હાઈ કોર્ટે ઍક્ટરની સજા સસ્પેન્ડ કરીને તેને વચગાળાની રાહત આપી
રાજપાલ યાદવની ફાઇલ તસવીર
તિહાડ જેલમાં બંધ રાજપાલ યાદવને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગઈ કાલે તેની જામીનઅરજી પર ફરી શરૂ થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે તેની સજા સ્થગિત કરી દીધી. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે રાજપાલને ભત્રીજીનાં લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની રાહતરૂપે ૩૦ દિવસના જામીન મંજૂર કર્યા.
ગઈ કાલે સુનાવણી શરૂ થતાં રાજપાલના વકીલે ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યાની માહિતી આપી. ત્યાર બાદ હાઈ કોર્ટે સજા સસ્પેન્ડ કરીને તેને વચગાળાની રાહત આપી. કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. રાજપાલ યાદવને ૧ લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર જામીન મળશે. આ રાહત તેને કેસની આગામી સુનાવણી એટલે કે ૧૮ માર્ચ સુધી માટે આપવામાં આવી છે. કોર્ટે વધુમાં સૂચના આપી કે ૧૮ માર્ચે અભિનેતા વ્યક્તિગત રીતે હાજર રહે અથવા વ્યસ્તતા હોય તો વિડિયો-કૉન્ફરન્સ દ્વારા જોડાઈ શકે.
ADVERTISEMENT
આ કેસ લગભગ ૯ કરોડ રૂપિયાના દેવા અને બાઉન્સ થયેલા ૭ ચેક સાથે સંબંધિત છે. રાજપાલ યાદવે ૨૦૧૦માં પોતાની ફિલ્મ બનાવવા માટે લોન લીધી હતી, જે પરત ન ચુકવાતાં વિવાદ વધ્યો. સમયમર્યાદામાં ચુકવણી ન થતાં તેણે પાંચમી ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કરીને જેલ જવું પડ્યું હતું.
કોર્ટે જામીન માટે મૂકેલી કેટલીક કડક શરતો
- પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે (જો પહેલેથી ન કર્યો હોય તો).
- કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને જઈ નહીં શકાય.
- ૧ લાખ રૂપિયાનો બેઇલ-બૉન્ડ અને એટલી જ રકમની જામીનરકમ ભરવી પડશે.
- આગામી સુનાવણી ૧૮ માર્ચે રહેશે, જેમાં હાજરી ફરજિયાત રહેશે.


