યે શરૂ થાય છે. જોકે કોઈ કામના કલાકો માટે કોઈને દબાણ નથી કરતું. દરેક વ્યક્તિની હંમેશાં એક પ્રાયોરિટી હોય છે. દરેક વ્યક્તિ નક્કી કરે છે કે તેમના જીવનમાં શું મહત્ત્વનું છે. એવા પણ અૅક્ટર્સ છે જેઓ ફક્ત ૪ કલાક શૂટિંગ કરે છે. આ તેમની પોતાની સિસ્ટમ છે.’

