પહલાજ નિહલાણીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કરીઅરની શરૂઆતમાં તે વિરોધ વ્યક્ત કરી શકતી નહોતી
પહલાજ નિહલાણી, માધુરી દીક્ષિત
બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતએ પોતાની કરીઅરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ફિલ્મમેકર પહલાજ નિહલાણીએ એક ઇન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતની કરીઅરના શરૂઆતના દિવસો વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે ‘હું માધુરીના શરૂઆતના તબક્કામાં તેને મારી એક ફિલ્મમાં કાસ્ટ કરવા ઇચ્છતો હતો અને માધુરી પણ આ ફિલ્મ કરવા માટે ઉત્સાહિત હતી, પરંતુ અનિલ કપૂરે આ થવા દીધું નહીં. મેં માધુરી દીક્ષિતને મારી ગોવિંદા સાથેની ફિલ્મ ‘ઇલ્ઝામ’માં સાઇન કરી હતી. તે મારી ફિલ્મમાં કામ કરવા જઈ રહી હતી, પરંતુ કેટલાક લોકોએ મુશ્કેલીઓ ઊભી કરી હતી. એ સમયે બોની કપૂર, અનિલ કપૂર અને સુભાષ ઘઈ સહિત અનેક લોકોએ અફવા ફેલાવી કે ગોવિંદા તો માધુરી જેવી નવી છોકરી સાથે કામ કરવા માગતો નથી. આખરે તે મારી ફિલ્મ છોડીને ચાલી ગઈ અને પછી એ રોલ માટે નીલમને સાઇન કરવામાં આવી. તે લોકોએ પોતાના જૂઠાણામાં માધુરીને સંપૂર્ણપણે ફસાવી લીધી હતી. બિચારી માધુરી વિરોધ વ્યક્ત કરી શકી નહોતી અને બોની કપૂર તેમ જ અનિલ કપૂરની ટોળકીએ તેને પોતાના કબજામાં લઈ લીધી હતી.’


