અનિલ કપૂરનું કહેવું છે કે હવે ફિલ્મોમાં મિડલ એજ વ્યક્તિનાં પાત્રને પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી રહ્યાં છે.
અનિલ કપૂર અને નીતુ કપૂર તેમની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ને પ્રમોટ કરવા માટે જયપુરમાં ગયાં હતાં. ત્યાં તેમણે ફેમસ લસ્સીની મજા લેવાની સાથે આલ્બર્ટ હૉલની પણ મુલાકાત લીધી હતી.
અનિલ કપૂરનું કહેવું છે કે હવે ફિલ્મોમાં મિડલ એજ વ્યક્તિનાં પાત્રને પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી રહ્યાં છે. તેની ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ જોવા મળી રહ્યાં છે. અનિલ અને નીતુ કપૂર હાલમાં જયપુરમાં તેમની ફિલ્મને પ્રમોટ કરતાં જોવા મળ્યાં હતાં. અનિલ કપૂર આ ફિલ્મમાં વરુણ ધવનના પિતા અને નીતુ કપૂરના પતિનું પાત્ર ભજવી રહ્યા છે. ભીમ સુખનાની તેનાં મૅરેજમાં ફ્રસ્ટ્રેટ થઈ ગયો હોય છે અને તે અફેર કરે છે. તે તેની પત્નીને ડિવૉર્સ આપવા માગતો હોય છે. તેમ જ તેને એ વાતની જાણ થાય છે કે તેનો દીકરો પણ તેની પત્નીને ડિવૉર્સ આપવાનું પ્લાનિંગ કરી રહ્યો હોય છે. પોતાની રિયલ ઉંમરનું પાત્ર ભજવવા વિશે પૂછતાં અનિલ કપૂરે કહ્યું કે ‘મને લાગે છે કે ત્રણ ફૅક્ટર છે જેના કારણે આ પાત્ર ભજવવાનું મને પસંદ છે. પહેલી વાત કે મારી કરીઅરમાં આ એક એવો ફેઝ છે જેમાં હું નવું-નવું શીખી રહ્યો છું અને એક ઍક્ટર તરીકે પોતાનો વિકાસ કરી રહ્યો છું. તેમ જ નવા-નવા ડિરેક્ટર અને રાઇટર્સ જેઓ મને ચૅલેન્જ આપી શકે એમની સાથે હું કામ કરી રહ્યો છું. આજકાલનાં બાળકો તેમના વિચારોને લઈને ખૂબ જ બોલ્ડ છે અને એ તેમના રાઇટિંગમાં તેમના વિચારોને લઈને ચોક્કસ છે. તેઓ મને ફક્ત એક ઍક્ટર તરીકે જુએ છે અને મારી પાસે પર્ફોર્મન્સ કઢાવી જાણે છે. મારી ‘થાર’ પણ એનું એક રિઝલ્ટ હતું. આજકાલ મિડલ એજ પાત્રને પણ ખૂબ જ સારી રીતે લખવામાં આવી રહ્યાં છે. મારી ઉંમરને સ્ક્રીન પર રજૂ કરવાનું હું એન્જૉય કરી રહ્યો છું.’