એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની મમ્મીએ કોઈની પાસેથી દસ હજાર રૂપિયા ઉધાર લઈને ઍક્ટર બનવા માટે રાજકુમારને આપ્યા હતા
રાજકુમાર રાવ
રાજકુમાર રાવને આજે જે પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળી છે એની પાછળ તેનો અથાક સંઘર્ષ છુપાયેલો છે. ઍક્ટર બનવા માટે તેણે ખૂબ પ્રયાસ કર્યા હતા. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની મમ્મીએ કોઈની પાસેથી દસ હજાર રૂપિયા ઉધાર લઈને ઍક્ટર બનવા માટે રાજકુમારને આપ્યા હતા. જોકે ત્યાં પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. પૈસા પણ ગયા અને કામ પણ ન મળ્યું. એ ઘટના યાદ કરતાં રાજકુમાર કહે છે, ‘એ એક ફિલ્મના સીન જેવું હતું. હું ગુડગાંવથી દિલ્હી સાઇકલ પર ગયો હતો. મેં ન્યુઝપેપરમાં વાંચ્યું હતું કે ઝી ટીવી માટે એક શો બની રહ્યો છે. એ વખતે મને ટીવી અને ફિલ્મોનો તફાવત નહોતો ખબર. મારે તો ફક્ત ઍક્ટિંગ કરવી હતી. તેમણે મને મીટિંગ માટે બોલાવ્યો હતો. એ ઑફિસમાં દરેક ઍક્ટર, ગુલશન ગ્રોવરથી માંડીને રઝા મુરાદના ફોટો હતા. મને લાગ્યું કે તેઓ બધાને ઓળખે છે. તેમણે મારી પાસે ફોટોશૂટ માટે દસ હજાર રૂપિયા માગ્યા હતા. મારી મમ્મીએ કોઈની પાસેથી એ પૈસા ઉધાર લીધા હતા. મને કૉલ આવ્યો કે હું સિલેક્ટ થઈ ગયો છું. એ વખતે હું વિચારવા લાગ્યો કે હવે મારી લાઇફ સેટ થઈ જશે. હું ત્રણ દિવસ બાદ એ ઑફિસે ગયો ત્યારે આખી ઑફિસ ગાયબ હતી. લોકોને પૂછ્યું તો તેમણે કહ્યું કે એ લોકો ભાગી
ગયા છે.’

