ફૅનની આ કમેન્ટથી પ્રીતિએ અકળાઈને તેની ઝાટકણી કાઢી નાખી
પ્રીતિ ઝિન્ટા, ગ્લેન મૅક્સવેલ
પંજાબ કિંગ્સની ટીમે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે તેમની ટીમના સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. નબળા પ્રદર્શનને કારણે ગ્લેન મૅક્સવેલે સતત ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મૅક્સવેલના ખરાબ પ્રદર્શનમાં ટ્રોલર્સે પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાને નિશાન બનાવી છે. પ્રીતિ સાથે વાતચીતના એક સેશન દરમ્યાન એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘મૅડમ, મૅક્સવેલનાં લગ્ન તમારી સાથે નથી થયાં એટલે તે તમારી ટીમ માટે સારું નથી રમતો.’
આ કમેન્ટ પર પ્રીતિ ઝિન્ટા ગુસ્સે ભરાઈ હતી. તેણે જવાબ આપતાં કહ્યું કે ‘શું તમે આ સવાલ તમામ ટીમના પુરુષ ટીમના માલિકોને પૂછશો કે આ ભેદભાવ ફક્ત મહિલાઓ માટે જ છે? જ્યાં સુધી હું ક્રિકેટમાં નહોતી આવી ત્યાં સુધી મને ખબર નહોતી કે કૉર્પોરેટ સેટઅપમાં મહિલાઓ માટે જીવવું કેટલું મુશ્કેલ છે. મને ખાતરી છે કે તમે આ સવાલ મજાકમાં પૂછ્યો છે, પરંતુ હું આશા રાખું છું કે તમે તમારા સવાલને ખરેખર જોઈ શકો અને સમજી શકો કે તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો. કારણ કે જો તમે ખરેખર સમજો છો કે તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સારો સવાલ નથી. મને લાગે છે કે મેં છેલ્લાં ૧૮ વર્ષથી ખૂબ મહેનત કરીને મારું સ્થાન મેળવ્યું છે. એટલે કૃપા કરીને મને એ સન્માન આપો જેની હું હકદાર છું અને જેન્ડર-બાયસ ન રાખો. આભાર.’

