તેજસ્વી ઘોસાળકર શિવસેના (UBT)ના દહિસર મતવિસ્તારની મહિલા પાંખનાં વડાં હતાં
તેજસ્વી ઘોસાળકર અને વિનોદ ઘોસાળકર બન્ને વચ્ચે રાજકીય અંટસ વિધાનસભાની ચૂંટણી વખતે જ પડ્યો હતો
બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશનની ચૂંટણીને એક જ મહિનો બાકી છે ત્યારે ભૂતપૂર્વ નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરે હવે તેમનો પક્ષ શિવસેના (UBT) છોડી દીધો છે અને ગઈ કાલે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના વડા અમીત સાટમ અને વિધાનપરિષદના સભ્ય પ્રવીણ દરેકરની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો હતો. તેજસ્વી ઘોસાળકર શિવસેના (UBT)ના દહિસર મતવિસ્તારની મહિલા પાંખનાં વડાં હતાં. વળી તેમના સસરા વિનોદ ઘોસાળકર પણ શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા છે.
તેજસ્વી ઘોસાળકરના પતિ અભિષેક ઘોસાળકર પણ નગરસેવક રહી ચૂક્યા હતા. તેમની તેમના જ મિત્ર મૉરિસ નોરોનાએ હત્યા કરી હતી અને એ હત્યા ફેસબુક લાઇવ પર અનેક લોકોએ જોઈ હતી.
ADVERTISEMENT
તેજસ્વી ઘોસાળકરે કહ્યું હતું કે ‘મેં શિવસેના માટે મહેનતથી કામ કર્યું હતું અને હવે નવી પાર્ટી માટે પણ એ જ રીતે કામ કરીશ. પાર્ટી મને જે કોઈ જવાબદારી સોંપશે એનો હું સ્વીકાર કરીશ. મારી પાસે કહેવા માટે ઘણુંબધું છે, પણ એ હું હમણાં નહીં કહું.’
તેજસ્વી ઘોસાળકર અને વિનોદ ઘોસાળકર બન્ને વચ્ચે રાજકીય અંટસ વિધાનસભાની ચૂંટણી વખતે જ પડ્યો હતો. તેઓ બન્ને દહિસર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માગતાં હતાં.


