પાકિસ્તાની ઍક્ટ્રેસ માહી બલોચે સોશ્યલ મીડિયા પર આદિત્ય રૉય કપૂર સાથે પોસ્ટ કરેલી રોમૅન્ટિક તસવીર થઈ ગઈ વાઇરલ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આદિત્ય રૉય કપૂર હાલમાં પોતાની સિંગલ લાઇફને એન્જૉય કરી રહ્યો છે. થોડા સમય પહેલાં તેણે કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે હાલમાં તેનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. જોકે હાલમાં તેની પાકિસ્તાની ઍક્ટ્રેસ માહી બલોચ સાથેની એક તસવીર વાઇરલ થઈ છે. આ તસવીરને જોઈને લોકોને એમ લાગી શકે છે કે કદાચ આદિત્ય પાકિસ્તાની અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો છે. જોકે હકીકત એ છે કે આ તસવીર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવી છે.
આ તસવીર માહી બલોચે જ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને કૅપ્શન લખી છે, ‘અને આખરે મેં હા કહી દીધી.’ જોકે પછી તેણે જ સ્પષ્ટતા કરી છે કે આ AIથી બનાવેલી એક તસવીર છે જેને તેણે મજાકમાં શૅર કરી છે. આ તસવીર પાકિસ્તાની સેલિબ્રિટીઝ વચ્ચે ચાલી રહેલા AI ટ્રેન્ડનો ભાગ છે જેમાં તેઓ બૉલીવુડ સ્ટાર્સ સાથે રોમૅન્ટિક ઇમેજ બનાવીને મજા કરી રહ્યા છે.


