કહે છે કે તે પાકિસ્તાનમાં લગ્ન કરશે, ભારતમાં રિસેપ્શન-પાર્ટી રાખશે અને પછી હનીમૂન માટે સ્વિટ્ઝરલૅન્ડ કે નેધરલૅન્ડ્સ જશે
ડોડી ખાન અને રાખી સાવંત
રાખી સાવંત પોતાના બિન્દાસ અને બોલ્ડ અંદાજને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. રાખી અત્યાર સુધી બે વખત લગ્ન કરી ચૂકી છે અને હવે તેણે પાકિસ્તાનમાં ત્રીજાં લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી છે. રાખીએ ખુલાસો કર્યો છે કે તેને લગ્ન માટે ઘણા પ્રસ્તાવ મળી રહ્યા છે અને એમાંથી એક પ્રસ્તાવ વિશે ગંભીરતાથી વિચારી શકે છે. રાખીએ જણાવ્યું કે તે પાકિસ્તાનમાં લગ્ન કરશે, ભારતમાં રિસેપ્શન-પાર્ટી રાખશે અને પછી હનીમૂન માટે સ્વિટ્ઝરલૅન્ડ કે નેધરલૅન્ડ્સ જશે.
મળતી માહિતી પ્રમાણે રાખી સાવંતે પાકિસ્તાનના ઍક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ડોડી ઍક્ટર અને પોલીસ-ઑફિસર છે. પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં રાખી કહે છે કે ‘ભારત અને પાકિસ્તાન એકબીજા વગર રહી ન શકે. મને પાકિસ્તાની લોકો ગમે છે અને મારા ત્યાં ઘણા ફૅન્સ છે. મારાં લગ્ન ઇસ્લામિક રીતરિવાજ પ્રમાણે પાકિસ્તાનમાં થશે. એ પછી હું ભારતમાં રિસેપ્શન-પાર્ટી રાખીશ અને પછી હનીમૂન માટે સ્વિટ્ઝરલૅન્ડ કે નેધરલૅન્ડ્સ જઈશ. લગ્ન પછી અમે દુબઈમાં સેટલ થવાનું પસંદ કરીશું. ભારતીય અને પાકિસ્તાની વચ્ચે લગ્ન એ એકતાનું પ્રતીક છે અને એ બન્ને દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે.’
ADVERTISEMENT
અત્યાર સુધી રાખીનાં બે લગ્ન થયાં છે. તેણે ૨૦૧૯માં નૉન રેસિડન્ટ ઇન્ડિયન (NRI) રિતેશ સાથે લગ્ન કર્યાં હતાં, પણ ૨૦૨૨માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. એ પછી રાખીએ આદિલ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આદિલે પહેલાં તો એ વાતનો ઇનકાર કર્યો હતો, પણ પછી તેણે નિકાહ કર્યા હોવાનું કબૂલ કર્યું હતું. રાખીએ આદિલ સાથે શાદી કરવા માટે ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ પણ બદલાવ્યું હતું. ૨૦૨૩માં રાખીએ મક્કામાં ઉમરાહ કર્યા હતા. રાખી સાથે ડિવૉર્સ લીધા પછી આદિલે ફરી લગ્ન કરી લીધાં હતાં.


