વર્તમાનમાં જે સ્થિતિ છે એ પ્રમાણે તો ફિલ્મની પ્રોડક્શન કૉસ્ટ પણ નથી નીકળતી. એથી આ વર્ષે તો અમે નહીં બનાવીએ, પરંતુ કદાચ આવતા વર્ષે એ બનાવીશું.
રાકેશ રોશન (ફાઈલ તસવીર)
રાકેશ રોશનને બૉક્સ-ઑફિસ પર ફિલ્મોની સ્થિતિને લઈને ચિંતા વધી ગઈ છે. હાલમાં કેટલીય મોટા બજેટની ફિલ્મો પટકાઈ ગઈ છે. એને જોતાં તેમને ‘ક્રિશ 4’ની પણ ચિંતા કોરી ખાય છે. ‘ક્રિશ’ની આ ફ્રૅન્ચાઇઝીને લઈને લોકોમાં પણ આતુરતા છે. ૨૦૦૩માં આવેલી ‘કોઈ મિલ ગયા’ લોકોને ખૂબ ગમી હતી. ત્યાર બાદ ૨૦૦૬માં ‘ક્રિશ’ અને ૨૦૧૩માં ‘ક્રિશ 3’ આવી હતી. છેલ્લાં દસ વર્ષથી ‘ક્રિશ 4’ને લઈને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતાં રાકેશ રોશને કહ્યું કે ‘આજે પણ લોકો થિયેટર્સમાં નથી આવી રહ્યા. એથી એ મારા માટે મોટો સવાલ છે. ‘ક્રિશ 4’ને પણ ભવ્યતાથી બનાવવામાં આવશે. વિશ્વ આજે ખૂબ નાનકડું બની ગયું છે અને હાલનાં બાળકો હૉલીવુડની સુપર હીરો ફિલ્મો જુએ છે જેને ૫૦૦-૬૦૦ મિલ્યન ડૉલરમાં બનાવવામાં આવે છે. એની સરખામણીએ આપણી પાસે બસો-ત્રણસો કરોડનું નાનું બજેટ હોય છે. એથી હૉલીવુડ જેવી ફિલ્મ કઈ રીતે બનાવી શકું? મેં દસ ઍક્શન સીક્વન્સ કરતાં માત્ર ચાર સીક્વન્સ રાખવાનું નક્કી કર્યું છે. જોકે એ સીક્વન્સ પણ સારી ક્વૉલિટીના હોવા જોઈએ. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અદ્ભુત હોવી જોઈએ. અમારે બજેટ અને પ્રોડક્શન કૉસ્ટને પણ જાળવી રાખવાની છે. વર્તમાનમાં જેટલી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થાય છે એ કાંઈ ખાસ કમાલ નથી કરી રહી. વર્તમાનમાં જે સ્થિતિ છે એ પ્રમાણે તો ફિલ્મની પ્રોડક્શન કૉસ્ટ પણ નથી નીકળતી. એથી આ વર્ષે તો અમે નહીં બનાવીએ, પરંતુ કદાચ આવતા વર્ષે એ બનાવીશું.’


