પતિ નિક જોનસ સાથેના ઉંમરના ૧૦ વર્ષના તફાવત પર પ્રિયંકા ચોપડાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડા અને તેના અમેરિકન પતિ નિક જોનસ વચ્ચેનું મજબૂત બૉન્ડિંગ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં પ્રિયંકાએ જોનસ બ્રધર્સના નવા પૉડકાસ્ટમાં હાજરી આપી હતી અને અહીં તેણે નિક જોનસ સાથેના ૧૦ વર્ષના ઉંમરના તફાવત વિશે વાત કરી હતી. પ્રિયંકા પતિ નિક કરતાં ૧૦ વર્ષ મોટી છે.
પૉડકાસ્ટ દરમ્યાન એક કૉલરે પ્રિયંકાને પ્રશ્ન પૂછ્યો કે ‘મારો બૉયફ્રેન્ડ મારાથી એક વર્ષ નાનો છે. મારા માટે આ એક નવો અનુભવ છે કારણ કે મને હંમેશાં મારા કરતાં મોટી ઉંમરના છોકરાઓ જ પસંદ હતા. શું તમે એવી કોઈ સલાહ આપી શકો જેથી હું મારા કરતાં નાની ઉંમરના પાર્ટનર સાથેના આ સંબંધમાં વધુ આત્મવિશ્વાસ અનુભવી શકું?’
આ પ્રશ્નના જવાબમાં પ્રિયંકાએ પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘જ્યારે તમને એવી વ્યક્તિ મળે છે જે તમારી અપેક્ષાઓ પર ખરી ઊતરે છે ત્યારે ઉંમરનો તફાવત કોઈ મોટો મુદ્દો નથી. જોકે હું તમારો પ્રશ્ન સારી રીતે સમજી શકું છું. જ્યારે તમે કોઈની સાથે આખું જીવન પસાર કરવાનો નિર્ણય લો છો ત્યારે મનમાં સ્વાભાવિક રીતે એવો વિચાર આવે છે કે શું તે જીવનના મોટા નિર્ણયો દરમ્યાન તમારો સમાન ભાગીદાર બની શકશે? જોકે મારા અને નિકના સંબંધમાં ઉંમરનો તફાવત ક્યારેય મુદ્દો બન્યો નથી.’
