વડા પ્રધાને ગુરુ દત્ત, પી. ભાનુમતી, રાજ ખોસલા, ઋત્વિક ઘટક અને સલિલ ચૌધરીની યાદગીરીમાં પોસ્ટલ સ્ટૅમ્પ પણ લૉન્ચ કરી. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આયોજિત વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું...
ગઈ કાલે WAVES 2025માં ભારત પૅવિલિયનમાં નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગઈ કાલથી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) 2025ની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. આ સમિટ ૪ મે સુધી ચાલશે. આ સમિટનું આયોજન વૈશ્વિક સ્તરે ભારતની મીડિયા અને મનોરંજન ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાના અને એને વૈશ્વિક સ્તરનું બનાવવાની દિશામાં એક ડગલું આગળ લઈ જવાના હેતુથી કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં વિશ્વભરના ક્રીએટિવ લોકો, ઇન્વેસ્ટરો, સ્ટાર્ટઅપ્સ અને ટેક્નૉલૉજી સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.
આ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટમાં બૉલીવુડના ઘણા મોટા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં શાહરુખ ખાન, અનુપમ ખેર, આમિર ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, મનીષા કોઇરાલા, પ્રિયંકા ચોપડા અને રણબીર કપૂર જેવાં નામોનો સમાવેશ થાય છે. સમિટના ઉદ્ઘાટન વખતે વડા પ્રધાને ભારતીય સિનેમાની પાંચ દિગ્ગજ વ્યક્તિઓ ગુરુ દત્ત, પી. ભાનુમતી, રાજ ખોસલા, ઋત્વિક ઘટક અને સલિલ ચૌધરીની યાદગીરીમાં પોસ્ટલ સ્ટૅમ્પ પણ લૉન્ચ કરી અને સાથે-સાથે પ્રસંગને અનુરૂપ દમદાર સંબોધન કર્યું હતું, જેનો સાર પ્રસ્તુત છે...
યાદ કર્યા દાદાસાહેબ ફાળકેને
આજે ૧ મે છે. ૧૧૨ વર્ષ પહેલાં ૧૯૧૩ની ત્રીજી મેએ ભારતમાં પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રિલીઝ થઈ હતી. એના સર્જક દાદાસાહેબ ફાળકે હતા અને ગઈ કાલે તેમની જન્મજયંતી હતી. છેલ્લી સદીમાં ભારતીય સિનેમા ભારતને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવામાં સફળ રહ્યું છે. દરેક વાર્તા ભારતીય સંસ્કૃતિનો અવાજ બની છે અને વિશ્વભરના લાખો લોકોનાં દિલ સુધી પહોંચી છે.
સમજાવ્યો WAVESનો મતલબ
WAVES એ ફક્ત એક શૉર્ટ ફૉર્મ નથી, એ ખરેખર એક લહેર છે. એ સંસ્કૃતિ, ક્રીએટિવિટી અને દુનિયાને જોડનારી એક લહેર છે. આ લહેર પર ફિલ્મો, સંગીત, ગેમિંગ, નવીનતા અને વાર્તા કહેવાની છે. આજે ૧૦૦થી વધુ દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ અહીં એક છત નીચે ભેગા થયા છે. અમે પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ. WAVES એક વૈશ્વિક પ્લૅટફૉર્મ છે જે દરેક કલાકાર અને સર્જકને અભિવ્યક્તિની તક આપે છે. આ સમય ભારતમાં ઑરેન્જ ઇકૉનૉમીના ઉદ્ભવનો છે. કન્ટેન્ટ, ક્રીએટિવિટી અને સંસ્કૃતિ - આ ત્રણેય ઑરેન્જ ઇકૉનૉમીના મજબૂત પાયા છે.
ભારત પ્રતિભાઓનો દેશ
ભારતીય સિનેમા સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે છે. આપણે બધાનું દિલ જીતવું પડશે. વિકસિત ભારત તરફની આપણી યાત્રા હવે શરૂ થઈ રહી છે. ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે, પણ બસ એને દર્શાવવા યોગ્ય પ્લૅટફૉર્મની જરૂર છે. હવે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચી રહી છે. આજે આપણી ફિલ્મો ૧૦૦થી વધુ દેશોમાં રિલીઝ થાય છે. તેથી હવે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સબટાઇટલ્સ સાથે ભારતીય કન્ટેન્ટ જોઈ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.
ઑરેન્જ ઇકૉનૉમી એટલે શું?
ઑરેન્જ ઇકૉનૉમીને ક્રીએટિવ ઇકોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કન્સેપ્ટમાં ક્રીએટિવિટી અને કલ્ચરલ ઇન્ડસ્ટ્રીના સેક્ટર્સનો સમાવેશ કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઇકૉનૉમિક નેટવર્ક દ્વારા કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે ક્રીએટવ ઇકૉનૉમી એવો નવીન વિચાર છે જેમાં ક્રીએટિવ ઍસેટના પ્રદાન અને ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇકૉનૉમિક ગ્રોથ અને ડેવલપમેન્ટને વધારે વેગ આપી શકાય છે.


