‘અનાડી ઇઝ બૅક’ લઈને આવનારનું કહેવું છે કે નવોદિત ઍક્ટર સાથે કામ કરવું ખૂબ જ સરળ છે, કારણ કે તેમનાં ટૅન્ટ્રમ નથી હોતાં.

પહલાજ નિહલાણી
પહલાજ નિહલાણીનું કહેવું છે કે પૉપ્યુલર ઍક્ટર કરતાં નવોદિત ઍક્ટર સાથે કામ કરવાનું ઘણું સહેલું છે. સેન્સર બોર્ડના ચૅરમૅન રહી ચૂકેલા પહલાજ નિહલાણીએ બૉલીવુડને ઘણા નવા ઍક્ટર્સ આપ્યા છે. તેમણે ઘણા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. તેમની ‘અનાડી ઇઝ બૅક’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ૧૯૯૩માં આવેલી ‘અનાડી’ સાથે કોઈ લેવાદેવા નથી. આ ફિલ્મ દ્વારા નવોદિત ઍક્ટર નવાબ ખાન બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેમ જ ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં કામ કરનારી મિશિકા ચૌરસિયા પણ એમાં જોવા મળશે. આ તેની બીજી ફિલ્મ છે. નવોદિત ઍક્ટર સાથે કામ કરવા વિશે પૂછતાં પહલાજ નિહલાણીએ કહ્યું કે ‘હું કોઈ જાણીતી હિરોઇનને લઈને ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. જોકે તેમનાં ટૅન્ટ્રમ અને નખરાં ખૂબ જ હોય છે. હું એમ નહીં કરું, તેમ નહીં કરું એવું હોય છે. ગોવિંદા સાથે કોઈ હિરોઇન કામ કરવા તૈયાર નહોતી. એ સમયે મેં માધુરી દીક્ષિતને સાઇન કરી હતી. જોકે એ શક્ય નહોતું બન્યું. મેં મીનાક્ષી શેષાદ્રિને પસંદ કરવાનું નક્કી કર્યું હતું. તેણે પણ ના પાડી દીધી હતી કે તમારી ફિલ્મો તો હીરો ઓરિયેન્ટેડ હોય છે, એમાં હું શું કરીશ. હિરોઇન એક વખત જાણીતું નામ બની જાય તો તેઓ હીરોની પણ બાપ બની જાય છે. ન્યુકમર્સનું એવું નથી હોતું. તેમની પાસે જે કામ કરાવો એ કરી લે છે તેઓ. આથી ન્યુકમર્સ સાથે કામ કરવું વધુ સારું છે. હું જ્યારે ૨૦૦૩માં આવેલી ‘તલાશ – ધ હન્ટ બિગિન્સ’ બનાવી રહ્યો હતો ત્યારે અક્ષયકુમારની ડિમાન્ડ હતી કે કરીના કપૂરને ફિલ્મમાં પસંદ કરવામાં આવે તો હું આવતી કાલથી જ ફિલ્મ શરૂ કરી દઈશ. આથી મને પૉપ્યુલર ઍક્ટરની કન્ડિશન અને નીયતની ખબર છે. આથી હું મોટા ભાગે નવોદિત ઍક્ટર સાથે કામ કરવાનું નક્કી કરું છું અને એથી જ મેં ‘અનાડી ઇઝ બૅક’માં મિશિકા ચૌરસિયાને પસંદ કરવાનું નક્કી કર્યું. મેં ફોટોશૂટ કર્યું અને મને તે પર્ફેક્ટ લાગી એથી મેં તેને લઈને જ આગળ વધવાનું નક્કી કર્યું.’

