10મી જુને રિલીઝ થનારી ફિલ્મ ‘જન હિત મેં જારી’ પણ આવા જ એક અલગ વિષય પર બનેલી ફિલ્મ છે. ડાયરેક્ટર જય બસંતુ સિંઘે કૉન્ડૉમ જેવા વિષય પર ફિલ્મ લખવાનું જ નહીં પણ બનાવવાનું પણ બીડું ઝડપ્યું
ડાયરેક્ટર જય બસંતુ સિંઘ - તસવીર સૌજન્ય પીઆર
ઑફબિટ મુદ્દાઓ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ બૉલીવુડમાં મોટેભાગે સફળ રહ્યો છે. સેઇમ સેક્સ રિલેશનશીપ હોય કે પછી સ્પર્મ ડોનેશનની વાત હોય – આ પ્રકારની ફિલ્મો હવે સ્વીકારાય છે અને વખણાય પણ છે. 10મી જુને રિલીઝ થનારી ફિલ્મ ‘જન હિત મેં જારી’ પણ આવા જ એક અલગ વિષય પર બનેલી ફિલ્મ છે. ડાયરેક્ટર જય બસંતુ સિંઘે કૉન્ડૉમ જેવા વિષય પર ફિલ્મ લખવાનું જ નહીં પણ બનાવવાનું પણ બીડું ઝડપ્યું. પહેલી ફિલ્મ હોવા છતાં આવા બોલ્ડ વિષય સાથે બૉલીવુડમાં પહેલી કરવા અંગે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે જય બસંતુ સિંઘે વિગતવાર વાત કરી.
નુશરત ભરુચા આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે. કોઇને પણ નવાઇ લાગે કે કૉન્ડૉમ અંગેની ફિલ્મમાં કોઇ અભિનેત્રી કેવી રીતે મુખ્ય પાત્ર હોઇ શકે? આ જ વાતથી દોર સાધતા જય બસંતુ સિંઘ કહે છે, “માર્ચ ૨૦૨૦માં ફિલ્મના પ્રોડ્યુસર રાજે મારી સાથે આ ફિલ્મ અંગે વાત કરી – ત્યારે માત્ર એક લીટીનો આઇડિયા હતો કે એક સ્ત્રી જે કૉન્ડૉમ વેચવાનું કામ કરે છે. ત્યારે મારે માત્ર લખવાનું કામ કરવાનું હતું. મારા રાઇટિંગ માટે હું જેમ જેમ રિસર્ચ કરતો ગયો તેમ તેમ મને આ વિષયમાં વધારે રસ પડ્યો અને મેં કહ્યું કે આ ફિલ્મ ડાયરેક્ટ પણ હું જ કરીશ. કૉન્ડૉમ અંગે આપણા દેશમાં ક્યારેય પણ ખુલીને વાત નથી થતી, તેને એક શરમજનક બાબત ગણાય છે. કોઇએ એ વિચાર્યું છે કે કૉન્ડૉમનો ઉપયોગ ન કરવાથી કેટલી બધી સ્ત્રીઓને અનિચ્છનિય ગર્ભપાત કરાવવો પડે છે? એટલું જ નહીં બેદરકારીથી કરાયેલા ગર્ભપાતને કારણે સ્ત્રીઓને જીવલેણ બિમારીઓ પણ થાય છે. કૉન્ડૉમને લોકો માત્ર પુરુષો સાથે જોડે છે પણ ઉપયોગ ભલે પુરુષો કરે – જ્યારે તેનો ઉપયોગ નથી થતો ત્યારે વેઠનાર તો સ્ત્રી જ હોય છે.”
ADVERTISEMENT
આ ફિલ્મ માટેના રિસર્ચ દરમિયાન તેમને ચોંકાવનારી વિગતો મળી, કઇ રીતે કૉન્ડૉમ અને તેને સંબંધિત મુદ્દા અવગણવામાં આવે છે તે પણ તેમણે નોંધ્યું. નુશરત ભરુચાએ આ પાત્રને બહુ મજાનો ન્યાય આપ્યો છે તેમ કહી જય બસંતુ સિંઘ ઉમેરે છે કે, “આ ફિલ્મ લખવી અઘરી હતી, તેને યોગ્ય રીતે ભજવી શકે તેવી અભિનેત્રી શોધવીપણ આગવી ચેલેન્જ હતી પણ નુશરતે બહુ જ પ્રશંસનીય અભિનય કર્યો છે. તેણે ફિલ્મના વિષય અને લખાણને અપનાવ્યું અને તે જ તેના અભિનયનું સત્વ બન્યું.” લખાણની વાત કરતાં તે કહે છે, “આવા વિષયને લોકો હળવાશથી ન લે, સંદેશો મેળવે અને છતાંય તેમને ભારે ન લાગે તે રીતે આખી ફિલ્મ લખાઇ છે. આપણા દેશમાં મોટી વસ્તીથી મોટો પ્રશ્ન અને તેને કારણે સર્જાતી સમસ્યાઓનો કોઇ પાર નથી ત્યારે આવા વિષય પર ફિલ્મ બનવી જરૂરી છે. લોકોએ ટ્રેલરને બહુ જ સારો પ્રતિભાવ આપ્યો છે અને ફિલ્મને પણ લોકો હોંશે હોંશે અપનાવશે તેની મને ખાતરી છે.”

